Paid Leave – મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે
મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે.
- વિવિધ સંસ્થા દ્વારા એક અધિકારી,કર્મીને નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરાશે
નોડલ ઓફિસર ફોર માઇગ્રેટરી ઇલેકટર્સ અને મદદનીશ શ્રમ આયુક્ત સુરેન્દ્રનગરની એક અબબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી તા.01/12/2022ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-2022 માટે મતદાન યોજાનાર છે.
જે સંદર્ભે વિવિધ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગી/કર્મચારીઓ મતદાનના દિવસે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કારખાનેદાર/માલિક કે નોકરી દાતા દ્વારા તેમને સવેતન રજા આપવાની રહેશે. મતદાનના દિવસને જાહેર રજા કરવાના કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ કપાત કરવાની રહેશે નહીં.
વિશેષમાં જે શ્રમયોગીઓની તેમના ફરજના સમયમાં ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો/શક્યતા હોય, રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય કે સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન 3 થી 4 કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.
સુરેન્દ્રનગર: ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ નિરીક્ષકોની સમીક્ષા બેઠક યોજાઈ
ઉપરાંત જો કોઈ કારખાનેદાર/માલિક કે નોકરી દાતા દ્વારા મતદાનના દિવસે શ્રમયોગી/કર્મચારીઓને મતદાન માટે સવેતન રજા આપવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સવેતન રજા બાબતે કંઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારીશ્રી એસ.એ.ભપલનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી, બ્લોક નંબર એ-103, બહુમાળી ભવન, ખેરાળી રોડ, પહેલો માળ, સુરેન્દ્રનગર નો સંપર્ક કરવાનો રહેશે તેમજ 02752-282503 નંબર પર પણ સંપર્ક કરી શકાશે તેમ યાદીમાં જણાવાયું છે.