આજના અંકના માર્ગદર્શક: એક થઈએ, નેક થઈએ, પારિવારિક એકતાનો મંત્ર ઝીલીને પરમાત્માના કૃપાપાત્ર થઈએઃ મહંતસ્વામી મહારાજ
માણસ માત્ર શક્તિને ઝંખે છે. શરીર-શક્તિથી લઈને આત્મશક્તિ સુધી. સંપત્તિની શક્તિથી લઈને સત્તાની શક્તિ સુધી.
પરંતુ મહાભારત કહે છેઃ કળિયુગમાં આપણી મોટામાં મોટી શક્તિ સંપ છે. પરિવાર હોય, સમાજ હોય, દેશ હોય કે નાની-મોટી સંસ્થા હોય. એક રાજાએ પોતાના અમલદારોને ભેગા કર્યા. તેમણે બળવાનમાં બળવાન વ્યક્તિને દાતણની ઝૂડી તોડી નાંખવા માટે આપી પણ, દાતણ સાથે હતા એટલે તૂટ્યા નહીં. પછી તેમાંથી એક જ દાતણ એકદમ દુર્બળ વ્યક્તિને આપ્યું તો તેનાથી પણ તે એકલું દાતણ તૂટી ગયું.
એમ, આજકાલ માણસ એકલો પડતો જાય છે એટલે અંદરથી નબળો પડતો જાય છે અને તૂટતો જાય છે. તેનું કારણ પારિવારિક સમસ્યાઓ છે. શરીર શક્તિવાન હોય, સંપત્તિ-શક્તિ પણ હોય, બુદ્ધિ-શક્તિ પણ હોય, છતાં પરિવાર તૂટતા જાય છે એટલે માણસ અંદરથી એકલો પડીને હારતો જાય છે. પરિવારનો સંપ માનવીને સૌથી વધુ શક્તિ આપે છે, એ શક્તિ પરથી આજના સમાજનું ધ્યાન હટી ગયું છે.
પ્રાણી માત્ર સંપીને રહે છે. હાથી હાથીનાં ટોળામાં રહે. હરણ હરણનાં ટોળામાં રહે. તેમાંથી કોઈ બહાર પડે તો તેને ખૂંખાર પ્રાણી ખાઈ જાય. એટલે એ પ્રાણીઓ પણ સમજે છે કે સંપીને રહેવું. આપણા દેશે હજાર વર્ષની ગુલામી ભોગવી તેનું કારણ કુસંપ છે. સંપીને રહેતા હોઈએ તો કોઈની તાકાત નથી કે કોઈ વાળ પણ વાંકો કરી શકે. ભગવાન સ્વામિનારાયણના અનુગામી ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું છે કે સંપથી આધ્યાત્મિક રીતે અંતઃશત્રુઓ પણ જીતાય છે.
સંપથી બધા જ આગળ વધે. આપણે એકલા નહીં, પણ બધા આગળ વધે તો જ કામ થાય. તમે 10 વ્યક્તિ માર્ચિંગ કરતા હો અને એક વ્યક્તિ એક માઈલ દૂર આગળ નીકળી જાય અને નવ પાછળ રહી જાય એ કંઈ કામનું નહીં. પણ બધા સાથે આગળ વધવા જોઈએ. પર્વતારોહકો પર્વત ઉપર ચઢે ત્યારે દસ જણની ટોળી હોય તો બધાને કમ્મરમાં દોરી બાંધે. એટલે એક પડે તો બીજાના આધારે તે ઝીલાઈ જાય. એમ વારા ફરથી પડે તો ઝીલાતા જાય. તેમ, કોઈનું પતન ન થાય, બધા જ આગળ વધે એ માટે પારિવારિક એકતાની જરૂર છે. એકતા હોય તો એકબીજાના સહારે આગળ વધી જવાય. એકતા હોય તો બીજાની મદદમાં આનંદ આવે. પરિવારમાં બીજાને મદદ કરવાનો આનંદ તે એકતાની નિશાની છે.
પ્રમુખસ્વામી મહારાજ કહેતાઃ પરિવારમાં એકતા ટકાવવા માટે ચાર વસ્તુ યાદ રાખવી પડે – એકબીજાનું ખમવું, એકબીજા માટે ઘસાવું, પોતાના મનનું મૂકવું એટલે કે બીજાને અનુકૂળ થવું, અને કોઈની ભૂલ થાય તો તેને પચાવી માફી આપી દેવી.
આટલી તૈયારી હોવી જોઈએ. પાંચ-પચ્ચીસ પૈસાનું નુકસાન પરિવારમાં થાય એ પોસાય, પરંતુ સંપનો ભોગ લેવાય એ ન પોસાય. તે ગમે તે ભોગે રાખવો જ પડે. તો ભલેને બીજું ગમે તેટલું મોટું નુકસાન થયું હોય, તેને પહોંચી વળીશું.
સંપ એ જ સાધના ને સંપ એ જ ભક્તિ. સંપ એ ભગવાનનું દૈવત છે, સતયુગ છે. કુસંપ એ કળિયુગ છે. કળિ એટલે સંપૂર્ણ અંધકાર. પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે.