દરિયાનું રૌદ્ર સ્વરૂપ: દ્વારકામાં ગોમતીઘાટ પર દસ ફૂટ ઊંચા મોજા ઊછળ્યા, પ્રવાસીઓ જોખમી સ્નાન કરતા જોવા મળ્યા
- દરિયામાં અમાસની અસર જોવા મળી
આજે અમાસના દિવસે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ પર દસ ફૂટ ઊંચા મોજા ઊછળ્યા હતા. તેમ છતાં કેટલાક શ્રદ્ધાળુઓ ગોમતીજીમાં જોખમી રીતે સ્નાન કરતા જોવા મળ્યા હતા.
અમાસના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો
સામાન્ય રીતે દરિયામાં પૂનમ અને અમાસની ભરતી સમયે ભારે કરંટ જોવા મળતો હોય. ચોમાસા આમ પણ સામાન્ય દિવસો કરતા વધુ કરંટ જોવા મળતો હોય છે. આજે અમાસના દિવસે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ પર દસ ફૂટ ઊંચા મોજા ઊછળ્યા હતા. દરિયામાં કરંટ હોવા છતા અને ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતા કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે સ્નાન કરતા જોવા મળ્યા હતા.
ગોમતી ઘાટ પર અદભુત દૃશ્યો જોવા મળ્યા
સામાન્ય રીતે ગોમતીઘાટના પગથિયાની નીચે જ પાણી રહેતું હોય છે. પરંતુ, આજે અમાસની ભરતીના કારણે ઊંચા મોજા ઉછળતા ગોમતીઘાટ ઉપર મોજા ઊછળીને આવતા જોવા મળ્યા હતા. લોકો ઘાટ પર બેસી મોજાની થપાટોની મજા માણતા દેખાયા હતા.
ગોમતીઘાટ પર રેસ્ક્યૂ ટીમ રાખવાની જરુર
દેશભરમાંથી પ્રવાસીઓ દ્વારકામાં કાળિયા ઠાકોરના દર્શન માટે આવતા હોય છે. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ગોમતીજીમાં સ્નાન કરતા હોય છે. ક્યારેક અકસ્માત પણ સર્જાતા હોય છે. ત્યારે અહીં કાયમી માટે રેસ્ક્યુ ટીમની વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવી છે.