Cholera – ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાએ માથું ઊંચક્યું, રાજકોટમાં 4 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર, બચવા માટેના ઉપાયો
આજથી ગુજરાત પરથી અતિભારે વરસાદની ઘાત ટળી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક અઠવાડિયા સુધી મેઘરાજાએ ગુજરાતને બાનમાં લીધું હતું અને ધોઇ નાંખ્યું હતું. હવે વરસાદ બાદ રાજ્યમાં કોલેરાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રાજકોટમાં અત્યારસુધીમાં 19 કોલેરાના કેસ નોંધાતા 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ અવાનવાર રેસ્ટોરન્ટ, હોટલ, ફૂડ કોર્ટમાંથી જીવજંતુઓ નીકળે છે. ત્યારે લોકોએ હાલ બહારનું ખાતા પહેલા ચેતવું જરૂરી છે. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં કઈ વસ્તુઓ પર વેચાણ કરવા પર પ્રતિબંધ હોય છે તે આરોગ્ય વિભાગે વિગતે માહિતી આપી છે. તેમજ કોલેરાથી બચવા માટેના ઉપાયો પણ સૂચવ્યા છે. ગુજરાતમાં ચાર મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યારસુધીમાં 253 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 193 કેસ
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વધતા હોય છે તેવામાં આ વર્ષે એટલે કે વર્ષ 2024માં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 193 કોલેરાના કેસ નોંધાયા છે અને ઓગસ્ટ મહિનામાં 22 કેસ સામે આવ્યા છે.
રાજકોટમાં કોલેરાએ માથું ઊંચક્યું
રાજકોટ શહેર અને જિલ્લામાં કોલેરાએ ભરડો લીધો હોય તેમ જિલ્લામાં 19મો તો શહેરમા છઠ્ઠો કેસ સામે આવ્યો છે. ઉપલેટામાં 2 બાળકોના મોત થયા હતા. પરંતુ રાજકોટ શહેરમાં કોલેરાથી અત્યારસુધીમાં એકપણ મોત થયું નથી. ત્યારે શહેરના સાંગણવા ચોક પાસે આવેલી કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા હોવાનું સામે આવ્યા બાદ આસપાસનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસના 250 ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોરવેલનુ પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળ્યું છે. જો કે, કોલેરાથી બચવા માટે વરસાદી સિઝનમાં બહારનું પાણી કે ખાદ્યચીજોનું સેવન ન કરવું જોઈએ તેવું સૂચન તબીબો દ્વારા કરાયું છે.
સુરતમાં અત્યાર સુધીમાં 13 કેસ નોંધાયા
સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં જૂન મહિનામાં એક પણ કોલેરાનો કેસ નોંધાયો ન હતો. જ્યારે જુલાઈ મહિનામાં ચોમાસા દરમિયાન કોલેરાના 12 જેટલા કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં એક જ કેસ સામે આવ્યો છે. જેથી અત્યાર સુધીમાં આ સિઝનમાં 13 જેટલા કોલેરાના કેસ સુરતમાં નોંધાયા છે.
વડોદરામાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 28 કેસ
વડોદરા મહાનગરપાલિકામાં અત્યારસુધીમાં 225 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી કુલ 28 કેસ કોલેરાના નોંધાયા છે. આ આંકડા 01 જાન્યુઆરી 2024થી આજ દિવસ સુધીના છે.
કોલેરાગ્રસ્ત વિસ્તારમાં શું ધ્યાન રાખવું?
આ સાથે જ જ્યાં કોલેરાનો કેસ સામે આવે તેની આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાં ચોક્કસ ગાઈડલાઈન લાગુ પડે છે. આરોગ્ય અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનના અમલ સ્વરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ ગણાતા કલેક્ટર દ્વારા આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવે છે. જેમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓએ ચીજવસ્તુઓ ઢાંકીને તથા કાચની પેનલમાં રાખવી, પીવાના પાણીથી જ બરફ બનાવવો, બરફ, ગોલા કે ગુલ્ફીના માવાનું વેચાણ ન કરવું. તેમજ શેરડીનો રસ કે ગોલા ડિસ્પોઝેબલ ગ્લાસ કે બાઉલમાં જ આપવાના રહેશે.
43 વર્ષની મહિલા કોલેરાગ્રસ્ત
રાજકોટ મહાનગરપાલિકાના રામનાથપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. તોરલ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 7ની હેઠળ આવતા રામનાથપરા આરોગ્ય કેન્દ્રનો આ વિસ્તાર છે. જ્યાં કોટક શેરી નંબર 1માં મારૂતિ એપાર્ટમેન્ટમાં 43 વર્ષે મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં મંગળવારે સવારે ડાયરિયા થઈ જતા ત્રણ કલાકમાં જ 40 વખત ટોઇલેટ જવું પડ્યું હતું. જે બાદ આ મહિલાની તબિયત ગંભીર થતાં તેને 108 મારફત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જે મહિલા હાલ હોસ્પિટલમાં સ્ટેબલ છે.
શું ન ખાવું અને શું પીવું?
વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કોલેરાનો કેસ સામે આવ્યો હોવાની માહિતી મળતા જ અમે અહીં ટીમ સાથે પહોંચી ગયા હતા અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આસપાસના 250 જેટલા ઘરોમાં 8 ટીમ બનાવી તપાસ કરી રહ્યા છીએ. આ એપાર્ટમેન્ટમાં પાણીના બે સ્ત્રોત છે. કોર્પોરેશન અને બોરવેલ બંનેનું પાણી અહીં આવે છે. જેથી બંને પાણીના સેમ્પલ તપાસ માટે લેવામાં આવેલા છે.
આ એપાર્ટમેન્ટમાં 4 માળમાં 12 બ્લોક છે અને તેમાં 45 લોકો વસવાટ કરે છે. અહીં મોટાભાગે લોકો બોરવેલનું પાણી પીવે છે. અહીં આસપાસ રહેતા લોકોનું ચેકિંગ કરવામાં આવતા હાલ કોઈને ડાયરિયા, ઉલટી કે તાવના કેસ નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વરસાદની આ સિઝનમાં બહારનું પાણી અને બહારના ખાદ્ય પદાર્થનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ઠંડો કે વાસી ખોરાક ગ્રહણ ન કરવો જોઈએ. કારણ કે, દૂષિત ખોરાક કે દૂષિત પાણી ગ્રહણ કરવાથી કોલેરાનો રોગ ફેલાય છે. જે વિસ્તારમાં કોલેરાનો કેસ સામે આવે ત્યાં દોઢ મહિના સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે.
બહારનું પાણી કે ખાદ્યચીજોનું સેવન ન કરવું
કોટક શેરી નંબર 1માં દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે પહોંચી ત્યારે જોવા મળ્યું કે, બાજુમાં જ પીવાના પાણીના કેરબાનું વેચાણ થઈ રહ્યું હતું. આ સાથે જ ત્યાં 2 જ્ઞાતિની વાડી પણ આવેલી છે તો ગંદકી પણ જોવા મળી હતી. મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા ઘરે ઘરે ચેકિંગ કરાયું હતું. જેમાં લોકોને પૂછવામાં આવતું હતું કે, તમારા ઘરમાં કોઈને ઝાડા કે ઉલ્ટી નથી ને? સાથે જ ક્લોરીનની ટેબ્લેટ પણ આપવામાં આવતી હતી જે પાણીમાં નાખવા માટે કહેવાયું હતું. જો કે, લોકોએ હાલ કોલેરાથી બચવા માટે કોર્પોરેશનનું પાણી જ ઉપયોગમાં લેવું જોઈએ તો સાથે જ બહારનું પાણી કે ખાદ્યચીજોનું સેવન ન કરવું જોઈએ.
પીવાનું પાણી ક્લોરીનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું
રાજકોટ શહેરમાં કોલેરાના સંભવિત રોગચાળાને ફેલાતો અટકાવવા રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોષીએ 30 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેરના કોલેરાગ્રસ્ત/ કોલેરા ભયગ્રસ્ત ખોડિયારનગર, પુનીતનગર પાસે, વાવડી પાસેના વિસ્તાર તથા આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની નિમણુક કરવામાં આવી છે.
ઉપરાંત પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યા મુજબ, બરફના કારખાનેદારોએ બરફ બનાવવા માટે પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે. ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદીને પાણી મેળવવામાં, પાણી દૂષિત થવાની શક્યતા રહેલી હોવાથી ખાડા ખોદી પાણી ન મેળવવું. શહેરના તમામ મકાનોમાં આવેલા ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવી અને પીવાનું પાણી ક્લોરીનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું.
જમતા પહેલા સાબુથી હાથ ધોવા
આ ઉપરાંત ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા. શાકભાજી/ફળફળાદીના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્તુઓનું ટૂકડા કરીને વેચાણ ન કરવું. શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ/ફરસાણની દુકાન, ભોજનાલય વગેરેમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા. ખાણીપીણીની વસ્તુઓ વેચતા, હરતા-ફરતા કે સ્થાયી લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ આવા ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારિક વાયર નેટ લગાવી ખાદ્યપદાર્થ ફરજિયાત ઢાંકી રાખવા.
તેમજ તમામ ખાદ્યપદાર્થ પેપર ડીશમાં જ પીરસવા. જ્યારે બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણની મનાઈ છે. શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ કરવાનું રહેશે. વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો. જમતા પહેલા સાબુથી હાથ ધોવા. કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી દરરોજ રાજકોટ મહાગરપાલિકાના આરોગ્ય અધિકારીને આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
Jio, Airtel યુઝર્સ એલર્ટ! 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન પેમેન્ટમાં આવશે મુશ્કેલી, જાણો કારણ
આરોગ્યલક્ષી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉપલેટાના કારખાનામાં 2 મજૂર અને ત્યાંના 11 બાળકોને કોલેરા હોવાનું સામે આવ્યું હતું. જેમાં 2ના મોત થયા હતા. બાદમાં શહેરના લોહાનગર વિસ્તારમાં 2 બાળકને કોલેરા હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જે પછી અટલ સરોવર પાસે પુરૂષ, લક્ષ્મીવાડીમાં મહિલા તો મવડીમાં પુરૂષને કોલેરા હોવાનું સામે આવતા ખોડિયાર નગર, વાવડી અને પુનિત નગરના 2 કિલોમીટરના વિસ્તારમાં 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે. તેવામાં હવે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવતા સાંગણવા ચોક પાસેની કોટક શેરીમાં 43 વર્ષીય મહિલા કોલેરાગ્રસ્ત થતા તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેથી મેડિકલ ટીમ દ્વારા તેમના પરિવાર તેમજ આસપાસના વિસ્તારોમાં આરોગ્યલક્ષી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દોઢ માસ પહેલા માંડવીમાં 1 કેસ આવ્યો હતો
માંડવીમાં દોઢ મહિના પહેલા એક કેસ સામે આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં સફાઈ સાથે દવા છંટકાવ અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ડોર ટુ ડોર ફરી બચાવના ઉપાયો સૂચવવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠા જિલ્લામાં બે માસ દરમિયાન એક પણ કેસ કોલેરાનો આવ્યો નથી. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા વરસાદને લઈ 770 જેટલી ટીમો બનાવી છે. જિલ્લામાં દરેક ગામોમાં સલાહ આપવામાં આવે છે કે, વર્ષા ઋતુના કારણે પાણીજન્ય કે મચ્છરજન્ય રોગચાળો ન થાય. લોકો ગરમ ઉકાળેલું પાણી પીવે, ગંદકીને બળેલા ઓઈલ અથવા પાણીથી નિકાલ કરવામાં આવી રહી છે. પીએચસી તેમજ તાલુકા હેલ્થ કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
જૂનમાં આણંદમાં કોલેરાના 4 કેસ નોંધાયા હતા
જૂન મહિનાના અંતમાં આણંદ શહેરી વિસ્તારમાં કોલેરાના 4 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉમરેઠ ગામમાં કોલેરાના 2 કેસ નોંધાયા હતા. કોલેરાનો ઉપદ્રવ ન વધે તે હેતુથી અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ સાવચેતીના પગલારૂપે આણંદ જિલ્લા કલેકટર દ્વારા જે-તે વિસ્તારની આસપાસના 2 થી 5 કિમીના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ રોગચાળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે તે વિસ્તારમાં આરોગ્યલક્ષી સર્વે કરવામાં આવ્યો હતો. તેમજ ઘેર-ઘેર જઈને ક્લોરિન ટેબલેટ અને ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Matha Samachar – થાનનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રાખવાનો ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો