Awareness Seminar – કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાયત અધિનિયમ-2013 અંગે જાગરૂકતા સેમિનાર યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાયત અધિનિયમ-2013 અંતર્ગત કાયદાકીય જાગૃતિ માટે ઇન્ચાર્જ કલેકટરશ્રી પી.એન મકવાણાનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મહિલા અને બાળ અધિકારીશ્રી કે.વી. કાતરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ-2013 અંતર્ગત દરેક કચેરીઓમાં/કાર્યસ્થળોએ આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવી ખૂબ જ અનિવાર્ય છે. આવી સમિતિઓ થકી મહિલાઓ પોતાનાં કાર્યસ્થળ પર નિર્ભય બની કાર્ય કરી શકે છે. કોઇપણ જાતિય સતામણી/શોષણથી પિડીત મહિલાએ જિલ્લાની સ્થાનિક સમિતિ જેના સભ્ય સચિવ જિલ્લા મહિલા અને બાળ અધિકારી છે તેમને ફરીયાદ કરવા માટે તેમની કચેરી પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી ડી.ડી.શાહે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત અધિનિયમ-2013 વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાયદાઓની અલગ અલગ જોગવાઈઓ તેમજ કાયદામાં સમાવિષ્ટ કલમો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી મહિલાઓને પોતાના હક્કો વિશે માહિતગાર કર્યા હતા.
ડિપાર્ટમેન્ટ ઓફ લોનાં આસિસ્ટન્ટ પ્રોફેસરશ્રી ડો.નિર્મલસિંહ હેરમાએ જણાવ્યું હતું કે, જાતીય સતામણી ભોગ બનેલ મહિલાએ છેલ્લા બનાવના ત્રણ માસમાં લેખિતમાં આંતરિક ફરિયાદ સમિતિને ફરિયાદ કરવી તેમજ શારીરિક અથવા માનસિક અશક્તિના કારણોસર ફરિયાદ કરવા અસમર્થ હોય તો તેવી પરિસ્થિતિમાં મહિલાના વારસદારો પણ ફરિયાદ કરી શકે છે. કામકાજના સ્થળે જાતીય સતામણી થાય તો બેસી રહેવાની જગ્યાએ કાયદાકીય રીતે ફરિયાદ કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જાતીય સતામણી સમિતિના સ્થાનિક સભ્યશ્રી જીજ્ઞાબેન પંડ્યા તેમજ વર્ધમાન ગૃહ ઉધોગ મંડળના મંત્રીશ્રી પન્નાબહેને પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા.
દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી દ્વારા કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને ફિલ્ડ ઓફિસરશ્રી ભરતભાઈ ડાભી દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોને “બેટી બચાવો,બેટી પઢાવો” કપ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘પ્રતિકારક ફિલ્મ’નું નિર્દશન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્થાનિક સમિતિના ચેરમેન શ્રી દેવ્યાનીબેન રાવલ, સ્થાનિક સમિતિના સભ્યશ્રીઓ તેમજ અલગ અલગ વિભાગોના મહિલા અઘિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.