Site icon સોહમ 24 ન્યુઝ

વિજ્ઞાન, ગણિત-પર્યાવરણ પ્રદર્શન ખુલ્લુ મુકાયું – ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ઉત્તમથી સર્વોત્તમ બનવા આગળ વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે :કેબિનેટમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર

Dhrangadhra – ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ઉત્તમથી સર્વોત્તમ બનવા આગળ વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે :કેબિનેટમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર

Google News Follow Us Link

શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરનાં વરદ હસ્તે આજે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે 50માં રાજ્ય કક્ષાનાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ-ગુજરાત સરકાર, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી-સુરેન્દ્રનગર અને શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય ધ્રાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાજ્ય કક્ષાનાં પ્રદર્શનનાં ઉદઘાટન પ્રસંગે કેન્દ્રિય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા અને સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રાનાં સંસ્થાપકશ્રી રામકૃષ્ણદાસજી સ્વામીની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

બાલ્યાવસ્થામાં પોતે વિજ્ઞાન મેળામાં ભાગ  લેવાનાં સંસ્મરણો વાગોળતા કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો થકી બાળકોમાં વિચારવાની શક્તિ, સર્જન શક્તિ અને સંશોધન શક્તિ ખીલે છે, વિકસિત થાય છે. આજે આપણો દેશ ગણિત, વિજ્ઞાનની સાથે સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે ત્યારે આ પ્રકારનાં પ્રદર્શન બાળકોમાં કૌશલ્યવર્ધન કરનારા તેમજ તેમની શક્તિઓ માટે એક સુંદર પ્લેટફોર્મ પૂરૂ પાડનારા બની રહ્યા છે.

આ સાથે જ રમત-ગમત ક્ષેત્રે પણ સરકાર દ્વારા લેવાયેલા પ્રોત્સાહક પગલાઓ અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોતાના સંસદીય ક્ષેત્રમાં સંસદસભ્યની ગ્રાન્ટમાંથી 20 જેટલા જીમો ફાળવવામાં આવ્યા છે અને જવાહર પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ.14 લાખના ખર્ચે રનિંગ ગ્રાઉન્ડનું નિર્માણ થઈ રહ્યું છે. જેના થકી જિલ્લામાં રમત ગમત માટેની સગવડોમાં સુધારો થશે અને ખેલ પ્રવૃત્તિઓને ઉત્તેજન મળશે. વધુમાં મંત્રીશ્રીએ સરકારશ્રીના વિવિધ વિભાગો અને યોજનાઓની વિસ્તૃત જાણકારી ઉપસ્થિત સૌને આપી હતી.

આ અવસરે સંબોધન કરતાં કેબિનેટ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીનું સૂત્ર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનનું સૂત્ર આવા કાર્યક્રમો થકી સાર્થક થાય છે. આપણી વૈદિક પરંપરા, ઋચાઓ સંહિતા, વેદો વગેરેનો અભ્યાસ દેશ વિદેશની વૈજ્ઞાનિક સંસ્થાઓ કરી રહી છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ઉત્તમથી સર્વોત્તમ દિશામાં આગળ વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

કોરોનાની વૈશ્વિક મહામારીમાં સરકારે લીધેલા પગલાઓની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ભારતે માત્ર નવ માસ જેટલા ટૂંકા સમય ગાળામાં કોરોના પ્રતિરોધક સ્વદેશી રસી વિકસાવી પોતાના નાગરિકોને સુરક્ષિત કર્યા હતાં. સાથે-સાથે વિશ્વના 150 થી વધુ દેશોમાં કોરોનાની રસી અને દવાઓ પહોંચાડી વસુધૈવ કુટુંબકમની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીભર્યા નિર્ણયોથી નવી એજ્યુકેશન પોલિસીનો અમલ થઇ રહ્યો છે. જેના થકી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરી શકાશે. સ્ટેટ સ્ટાર્ટ અપ રેન્કિંગમાં ગુજરાત સતત ત્રીજી વખત બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે જાહેર થયું છે. સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતર્ગત 35 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે રૂ. 2.50 લાખ સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. મંત્રીશ્રીએ બાળ વૈજ્ઞાનિકોને નવા સંકલ્પો, નવા વિચારો, નવી ઉપલબ્ધિઓ અને નવી સાધનાઓ સાથે આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.

નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુરુકુળમાં બાળકોમાં દેશભક્તિની ભાવના મજબૂત થાય અને એક ઉત્તમ નાગરિકનાં ગુણો કેળવાય તે રીતે શિક્ષણ આપવામાં આવે છે. કોરાના સમય દરમ્યાન ગુરુકુળ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ હોસ્પિટલ અને સારવાર સહિતની સેવાઓની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું હતું તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જે આસપાસના વિસ્તારનાં નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.

ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રદર્શનની માહિતી પુસ્તિકા “કૃતિ દર્શન” અને સી.ડી.નું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન મુખ્યત્વે 5 વિભાગમાં વહેચાયેલું છે. જેમાં વિભાગ-1માં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ અને નાવીન્ય, વિભાગ-2માં ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને પર્યાવરણ સંબંધી ચિંતા, વિભાગ-3માં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ-4માં પરિવહન અને નાવીન્ય, વિભાગ-5માં વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ અને ‘આપણા માટે ગણિત’નો સમાવેશ કરાયો છે.આ ઉપરાંત બાળકો દ્વારા વિવિધ વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર કરેલ કૃતિઓ પણ રજુ કરવામાં આવી હતી.આ પ્રદર્શન 22 ફેબ્રુઆરી સુધી ખુલ્લું રહેશે. વધુમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવો સાથે પ્રદર્શનની મુલાકાત લઇ બાળવૈજ્ઞાનિકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

આ પ્રદર્શનમાં ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઇ વરમોરા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ મુંજપરા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખસુશ્રી કલ્પનાબેન રાવલ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીશ્રી મુકેશ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે.એન.બારોટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીસુશ્રી શિલ્પા પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્યશ્રી ડૉ.સી.ટી.ટુંડીયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને 20 ફેબ્રુઆરીના રોજ “માર્ગદર્શન શિબિર” યોજાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version