Ganesh Laddu – હૈદરાબાદમાં 1 કરોડ 87 લાખમાં વેચાયેલા ગણેશ લાડુની શું કહાણી છે?
હૈદરાબાદમાં ગણપતિ પંડાલમાં પ્રસાદના ગણેશ લાડુની 1 કરોડ 87 લાખ રૂપિયામાં હરાજી થઈ હતી. અહીં ગણેશ લાડુની આટલી મોટી રકમ કેમ બોલાઈ, આ રકમનો ઉપયોગ ક્યાં કરાશે?
હૈદરાબાદમાં ગણેશ લાડુની લિલામી દર વર્ષે નવા રેકૉર્ડ બનાવી રહી છે.
હૈદરાબાદના બંદલાગુળા જાગીર પાસે કીર્તિ રિચમંડ વિલાના વિનાયક મંડપમમાં લાડુની કિંમત એક કરોડ 87 લાખ રૂપિયા હતી.
ગયા વર્ષે આ વિલાની પાસે લાડુની લિલામીમાં કિંમત 20 લાખ સુધી પહોંચી હતી. શું આ વિલાઓમાં ખૂબ જ પૈસાદાર લોકો રહે છે? અહીં લિલામી કેવી રીતે થાય છે?
રિચમંડ વિલામાં ગણેશ લાડુની લિલામીની એક અલગ કહાણી છે. આ લાડુની લિલામીમાં એક જ વ્યક્તિ ભાગ લેતી નથી. 150 પ્રતિસ્પર્ધીઓને લગભગ ચાર જૂથોમાં વહેંચવામાં આવે છે. આ ચારેય જૂથ લાડુ માટે બોલી લગાવે છે. જોકે, લિલામીમાં જીતનાર જૂથની સાથે, હારી જનાર જૂથે પણ પૈસા ચૂકવવા પડે છે.
આ રીતે રિચમંડ વિલાના ચારેય જૂથોએ ચૂકવેલી રકમ એક કરોડ 87 લાખ થઈ. અને અહીં માત્ર વિજેતા સમૂહ જ લાડુનો હકદાર નથી. આ લાડુને વિલામાં રહેતી દરેક વ્યક્તિને વહેંચવામાં આવે છે.
આ લિલામીની રકમનું શું કરવામાં આવે છે?
સમિતિ અનુસાર લાડુની લિલામીમાંથી મળેલા બધા જ રૂપિયાનો ઉપયોગ સેવાકાર્ય માટે કરવામાં આવે છે. આરવી દિયા ચેરિટેબલ ટ્રસ્ટ નામક એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ લાડુની લિલામીમાં મળેલી બધી જ રકમ ટ્રસ્ટને મળે છે.
ટ્રસ્ટના સ્વયંસેવકો આ પૈસાનો ઉપયોગ હૈદરાબાદ અને દેશના અલગ-અલગ ભાગમાં સેવા કરનારાં બિનસરકારી સંગઠનોને આપવા માટે કરે છે. કોઈને પણ રોકડા રૂપિયા આપવામાં આવતા નથી.
સ્વયંસેવકોની એક ટીમ ઘણી રિસર્ચ કરે છે. ટ્રસ્ટના સભ્યો જે બિનસરકારી સંગઠનોની મદદ કરે છે તે સંગઠનની વ્યક્તિગત મુલાકાત લે છે. આ સંગઠનોનાં ઍકાઉન્ટની પણ તપાસ કરવામાં આવે છે.
સમિતિને જ્યારે વિશ્વાસ આવે છે કે તેમણે આપેલી રકમનો 100 ટકા ઉપયોગ નક્કી થયેલી સેવા માટે જ ખર્ચ થશે ત્યારે જ તે રકમ આપવામાં આવે છે.
ટ્રસ્ટને ચલાવવા માટે લિલામીની રકમનો ઉપયોગ કરવામાં આવતો નથી. ટ્રસ્ટ અમે પોતાના પૈસાથી ચલાવીએ છીએ. ટ્રસ્ટના સ્વયંસેવક રંજને આ પ્રક્રિયાને સમજાવતાં કહ્યું કે દાનના બધા જ પૈસા એ લોકોને પહોંચે છે જેને તેની અત્યંત જરૂર છે.
તેમણે જણાવ્યું, “ગણેશ વિસર્જનના અવસર પર અમે લાડુની લિલામી કરીએ છીએ. અમારા વિલામાં દરેક ધર્મના લોકો રહે છે અને આ કાર્યક્રમમાં ભાગ લે છે. લગભગ 150 લોકો એક કરોડ 87 લાખ રૂપિયા આપશે. વર્ષમાં એક વખત એકઠી કરવામાં આવેલી આ રકમનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન થાય છે. રંજને કહ્યું કે આ રકમ પર ઇનક્મ ટૅક્સ પણ લાગતો નથી.”
રંજને સમજાવ્યું, “લાડુની લિલામી 2016માં 25 હજાર રૂપિયાથી શરૂ થઈ. આ રકમને અમે સેવા માટે ખર્ચ કરી. અમારી ખર્ચ કરવાની રીત, સમિતિનું પ્રદર્શન, ઈમાનદારી અને પારદર્શિતાને જોઈને ધીમે-ધીમે હરાજીમાં પૈસા દાન કરનાર લોકોની સંખ્યા વધવા લાગી. 2016માં આ રકમ 25 હજાર હતી, પછી વધીને બે લાખ, 10 લાખ, 40 લાખ, 60 લાખ અને આ વર્ષે એક કરોડ 87 લાખ સુધી પહોંચી ગઈ છે.”
તેમણે ઉમેર્યું, “દરેક સભ્ય એક સરખી રકમ આપતા નથી. કોઈ વધારે આપે છે તો કોઈ ઓછી આપે છે.”
“સમિતિના સભ્યોએ જણાવ્યું કે અમારા સેવા કાર્યક્રમને જોયા પછી વિલાની બહાર ચાની દુકાનના માલિકે પણ છ હજાર રૂપિયા આપ્યા. અમે ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છીએ.”
હૈદરાબાદમાં માત્ર રિચમંડ વિલામાં જ નહીં પરંતુ બીજાં સ્થળોએ પણ લાડુની હરાજી થાય છે.
મીડિયામાં ખૂબ જ કવરેજ મેળવનાર બાલાપુર લાડુની લિલામી આ વખતે 30 લાખ રૂપિયામાં થઈ. આ લાડુ ભારતીય જનતા પાર્ટીના નેતા કોલાના શંકર રેડ્ડી પાસે છે. ગયા વર્ષે આ લાડુની હરાજી 27 લાખમાં થઈ હતી. બાલાપુર લાડુની હરાજી 1994થી થઈ રહી છે.
મદાપુર માઈ હોમ્સ ભુજા સોસાયટીમાં પણ લાડુની હરાજી ઘણી ઊંચી કિંમતે થાય છે. કોંડાપલ્લી ગણેશ નામની એક વ્યક્તિએ લાડુ માટે સૌથી વધારે 29 લાખની બોલી લગાવી હતી. ગયા વર્ષે અહીં લાડુની સૌથી મોટી બોલી 25 લાખ 50 હજારની હતી.
SURENDRANAGAR – સુરેન્દ્રનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત 60 સફાઈ કામદારોને છૂટા કરી દેતા રોષ