ગુજરાતમાં માવઠું, અમદાવાદ સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો
- ભરશિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
- કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો
- ગુજરાતમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી
ભરશિયાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદમાં વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તો સુરત, ભરૂચ અને ખેડા જિલ્લામાં પણ માવઠું પડ્યું છે. અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમીધારે, તો ક્યાંક પવન સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદ ભીંજાયું:
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વસ્ત્રાપુર, બોડકદેવ અને બોપલમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં. બોપલ, પ્રહલાદનગર, ગોતા, શિવરંજની, શ્યામલ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. તો જીવરાજ અને વેજલપુર સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વરસાદી ઝાપટાને લીધે વાતાવરણમાં ઠંડક વધી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો, અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા
ગુજરાતમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. જેથી ખેડૂતોને પાક સલામત સ્થળે રાખવાની સલાહ અપાઈ છે. માવઠાની આગાહીના પગલે હાલ ખેડૂતોને સિંચાઈ ના કરવા પણ અપીલ કરાઈ છે.
ખેડૂતોએ તૈયાર પાક યોગ્ય સ્થાને મૂકવા, પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવા અને નમી જાય તેવા પાકને ટેકો આપવા પણ સૂચના અપાઈ છે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડશે. તો આવતીકાલે ગુરુવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે માછીમારોને પણ ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ.
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી
માવઠાથી નુકસાની મામલે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. વધુ 9 જિલ્લાઓમાં પાક નુકસાન મુદ્દે સહાય કરવા સરકારે મન બનાવ્યુ છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકારે બાકી રહેલા જિલ્લાએ માટે 531 કરોડનું ખેડૂત સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેકટર દીઠ 6800 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે.
અડધા હેકટર માટે 4000 સહાય આપવામાં આવશે જ્યારે મહત્તમ બે હેકટર માટે સહાયનું ચૂકવાનું કરવામાં આવશે.આ માટે 6 ડિસેમ્બરથી આઈ પોર્ટલ પર અરજી લેવાશે જે 24 ડિસેમ્બર સુધી અરજી સ્વીકારવામાં આવશે. પછી ખરાઈ કરી ખેડૂતોને મળવા પાત્ર સહાય સીધી બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે. 9 જિલ્લાના 37 તાલુકાને સહાય મળવા પાત્ર થશે. જેમાં અમદાવાદ, બોટાદ, જુનાગઢ, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ, અમરેલી, ભરૂચ, વડોદરાના ખેડૂતોને સરકાર સહાય આપશે. 1530 ગામના ખેડૂતોને સીધો લાભ મળશે.