67 વર્ષની ઉંમરે હૃતિક રોશનના માતાએ પાણીમાં કર્યા યોગ, જુવાનિયાઓને પણ શરમાવે તેવી છે પિન્કી રોશનની ફિટનેસ
બોલિવૂડ સેલેબ્સ પોતાને ફિટ રાખવા માટે સમયસર વર્કઆઉટ કરતા હોય છે તે આપણે જાણીએ છીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અભિનેતા હૃતિક રોશનના માતા પિન્કી રોશન 67 વર્ષની ઉંમરે એવા યોગ કરે છે જે જુવાનિયાઓ પણ ભાગ્યે જ કરી શકે. આંતર્રાષ્ટ્રીય યોગ દિવસે તેમણે પોતાના એક્વા યોગ કરતા વીડિયો શેર કર્યા છે.
- 67 વર્ષના છે હૃતિક રોશનના માતા પિન્કી રોશન.
- પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે પિન્કી રોશન.
- સોશિયલ મીડિયા પર શેર કર્યા એક્વા યોગના વીડિયો.
આજે દુનિયાભરમાં International Yoga Dayની ઉજવણી કરવામાં આવશે. નેતાઓથી લઈને સેલિબ્રિટી અને સામાન્ય નાગરિકો સુધી તમામ લોકો આજે યોગ કરશે. પરંતુ ઘણાં લોકો એવા પણ હોય છે જેમના માટે યોગ માત્ર એક દિવસ સુધી સીમિત નથી હોતા. યોગ તેમના જીવનનો એક ભાગ બની ગયા હોય છે. તેઓ પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે યોગનો સહારો લેતા હોય છે. અને આ પ્રકારના લોકોમાં હૃતિક રોશનના 67 વર્ષીય માતા પિન્કી રોશનનો પણ સમાવેશ થાય છે. પિન્કી રોશને યોગ દિવસના અવસર પર ખાસ અંદાજમાં ઉજવણી કરી હતી. તેમણે પાણીમાં યોગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે.
હૃતિક રોશનના માતા પિન્કી રોશન ફિટનેસ બાબતે ભલભલાને હરાવી શકે છે. તે પોતાની ફિટનેસ બાબતે ઘણાં સતર્ક છે. તે અવારનવાર પોતાના વર્કાઉટ, યોગ, એક્સર્સાઈઝના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. જુવાનિયાઓ પણ ના કરી શકે તેવા આસન અને વર્કઆઉટ તેઓ સરળતાથી કરી શકે છે. આ ઉંમરે પણ પિન્કી રોશન જે ધગશ સાથે પોતાને ફિટ રાખવા માટે મહેનત કરે છે તે ખરેખર લોકો માટે પ્રેરણાદાયક છે.
પિન્કી રોશને આંતર્રાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર પોતાના વીડિયો શેર કર્યા છે, જેમાં જોઈ શકાય છે કે તે પાણીની અંદર પદ્માસનની મુદ્રામાં બેસીને Aqua Yoga કરી રહ્યા છે. આ મુદ્રામાં તે આંખો બંધ કરીને પાણી પર તરતા જણાઈ રહ્યા છે. તેમના ટ્રેનર પણ તેમની સાથે હાજર હતા. આ સિવાય પિન્કી રોશને અલગ અલગ આસન કરતી ઘણી તસવીરો શેર કરી છે.
આ પહેલીવાર નથી જ્યારે પિન્કી રોશને પોતાના વીડિયો શેર કરીને લોકોને ચોંકાવ્યા છે. તે ઘણીવાર આવા વીડિયો શેર કરતા હોય છે. ઘણીવાર તો તે બોક્સિંગ પણ કરે છે અને ભારે ભરખમ ડમ્બલ પણ ઉઠાવતા જોવા મળે છે. પિન્કી રોશન માત્ર તેમની ઉંમરના મહિલાઓને જ નહીં યંગ જનરેશનને પણ પ્રેરિત કરે છે.