માંગણી: ટાવરની અંદર ટાઇલ્સો અને કળશ પણ તૂટેલી હાલતમાં
- સુરેન્દ્રનગરના હાર્દસમા અજરામર ટાવરની જાળવણીની માગણી
શહેરના મુખ્ય માર્ગ પર આવેલા, શહેરની હાર્દ સમા ટાવરને સ્વર્ણિમ ગુજરાત 1960-2010 અંતર્ગત તંત્ર દ્વારા શણગારાયો હતો. પરંતુ હાલ આ ટાવરની સાફસફાઇ તેમજ અંદર રહેલો કળશ અને ટાઇલ્સો તૂટેલી હાલતમાં છે. અજરામર તરીકે ઓળખાતા આ ટાવરના નામમાં પણ ‘મ’ ન હોવાથી ‘‘અજરા…ર’’ ટાવર થઇ ગયો છે. આથી યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.
સુરેન્દ્રનગર શહેરની વસ્તી તેમજ વિસ્તાર દિવસે દિવસે વધી રહ્યો છે. પરંતુ શહેરની આન, બાન, શાન સમાન મુખ્ય માર્ગ પર આવેલા ટાવરને સ્વર્ણિમ ગુજરાત 1960-2010 અંતર્ગત નવા રૂપરંગ સાથે શણગારાયો હતો. અને એક સમયે આ ટાવર તેની ઘડિયાળ તેમજ કળશ સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પરંતુ છેલ્લાં ઘણા સમયથી ટાવર દુદર્શાની હાલતમાં ઘેરાઇ ગયો છે.
આ અંગે સુનિલ રાઠોડ, વી.એલ.રાઠોડ, સુરેશ પરમાર વગેરે જણાવ્યું કે, આ ટાવરની સાફસફાઇ થતી નથી તેમજ ટાવરની અંદર રહેલો કળશ પણ તૂટી ગયો છે. અને અંદર -બહાર રહેલી ટાવરની ટાઇલ્સો તૂટી ગઇ છે. આ ઉપરાંત ‘અજરામ’ નામના સ્ટિલના અક્ષરોમાંથી ‘મ’ ન હોવાથી ‘અજરા…ર’ બની ગયો છેઆ ટાવર રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ પસાર થઇ રહ્યા છે. છતાં આ ટાવરની દુર્દશા નજરે ચડતી નથી.
આથી આગામી દિવસોમાં સુરેન્દ્રનગરની રોનક સમાન ટાવરની જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય જાળવણી સાથે કામગીરી થાય તેવી લાગણી અને માગણી કરી હતી.