Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર ખાતે જિલ્લાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Surendranagar – સુરેન્દ્રનગર ખાતે જિલ્લાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Google News Follow Us Link

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે જિલ્લાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.

કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે આવા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે. આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃતિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો તરફ પ્રેરાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજનો સમય ટેકનોલોજીનો સમય છે. આ ટેકનોલોજીના માધ્યમથી દુનિયાની કોઈપણ ઘટનાની માહિતી ઝડપથી મળી જાય છે. આવા સમયે બાળકોને વિજ્ઞાનની અવનવી શોધો તરફ લઈ જવા આવા પ્રદર્શનો ખૂબ મહત્વના સાબિત થાય છે. નાયબ મુખ્ય દંડકશ્રીએ આ પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવીને આગામી દિવસોમાં જિલ્લાનું નામ રોશન કરવા શુભેચ્છા પણ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી કે.સી સંપટે જણાવ્યું હતું કે, આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે. આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્નશીલ બને છે. વધુમાં કલેકટરશ્રીએ આજના પ્રદર્શનમાં પસંદ થયેલ કૃતિઓ બદલ બાળકોને બિરદાવી આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શીલ્ડ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ નાયબ મુખ્ય દંડકશ્રી તેમજ મહાનુભાવોએ રીબીન કાપી જિલ્લાનું ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લું મૂકી વિદ્યાર્થીઓની કૃતિને રસપૂર્વક નિહાળી હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ મુંજપરા, જી.સી.ઈ.આર.ટી.ના રીડરશ્રી વિજયભાઈ પટેલ, એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્યશ્રી અમિતભાઈ મિશ્રા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી સી.ટી. ટુંડિયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે.એન.બારોટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શિલ્પા પટેલ સહિત જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ જાહેરનામું બહાર પડાયું

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version