Ahmedabad – 22 વર્ષ બાદ દીકરાએ બોલેરોથી જ હત્યા કરીને બદલો લીધો, જાણો દીકરાનું ‘બદલાપુર’
અમદાવાદમાં પહેલી ઑક્ટોબરે 50 વર્ષના નખતસિંહ અર્જુનસિંહ ભાટીનું મૃત્યુ થયું, જે પહેલી નજરે સામાન્ય માર્ગ અકસ્માતની ઘટના લાગતી હતી, પરંતુ પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ કોઈ ઍક્સિડન્ટ નહીં, પણ આયોજનપૂર્વક કરવામાં આવેલી હત્યા છે.
આ કેસના કથિત આરોપી ગોપાલ ભાટીની પૂછપરછ દરમિયાન આખો ભાંડો ફૂટી ગયો. અમદાવાદ પોલીસ સામે જે ભેદ ખૂલ્યો એની કહાણી કોઈ ફિલ્મની વાર્તાને ટક્કર મારે તેવી હતી.
આરોપી ગોપાલ ભાટી ભાવનાત્મક રીતે ભાંગી પડ્યા અને પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે તેમણે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે નખતસિંહની હત્યા કરી હતી.
પોલીસે જ્યારે ગોપાલને તેના પિતાના મોતના કારણ વિશે પૂછ્યું, ત્યારે તે પોતાનું રડવું રોકી ન શક્યો. ઘણા કલાકોની પૂછપરછ બાદ તેણે પોલીસને જણાવ્યું કે તે છેલ્લાં 22 વર્ષથી તેના પિતાની હત્યાનો બદલો લેવાનું આયોજન કરી રહ્યો હતો.
22 વર્ષ પહેલાંનું 2002નું એ વર્ષ જ્યારે બદલાનાં બીજ રોપાયાં
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, ગોપાલ અને નખતસિંહ બંને રાજસ્થાનના જેસલમેરના રહેવાસી છે. ગોપાલ હરિસિંહ ખુશાલસિંહ ભાટીના ત્રણ સંતાનોમાં બીજા છે.
વર્ષ 2002માં હરિસિંહ અને તેમના પિતરાઈ ભાઈ જેસલમેરની એક રેસ્ટોરાંમાં ભોજન કરી રહ્યા હતા, ત્યારે નખતસિંહ અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
નખતસિંહની ઉંમર ત્યારે 28 વર્ષની હતી અને તેની પાસે બોલેરો એસયુવી હતી. નખતસિંહે પોતાની કાર હરિસિંહ અને તેમના પિતરાઈ પર ચઢાવી દીધી, જેમાં હરિસિંહનું મૃત્યુ થયું અને તેમના પિતરાઈ ભાઈને ગંભીર ઈજા થઈ હતી.
2002માં આ ઘટના બની ત્યારે હરિસિંહના પુત્ર ગોપાલની ઉંમર 8 વર્ષ હતી. તેમણે પોલીસને જણાવ્યું કે બાળપણથી જ તેઓ નખતસિંહની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે રીતે નખતસિંહે તેમના પિતાની હત્યા કરી હતી, તેવી જ રીતે તેમણે પર વેર વાળવું હતું.
2002ની ઘટના બાદ નખતસિંહની ધરપકડ થઈ અને ત્રણ વર્ષ પહેલાં જ તેનો જેલવાસ પૂરો થયો. ત્યારથી નખતસિંહે જેસલમેર છોડીને અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું હતું.
નખતસિંહ અહીંની એક રહેણાંક સોસાયટીમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી મેળવી હતી. નખતસિંહના સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે મૃતકને ભય હતો કે હરિસિંહના પરિવાર દ્વારા તેમની હત્યા થઈ શકે છે. તેથી જ તેમણે પોતાના વતનથી સેંકડો કિલોમીટર દૂર એકલા રહેવાનું નક્કી કર્યું.
નખતસિંહનો મૃતદેહ અને બીજી ચીજો તેમના સંબંધીઓને સોંપવામાં આવી હતી અને રાજસ્થાનના જેસલમેરમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
આ કેસની પ્રાથમિક તપાસ પછી ‘એન’ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ગોહિલને જાણવા મળ્યું કે આરોપી અને મૃતકના પરિવાર વચ્ચે ઘણા દાયકાથી વેર ચાલતું હતું.
પીઆઈ ગોહિલે જણાવ્યું કે, “ઘણા લોકોએ તેમની વચ્ચેના વિવાદને ઉકેલવા અને સમાધાન કરાવવા પ્રયાસ કર્યો, પરંતુ કંઈ થયું નહીં. લાંબા સમયથી દુશ્મની ચાલતી હતી જે નખતસિંહના મૃત્યુનું મુખ્ય કારણ છે.”
PATDIના યુવકના આપઘાત કેસમાં યુવકના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત
બદલો લેવા હત્યા માટે ‘મોકા‘ માટે મહિનાઓની મહેનત
30 વર્ષીય ગોપાલ ભાટી જેસલમેરમાં ટાયરની દુકાન ધરાવે છે અને પરિણીત છે. તેને બે વર્ષનું બાળક પણ છે. તેણે પોલીસને જણાવ્યું કે, તે આઠ વર્ષનો હતો ત્યારથી જ નખતસિંહની હત્યા કરવાની યોજના ઘડી રહ્યો હતો.
ગોપાલે પોલીસને કહ્યું કે, “મારા પિતાનું જે રીતે મૃત્યુ થયું, તેવી રીતે તેમનું પણ મોત થાય તેમ હું ઇચ્છતો હતો.”
ગોપાલ છેલ્લા કેટલાક મહિનાથી નખતસિંહનો પીછો કરતો હતો અને તેમના આખા શેડ્યૂલની બધી માહિતી મેળવી હતી. પીઆઈ ગોહિલે બીબીસીને કહ્યું કે, “કેટલાક સીસીટીવી ફૂટેજની મદદથી અમને જાણવા મળ્યું કે ગોપાલ છેલ્લા કેટલાક મહિનાથી તેમનો પીછો કરતો હતો.”
તેને નખતસિંહની આખી દિનચર્યાની ખબર હતી. તે કોને મળે છે, પોતાની સાઇકલ ક્યાં પાર્ક કરે છે, ક્યારે કામ પર જાય છે, કયા રસ્તેથી જાય છે, વગેરે બધી માહિતી હતી.
ગોહિલ ઉમેરે છે, “થોડા મહિના પહેલાં તેમણે બનાસકાંઠાના ડીસાથી એક બોલેરો એસયુવી હપ્તેથી ખરીદી હતી. તેમણે ડાઉનપેમેન્ટ ચૂકવ્યું હતું અને બાકીની રકમ આગામી મહિનામાં ચૂકવવાની હતી. તેઓ આ જ બોલેરોમાં નખતસિંહની ગતિવિધિ પર નજર રાખતો હતો.”
બોલેરો ખરીદ્યા પછી ગોપાલ અમદાવાદ આવ્યો અને નખતસિંહનું શેડ્યૂલ જાણવા માટે થોડા દિવસ અહીં રહ્યા. પોલીસને નખતસિંહની આસપાસ ગોપાલની હાજરીના પુરાવા મળ્યા છે.
પહેલી ઑક્ટોબર, 2024ના રોજ નખતસિંહ જ્યારે સાઇકલ લઈને કામે જતા હતા, ત્યારે ગોપાલ એક બાજુ તેમની રાહ જોઈને તૈયાર હતા.
ગોપાલને તક મળતાં જ તેણે બોલેરોથી નખતસિંહને ટક્કર મારી જેમાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
એ પછી રાહદારીઓએ ગોપાલને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.
SURENDRANAGAR- નકટીવાવ મેલડીમાં મંદિરે જતો રસ્તો બંધ કરાતા ખેડૂતો ખફા
પોલીસને શંકા કેવી રીતે ગોપાલ પર શંકા ગઈ
તેની ધરપકડ બાદ પોલીસે શરૂઆતમાં આ મામલાને માર્ગ અકસ્માતનો મામલો ગણીને આકસ્મિક મોતનો કેસ નોંધ્યો હતો.
પરંતુ આ ઘટનામાં એવી કેટલીક કડીઓ હતી જેના કારણે પોલીસને શંકા ગઈ કે આ અકસ્માતનો સામાન્ય કેસ નથી, પણ હત્યાનો કેસ હોઈ શકે છે.
સૌપ્રથમ, આરોપી અને મૃતક બંને રાજસ્થાનના જેસલમેરના રહેવાસી હતા અને તેમની અટક પણ એક સરખી છે. આથી પોલીસે તેમાં ઊંડા ઊતરવાનો પ્રયાસ કર્યો.
બીજું, ગોપાલ અમદાવાદમાં ઘણી વાર આવી ગયો હતો, છતાં પોલીસની પૂછપરછ દરમિયાન તે અમદાવાદમાં પોતાની હાજરી વિશે સંતોષકારક જવાબ નહોતો આપી શક્યો.
ત્રીજું, સીસીટીવી ફૂટેજ બતાવે છે કે બોલેરો પોતાનું નિયંત્રણ ગુમાવે અથવા નખતસિંહને ટક્કર મારે તેનું કોઈ કારણ નહોતું. કારણ કે તે રસ્તાની એક બાજુએ સાઇકલ ચલાવી રહ્યા હતા અને રસ્તા પર અન્ય કોઈ વાહન ન હતું. પોલીસને આ શંકાસ્પદ લાગ્યું અને એટલે પૂછપરછ કરવામાં આવી.
આ ઉપરાંત, પોતાના હાથે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હોવા છતાં પોલીસને ગોપાલના ચહેરા પર કોઈ અફસોસ જોવા મળ્યો ન હતો. ગોહિલે બીબીસીને કહ્યું કે, “તેમના ચહેરા પર રાહત દેખાતી હતી.”
ત્યારબાદ પોલીસે હરિસિંહના મૃત્યુના કેસપેપર તપાસ્યાં અને જાણવા મળ્યું કે ગોપાલના પિતાની હત્યા માટે નખતસિંહને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન ગોપાલે ગુનો કબૂલી લીધો
પૂછપરછ દરમિયાન એક સમયે ગોપાલ ભાટી હળવાશ અનુભવતો હોય તેમ લાગતું હતું, પરંતુ પોલીસે જ્યારે તેને તેના પિતાના મૃત્યુ વિશે પૂછ્યું, ત્યારે તે પોતાની લાગણીઓને કાબૂમાં ન રાખી શક્યો.
બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ વિંછીએ બીબીસીને જણાવ્યું, “જ્યારે પણ તેણે પોતાના પિતાના મૃત્યુનો ઉલ્લેખ કર્યો, ત્યારે તે ભાંગી પડતો હતો. એવું લાગતું હતું કે તે પોતાના પિતાની ખૂબ નજીક હતો અથવા 22 વર્ષ પહેલાં જે બન્યું તેને તે ભૂલી શક્યો નહોતો.”
આ કેસ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને બાદમાં બોડકદેવે પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ વિંછી હવે કેસની તપાસ કરી રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં અમદાવાદ ઝોન 7ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, શિવમ વર્માએ જણાવ્યું કે, “અમે હવે ઘણી બાબતોની તપાસ કરી રહ્યાં છીએ અને સીસીટીવી ફૂટેજ, કારની વિગતો વગેરેના રૂપમાં પુરાવાને સાંકળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
ઇન્સ્પેક્ટર વિંછીએ કહ્યું, “અમે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીશું અને તેમના પરિવારજનોના બૅકગ્રાઉન્ડ વિશે માહિતી એકઠી કરીશું જેથી આ કેસમાં અન્ય કોઈ લોકો જોડાયેલા છે કે નહીં તે જાણી શકાય.”
શું કહેવું છે મૃતક નખતના પરિવારજનોનું?
આ આખી ઘટના વિશે નખતસિંહના પારિવારિક ભાઈ ચતુરસિંહ ભાટીએ બીબીસી સાથે ફોન પર વાત કરી.
રાજસ્થાનના જેસલમેરથી વાત કરતા ચતુરસિંહ ભાટીએ જણાવ્યું, “આ ઘટના બન્યા બાદ ઘણાં વર્ષો સુધી અમે ગોપાલના પરિવાર સાથે સમાધાન કરવાની પહેલ કરી હતી, તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, કે જે ઘટના બની છે, તેનાથી આગળ વધવું જોઈએ. પરંતુ તેઓ માન્યા નહોતા.”
ચતુરસિંહે ગોપાલના પિતા હરિસિંહ ભાટીની હત્યા કેવી રીતે થઈ હતી તે ઘટના વિશે પણ બીબીસી સાથે વાત કરી.
તેમના જણાવ્યા પ્રમાણે, “નખતસિંહ ભાટી, ૨૨ વર્ષ પહેલાં, તેમના ગામ પાસે એક રેસ્ટોરાં ચલાવતા હતા. તેમની રેસ્ટોરાંમાં ગોપાલના પિતા હરિસિંહ ભાટી જમવા માટે ગયા હતા, અને જમવાની બાબતમાં કોઈ કારણસર તેઓ નખતસિંહને ગાળો દેવા માંડ્યા હતા. એટલે મામલો બીચક્યો હતો, અને નખતસિંહે હરિસિંહને મારી નાંખ્યા હતા.”
જે તે સમયે નખતસિંહની સાથે બીજા ચાર લોકોની ધરપકડ થઈ હતી. એ લોકો જામીન પર મુક્ત થઈ ગયાહતા, અને નખતસિંહને સાત વર્ષની સજા થઈ હતી. સજા પૂર્ણ થયા બાદ, તેઓ અમદાવાદ કામ કરવા જતા રહ્યાં હતા. તેમના બે છોકરા પણ અલગ-અલગ જગ્યાએ મજૂરીએ લાગી ગયા હતા.
બીબીસીએ આરોપી ગોપાલના પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. એમની સાથે વાત થયે આ સ્ટોરીને અપડેટ કરવામાં આવશે.
OIL THEFT SCAM- ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદે તેલ ચોરીનું કૌભાંડ પકડાયું