A New Approach to Farmer Upliftment – ખેડૂત ઉત્કર્ષનો નવતર અભિગમ એટલે ખેડૂત ઉત્પાદન સંગઠન(FPO)
- સુરેન્દ્રનગરના ખેડૂતો FPO રચી બન્યા આત્મનિર્ભર
-
FPO અંતર્ગત સરકારશ્રીની સહાયથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ કેન્દ્ર શરૂ કર્યું માત્ર 6 માસનાં ટૂંકા ગાળામાં 10 લાખથી વધુના ઉત્પાદનોનું વેચાણ
ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશના સર્વાંગી વિકાસનો આધાર ખેતી ક્ષેત્રના વિકાસ ઉપર છે. દેશમાં મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો પાસે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા મર્યાદિત હોય છે. જેથી આવક ઓછી થાય છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોને આ પરિસ્થિતિમાંથી ઉગારવા અને તેમની આવક બમણી કરવા માટે એક ખેડૂત સંગઠન ઊભું કરવામાં આવે છે. જેને ખેડૂત ઉત્પાદન સંગઠન (Farmer Product Organisation-FPO) કહે છે. FPO ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે.
આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો, ખેતીને લગતી અન્ય જરૂરિયાતો તેમજ તેમના ઉત્પાદનોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. આવી સવલતો થકી તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં આવે છે. આવું જ એક વઢવાણ, લખતર અને મુળી તાલુકાનાં 300થી વધારે ખેડૂતો મળીને VLM Surendranagar SPNF Farmers Producer Co Ltd. નામનું એક ખેડૂત ઉત્પાદન સંગઠન ઊભું કર્યું છે. આ સંગઠને ગુજરાત સરકારના સહયોગથી રામ ભોજનાલય બસ સ્ટેન્ડ રોડ, સુરેન્દ્રનગર ખાતે પ્રાકૃતિક ખેતી ઉત્પાદનોનું વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેનું ઉદઘાટન મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રએ માત્ર 6 માસ જેટલો ટૂંકા સમય ગાળામાં સફળતાના નવા શિખરો સર કર્યા છે.
આ કેન્દ્રના ડિરેક્ટર અને મુળી તાલુકાના ગૌતમગઢ ગામના હમીરસિંહ રાઘુભા પરમાર આનંદ સાથે જણાવે છે કે, આ FPO અંતર્ગત બનાવેલ વેચાણ કેન્દ્ર છે. આ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી કરતાં સર્ટિફાઇડ ખેડૂતોના કૃષિ ઉત્પાદનો વેચાણ અર્થે રાખવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના ફાર્મની અમે મુલાકાત કરીએ અને સો ટકા શુધ્ધતાની ખાતરી મળે પછી જ તેમનો માલ વેચાણ અર્થે રાખવામાં આવે છે. જેથી જિલ્લાના લોકોને ઝેરમુક્ત ખોરાક મળી રહે. દર રવિવારે અહીંયા તાજા શાકભાજી પણ વેચાણ માટે રાખવામાં આવે છે.
ખેડૂતો પોતાના ભાવથી જ પોતાની જણસનું(ઉત્પાદનો) વેચાણ કરી શકે છે એ પ્રકારનું આયોજન અહીંથી કરવામાં આવે છે. આ કેન્દ્ર ગુજરાત સરકારના સહયોગથી ચાલે છે. આમાં વઢવાણ, મુળી અને લખતર તાલુકાના 300 થી વધારે ખેડૂતો જોડાયેલા છે. દરેક ખેડૂત આ સંસ્થાનો શેર હોલ્ડર છે. અહિયાં વિવિધ પ્રકારના અથાણા, ગોળ, શાકભાજી, સરબત, ફળફળાદી, કઠોળ, અનાજ, મધ, દેશી બિયારણો, દુધ, છાશ, માખણ, ઘી, પનીર વગેરે જેવી વસ્તુઓ સો ટકા શુદ્ધતાની ખાતરી સાથે વેચવામાં આવે છે. જિલ્લાના લોકોને સારી વસ્તુઓ અને ખેડૂતોને સારા ભાવ મળી રહે એ માટે સરકારશ્રીના સહયોગથી શરૂ કરેલ આ નાનકડો પ્રયાસ છે.
રોજિંદા જીવનમાં પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરતાં ખમીસાણા ગામના ભરતસિંહ વાઘેલા જણાવે છે કે, હું અવાર-નવાર આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઉં છું. અહીંયા બધી જ વસ્તુઓ સો ટકા ઓર્ગેનિક મળે છે. હું મારા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરું છું. ઓર્ગેનિક વસ્તુનો સ્વાદ બજારની બીજી વસ્તુઓ કરતા સારો હોય છે. દર રવિવારે અહીંયા ખેડૂતો પોતાના ખેતરમાંથી તાજા શાકભાજી લાવી વેચાણ કરે છે. આવા તાજા પ્રાકૃતિક શાકભાજીથી સ્વાસ્થ્ય સારું રહે છે. આમ આ કેન્દ્ર થકી જિલ્લાના લોકોને સારો અને ઝેરમુક્ત ખોરાક મળી રહે છે.
આ કેન્દ્રનાં CEO અચ્યુત પટેલ હર્ષ સાથે જણાવે છે કે, આ FPOમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયેલા છે. શહેરનો પ્રાકૃતિક વસ્તુઓ ખાનારો મોટા ભાગનો વર્ગ અહીંથી ખરીદી કરે છે. દર મહિને લાખ થી દોઢ લાખના મૂલ્યોના ઉત્પાદનોનું અહીંથી વેચાણ થાય છે. છેલ્લા છ માસમાં રૂ.10 લાખથી વધુનું વેચાણ થયું છે. એક વાર મુલાકાત કર્યા બાદ ગ્રાહકો બીજી વખત પાછા આવે છે એજ અમારી સફળતા છે. અહિંયાની દરેક વસ્તુ શુદ્ધ, સાત્વિક અને ઝેરમુક્ત છે. આપણા જિલ્લામાં ન થાય તેવી પ્રોડક્ટ બહારનાં ભાવનગર, રાજકોટ, અમદાવાદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો પાસેથી લેવામાં આવે છે.
જેથી કરીને બીજા જિલ્લાના ખેડૂતોને પણ વસ્તુઓના યોગ્ય ભાવ અને વેચાણનું ઉત્તમ પ્લેટફોર્મ મળી રહે. આ કેન્દ્ર સરકારશ્રીના સહયોગથી ચાલે છે. ત્રણ વર્ષ સુધી આ કેન્દ્રનો નિભાવ ખર્ચ સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રનાં બે કર્મચારીઓનો પગાર પણ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે. કેન્દ્ર ખાતે રીનોવેશન અને ફર્નિચર પણ સરકારશ્રીના સહયોગથી કરવામાં આવ્યું છે. આત્મા તરફથી પણ પૂરતો સહયોગ અને માર્ગદર્શન મળે છે. આત્મા દ્વારા ખેડૂતોને તાલીમ, શિબિરો અને પ્રેરણા પણ આપવામાં આવે છે જેથી ખેડૂતો આત્મનિર્ભર બની શકે. અમારા આ ખેડૂત સંગઠનને સરકારશ્રી તરફથી જે સહયોગ મળ્યો છે એ બદલ અમે સરકારશ્રીના આભારી છીએ.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
શક્તિ મુંધવા
સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ મહિલાલક્ષી જાગૃતિ કાર્યક્રમો યોજાયા