Har Din Har Ghar Ayurveda – “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ખાતે “આયુષ મેળો” યોજાશે
- મેળા અંતર્ગત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પદ્ધતિથી નિદાન તથા સારવાર કરાશે
- આયુષ કેમ્પની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે નાગરિકોને અપીલ
સુરેન્દ્રનગર જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ખાતે તા.11/03/2023નાં શનિવારનાં રોજ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-સુરેન્દ્રનગર અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ-સુરેન્દ્રનગરનાં સંયુક્ત ઉપક્રમે સવારે 09:00 થી 03:00 કલાક દરમિયાન કોમ્યુનિટી હોલ, સ્વામિનારાયણ મંદિર સામે, મુળી ખાતે આ આયુષ મેળો તથા આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી બબુબેન પાંચાણી અને ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણનાં વરદહસ્તે આયુષ મેળો ખુલ્લો મુકવામાં આવશે. આ મેળા અંતર્ગત આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમકે દિનચર્યા, ઋતુચર્યા, રસોડા/આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપતું પ્રદર્શન પણ યોજાશે.
કેમ્પમાં નિષ્ણાંત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પદ્ધતિથી નિદાન તથા સારવાર, આયુર્વેદની વિશિષ્ટતા એવી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ (કમર, ઘૂંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની અગ્નિકર્મથી સારવાર), ક્ષારસૂત્ર દ્વારા હરસ-મસા-ભગંદરની સારવાર, પ્રકૃતિ પરિક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી કરી તે મુજબનાં આહાર-વિહારનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકનાં સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા-સુવર્ણ પ્રાશન (0 થી 12 વર્ષનાં બાળકોને), તંદુરસ્ત માતૃબાળ માટે ગર્ભસંસ્કાર બાબતે માર્ગદર્શન, સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત વૃદ્ધજનો માટે તંદુરસ્ત દાદા-દાદી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવશે. આયુષ મેળા અંતર્ગત આયુષ કેમ્પની વિવિધ સેવાઓનો મોટા પાયે લાભ લેવા અને મેળાની મુલાકાત લેવા માટે આયુષ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.