પાણી ચોરી: સુરેન્દ્રનગર-વઢવાણમાં પાણીનાં 56 ગેરકાયદે કનેક્શન કાપ્યાં
- નોટિસો આપવા છતાં કનેક્શનો ચાલુ રહેતા તંત્રની કાર્યવાહી
- સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારમાં અંદાજે 3 દિવસે પાણી વિતરિત કરાય છે
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોમાં પાણીની લાઈનમાંથી સીધુ જોડાણ કરીને ગેરકાયદે નળ કનેક્શનોથી પાણી ચોરી થતી હોવાનું ધ્યાને આવતા પાલિકાએ નોટિસો ફટકારી હતી. છતાં કનેકશનો જેમના તેમ રહેતા પાલિકાની ટીમ દ્વારા બંને શહેરોમાંથી બાંધકામ માટે તેમજ બંધ મકાનોના પાણીનો બગાડ કરતા સહિતના 56 જેટલા કનેક્શન કાપી નાખતા દોડધામ મચી હતી. બીજી તરફ આગામી દિવસોમાં પણ વધુ કનેક્શનો કાપવાની શકયતા સેવાઇ રહી છે.
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારમાં અંદાજે દર 3 દિવસે પાણી વિતરણ કરાય છે. તેમ છતા કેટલાક વિસ્તારોમાં પાણી ન મળતું હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. બીજી તરફ પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવા છતાં લોકોને પાણી ન મળતું હોવાથી પાલિકા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. તપાસ કરતા શહેરી વિસ્તારોમાં પાણી વિતરણની લાઇનમાં જ સીધા કનેક્શનો આપીને બેફામ પાણીચોરી થતી હોવાનું ધ્યાને આવતા પાલિકાતંત્ર દોડતું થઇ ગયું હતું.
સુરેન્દ્રનગર-દૂધરેજ-નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયાની સૂચનાથી એન્જિનિયર કે.જી. હેરમા, વઢવાણ ઝોનના એન્જિનિયર કુલદીપભાઈ પરમાર સહિતની ટીમે સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારોમાં કાર્યવાહી કરી હતી. જેમાં વઢવાણ ઝોન વિસ્તારોમાં ગેરકાયદે જોડાણો ધરાવનાર 30થી 40 લોકોને નોટિસ ફટકારી 10 દિવસમાં કનેક્શનો દૂર કરવાની સૂચના આપી હતી.
છતાં પાણી ચોરી થતી હોવાથી વઢવાણ ઝોન વોર્ડ નં. 13ના એન્જિનિયર વિવેકભાઈ હડીયલ અને તેમની ટીમે કાર્યવાહી કરતા લીંબડી રોડ વિશ્વકર્મા ટાઉનશીપ વિસ્તારમાંથી બાંધકામ માટે પાણીની લાઇનમાં જ સીધા જોડાણ આપીને પાણી ચોરી થતી હોવાનું ખૂલ્યું હતું. બાંધકામ, તેમજ ઘરવપરાશ સહિત 32 જેટલા કનેક્શન કાપી નાખ્યા હતા. રતનપર વિસ્તારમાંથી ઘરવપરાશના 12, 2 બંધ મકાનના સહિત 14 કનેક્શન કાપ્યા. જોરાવરનગર વિસ્તારમાં 10 જેટલા બંધ મકાનના નળ કનેક્શન કાપ્યા.
માંગણી: ટાવરની અંદર ટાઇલ્સો અને કળશ પણ તૂટેલી હાલતમાં
કાપેલાં કનેક્શનો ફરી દેખાશે તો પાલિકા દ્વારા ફોજદારીની ચીમકી અપાઈ :-
પાલિકા તંત્ર દ્વારા શહેરી વિસ્તારોમાં દબાણો દૂર કરવા તેમજ ગેરકાયદે નળ કનેક્શનો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ આવા તત્વોને કોઇની બિક ન હોય તેમ નિયમોની ઐસીતૈસી કરીને ફરી આ પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. જેને લઇને પાલિકા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. આથી કપાયેલા કનેક્શનો જો ફરી જોવા મળશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.
વઢવાણ ઝોન વિસ્તારમાં આટલા ઇંચના કનેક્શનોમાં ચોરી થતી હતી :-
વઢવાણના શહેરી વિસ્તારમાં પાણીની લાઈનમાંથી ગેરકાયદે જોડાણ કરી પાણી ચોરી થતી હોવાનુ ધ્યાને આવ્યું હતું. જેમાં 23 કનેક્શન એવા હતા કે 0.75 ઇંચ, 7 કનેક્શન 1 ઇંચના, 2 કનેક્શન 3 ઇંચની પાઇપલાઈનથી ચોરી થતી હતી.
આવાં ગેરકાયદે કનેક્શનો ધરાવતા લોકોને કોનો સાથ? :-
પાણી બચે અને પાણી ચોરી અટકે તે હાલના સમયે જરૂરી બન્યું છે. જેની ગંભીરતા લઇને પાલિકા કર્મીઓ દ્વારા નોટિસો આપવામાં આવે છે. તેમ છતાં છતા લોકો કનેક્શનો દૂર કરતા નથી. જેને લઇને અનેક સવાલો ખડા થયા છે. આવા લોકોને કોનો સાથે છે ? જેનાથી ગેરકાયદે જોડાણો ટકી રહ્યા છે અને બેફામ પાણી ચોરી થઇ રહી છે તે બાબત શહેરમાં ચર્ચાસ્પદ બની છે.
જોડાણો કાયદેસર કરાવવા સૂચના :-
શહેરી વિસ્તારમાં પાણીવિતરણની લાઈનમાં જ સીધા જોડાણ લઇને પાણીચોરીની ગંભીરતાને લઇને પાલિકાએ કાર્યવાહી કરી છે. તો બીજી તરફ હજુ પણ શહેરી વિસ્તારોમાં જે ગેરકાયદેસર જોડાણ છે તેવા લોકોને નગરપાલિકાની ઓફિસ જઇને આ જોડાણો કાયદેસર કરાવવાની સૂચના આપી છે. જેને લઇને ગેરકાયદેસર કનેકશનો ધરાવતા લોકોમાં દોડધામ મચી છે.
અંદાજે છેલ્લા 1 વર્ષથી આવા કનેક્શનોથી પાણી ચોરી થતી હતી :-
એક બાજુ શહેરીના છેવાડા વિસ્તારોમાં પાણી ન પહોંચતું હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી બાજુ ગેરકાયદે જોડાણ લઇને પાણી ચોરી અટકતી નથી. ત્યારે પાલિકા દ્વારા ગેરકાયદે કનેક્શનો કાપવાની કામગીરી કરી હતી. જેમાં અંદાજે છેલ્લા 1 વર્ષથી પાણી ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું.