ઉજવણી: જામનગરમાં વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 545મા પ્રાકટ્ય ઉત્સવની ઉજવણી કરાઇ
- વૈષ્ણવ સમાજના ભાવિકભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
જામનગર વૈષ્ણવ સમાજ દ્વારા આજરોજ દૈવીજીવોના ઉદ્ધારક, પુષ્ટિ ભક્તિમાર્ગ પ્રવર્તક, વૈષ્ણવોના પ્રાણપ્રિય અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 545મો પ્રાકટ્ય ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે સવારે પ્રભાતફેરી યોજાઇ હતી. જેમાં વૈષ્ણવ સમાજના ભાવિકભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર વલ્લભાચાર્યમહાપ્રભુજીના પ્રાકટયોત્સ આ ઉત્સવ જામનગરની મોટી હવેલીના ગાદીપતિ પુષ્ટિ સિદ્ધાન્ત સંરક્ષણ શિરોમણિ મહાકવિ હરિરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ યુવા વૈષ્ણવાચાર્ય વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં તથા રસાર્દ્રરાયજી પ્રેમાર્દ્રરાયજીના સાનિધ્યમાં પુષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટ, જામનગર વૈષ્ણવ સમાજ તથા મોટી હવેલીમાં કાર્યરત તમામ સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ચૈત્ર વદ 11-12 (એકાદશી અને દ્વાદશી) તદનુસાર 26 અને 27 એપ્રીલ 2022 એમ બે દિવસ મનાવવામાં આવશે.
આજરોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાકટય ઉત્સવ નિમિત્તે સવારે મંગળાના દર્શન યોજાયા બાદ વાહનો સાથે પ્રભાતફેરી યોજાઈ હતી. જે સવારે મોટી હવેલીથી પ્રસ્થાન કરી સેતાવાડ, હવાઇ ચોક, ખંભાલીયા ગેઇટ, ઓશવાલ હોસ્પિટલ, સુમેર કલબ રોડ, સાત રસ્તા સર્કલ, જીલ્લા પંચાયત, લીમડા લેન, તીનબત્તી ચોક, બેડી ગેઇટ, કાશી વિશ્વનાથ મંદિર રોડ, સુભાષ બ્રીજ, મોટી હવેલીની વાડી પાસેથી મહાપ્રભુજી બેઠકજી ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં વૈષ્ણ સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.