બ્રાન્ડેડ મધ, દહીં, પનીર સહિતની વસ્તુઓ થશે મોંઘી, આ રહ્યું લિસ્ટ
- બજેટ હોટલ અને હોસ્પિટલના રૂમ મોંઘા થશે
- બેંક ચેક ઇશ્યુ કરવાની સર્વિસ પર 18 ટકા જીએસટી લાગશે
- ખુલ્લામાં વેચાતી અનબ્રાન્ડેડ પ્રોડકટસ પર GST ની છૂટ ચાલુ રહેશે
18મી જુલાઈથી મોંઘવારીનો સામનો કરવા માટે તૈયાર રહો. GST કાઉન્સિલે સામાન્ય માણસના ઉપયોગથી સંબંધિત કેટલીક વસ્તુઓ પર GST લાદવાનો નિર્ણય લીધો છે. કેટલીક વસ્તુઓ પરની છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે, જ્યારે કેટલીક ચીજવસ્તુઓ પર જીએટીના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 18 જુલાઈ 2022થી અમલમાં આવશે. તે દિવસથી જે વસ્તુઓ મોંઘી થશે તેમાં પેકેજ્ડ અને લેબલવાળા ઘઉંનો લોટ, પાપડ, પનીર, દહીં અને છાશ વગેરેનો સમાવેશ થાય છે.
GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ચંદીગઢમાં આયોજીત GST કાઉન્સિલની બે દિવસની બેઠક ગઈકાલે પૂરી થઈ. બેઠક બાદ સીતારમણે પત્રકારોને જણાવ્યું હતું કે અહીં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બે દિવસીય બેઠકમાં વિવિધ જૂથોના દરોને તર્કસંગત બનાવવા અંગેના સૂચનો સ્વીકારવામાં આવ્યા છે. જેના કારણે ટેક્સના દરોમાં ફેરફાર થયો છે. ટેક્સ રેટમાં ફેરફાર 18 જુલાઈથી અમલમાં આવશે.
હવે આ વસ્તુઓ પર GST લાગશે
GST પર મળતી છૂટને નાબૂદ કરવાનો અર્થ થાય છે કે તૈયાર અથવા પેકેજ્ડ અને લેબલવાળી (ફ્રોઝન સિવાય) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણા, ઘઉં અને અન્ય અનાજ અને પફ્ડ ચોખા (બિહારમાં તેને મૂઠી કહેવામાં આવે છે) પર હવે 5 ટકા GST લાગશે. અત્યાર સુધી તેને મુક્તિ આપવામાં આવી હતી. તેવી જ રીતે બેંક ચેક ઇશ્યુ કરવાની સર્વિસ પર 18 ટકા જીએસટી લાગશે અને એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા જીએસટી લાગશે. જો કે, ખુલ્લામાં વેચાતી અનબ્રાન્ડેડ પ્રોડકટસ પર GST ની છૂટ ચાલુ રહેશે.
પેન્સિલ શાર્પનર પણ મોંઘા થશે
આ જ બેઠકમાં ‘પ્રિંટિંગ/ડ્રોઈંગ ઈંક’, ધારદાર છરી, પેપર-કટીંગ નાઈફ અને ‘પેન્સિલ શાર્પનર’, એલઈડી લેમ્પ, ડ્રોઈંગ અને માર્કિંગ પ્રોડક્ટ્સ પર જીએસટીના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આના પર ટેક્સ રેટ વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. તો સોલાર વોટર હીટર પર હવે 12 ટકા જીએસટી લાગશે જેના પર અગાઉ 5 ટકા ટેક્સ હતો.
બજેટ હોટલ અને હોસ્પિટલના રૂમ મોંઘા થશે
અત્યાર સુધી બજેટ હોટલ પર કોઈ GST વસૂલવામાં આવતો ના હતો જેનું રૂમનું ભાડું 1000 રૂપિયા પ્રતિ દિવસ સુધી હતું. પરંતુ હવે 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાંની હોટલના રૂમ પર 12 ટકાના દરે ટેક્સ લાગશે. આ સાથે જ 5000 રૂપિયાથી વધુના હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ભાડે આપવામાં આવેલા રૂમ (ICU સિવાય) પર 5 ટકા GST વસૂલવામાં આવશે.
કેસિનો પર રિપોર્ટ GOMને મોકલ્યો
તેમણે કહ્યું કે કાઉન્સિલે કેસિનો, ઓનલાઈન ગેમિંગ અને હોર્સ રેસિંગ અંગેનો રિપોર્ટ પુનર્વિચાર માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ને મોકલી દીધો છે. ગોવાના નાણામંત્રી કેસિનો પરના જીએસટી દર પર વધુ ચર્ચા કરવા માંગે છે. આવી સ્થિતિમાં ‘ઓનલાઈન ગેમિંગ’ અને હોર્સ રેસિંગ પર પણ ફરીથી વિચારણા કરવામાં આવશે. મંત્રીઓના જૂથે ત્રણેય પર 28 ટકા GST લાદવાની ભલામણ કરી હતી. આ અંગેનો અહેવાલ 15 જુલાઇ સુધીમાં તૈયાર થવાની ધારણા છે અને ઓગસ્ટમાં કાઉન્સિલની આગામી બેઠકમાં તેના પર વિચારણા કરવામાં આવશે.
હવાઈ મુસાફરી પર GST છૂટ મર્યાદિત
બાગડોગરાથી પૂર્વોત્તર રાજ્યોની હવાઈ મુસાફરી પર GST મુક્તિ હવે ‘ઈકોનોમી’ શ્રેણી સુધી મર્યાદિત રહેશે. આ સાથે જ આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા), ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા જેવા રેગ્યુલેટરની સર્વિસીસ સાથે બિઝનેસ યુનિટને રહેણાંક મકાનો ભાડે આપવા પર ટેક્સ વસૂલવામાં આવશે. બેટરીવાળા કે વગરના ઇલેક્ટ્રિક વાહનો પર છૂટછાટ 5% GST ચાલુ રહેશે.
કેટલીક જોગવાઈઓ આવતા વર્ષથી લાગુ થશે
GST કાઉન્સિલે ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા આંતર-રાજ્ય સપ્લાય માટેની પ્રક્રિયાને સરળ બનાવવાનો પણ નિર્ણય લીધો છે. હવે આવા માલસામાન અને સર્વિસીસના સપ્લાયર્સનું ટર્નઓવર અનુક્રમે રૂ.40 લાખ અને રૂ.20 લાખથી ઓછું છે, તો તેમને GST રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં. આ 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે. આ સાથે જ કાઉન્સિલે GST એપેલેટ ટ્રિબ્યુનલની રચના અને CGST કાયદામાં યોગ્ય સુધારા માટે રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મંત્રીઓના જૂથની રચના કરવાનો પણ નિર્ણય લીધો છે.