Declaration – સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ જાહેરનામું બહાર પડાયું
- ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટિક/ કાચ પાયેલા માંજા, પ્લાસ્ટિક દોરી વગેરે પ્રતિબંધિત રહેશે
ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોવાથી કોરોના સંક્રમણની શક્યતાઓ વધી જાય છે. આ બાબતને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.આઇ.ભગલાણી દ્વારા તા.20/01/2023 સુધી પતંગ ચગાવવા સંબંધિત નિયંત્રણો મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અંતર્ગત જાહેર સ્થળો/ ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર એકત્રિત થઈ શકાશે નહીં તેમજ પતંગ પણ ચગાવી શકાશે નહીં.
માસ્ક વિના કોઈપણ વ્યક્તિ મકાન/ ફ્લેટનાં ધાબા/ અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાનાં હેતુથી એકત્રિત થઈ શકશે નહીં તેમજ ત્યાં ઉપસ્થિત લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજિયાત પણે કરવાની રહેશે. મકાન/ ફ્લેટનાં ધાબા/ અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફ્લેટ/ રહેણાંક સોસાયટી સંબંધિત કોઈપણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી/ ફ્લેટના સેક્રેટરી/ અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓની વિરુદ્ધ નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મકાન/ ફ્લેટનાં ધાબા/ અગાસી કે સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થવા અને લાઉડ સ્પીકર, ડી.જે. તેમજ મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધિત રહેશે. કોઈપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો/ સ્લોગનો/ ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.
ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઈનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટિક/ કાચ પાયેલા માંજા, પ્લાસ્ટિક દોરી વગેરે પ્રતિબંધિત રહેશે. પતંગ બજારોમાં ખરીદી વેંચાણ કરતા સમયે કોવિડ-19 સંદર્ભે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા/ માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ બધી જ સૂચનાઓના અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત, પેટ્રોલિંગ તથા જરૂરિયાત અનુસાર ડ્રોન, સી.સી.ટી.વી. મારફતે સર્વિલન્સ રાખવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ/ મદદગારી બદલ ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ,2005 તેમજ ભારતીય દંડ સંહિતા-1860ની જોગવાઈ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.