Migration – વઢવાણમાં જીઆઇડીસી છતાં સૌથી વધુ 4650 બેરોજગાર, ઓછો પગાર મળતાં સ્થળાંતર વધ્યું
વઢવાણમાં જીઆઇડીસી છતાં સૌથી વધુ 4650 બેરોજગાર, ઓછો પગાર મળતાં સ્થળાંતર વધ્યું
- જિલ્લામાં 10 પાસથી ડબલ ગ્રેજ્યુએટ થયેલા 12397 નોંધાયેલા બેરોજગાર, 5 વર્ષમાં 16652ને રોજગાર અપાયો
- સિરામિક ઉદ્યોગને કારણે થાનમાં સૌથી ઓછા બેરોજગાર, માત્ર 397 નોકરીવાંચ્છુ
સુરેન્દ્રનગર શહેર વર્તમાન સમયે શિક્ષણનું હબ બની ગયું છે. અહીંયાં અન્ય જિલ્લામાંથી પણ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યારે રોજગાર કચેરીમાં 12397 લોકોએ નોકરી માટે નામની નોંધણી કરાવી છે.
જિલ્લામાં રોજગારીની પૂરતી તકો અને પગાર ન મળતા હોવાથી અહીંયાંના યુવાનોને રોજીરોટી માટે બહારના જિલ્લામાં સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
જિલ્લામાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન, ધ્રાંગધ્રામાં પથ્થર, પાટડીમાં મીઠું, સાયલામાં કપચી અને થાનમાં કાર્બોલેસ જેવી ખનીજસંપત્તિનો અખૂટ ભંડાર છે.
ઉપરાંત થાનમાં સિરામિક ઉદ્યોગ, વઢવાણમાં જીઆઇડીસી સહિતનાં એકમો આવેલાં છે.
તેમ છતાં જિલ્લામાં શિક્ષિતોને નોકરી કરવા માટે અન્ય જિલ્લામાં જવું પડે છે, તે નરી વાસ્તવિકતા છે.
રોજગાર કેમ્પનું આયોજન
વર્તમાન સમયે જિલ્લામાં 12397 યુવાન બેકાર હોવાની નોંધણી જિલ્લા રોજગાર કચેરીના ચોપડે બોલે છે.
ધો.10થી લઇને ડબલ ગ્રેજ્યુએટ અને એન્જિનિયર સાથે ડિપ્લોમા થયેલા વિદ્યાર્થીઓ આજે નોકરીની રાહ જોઇને બેઠા છે,
જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારમાં 4650 યુવાન બેકાર છે
જયારે થાનમાં આવેલા સિરામિક ઉદ્યોગને કારણે ત્યાં સૌથી ઓછા 397 જ બેકાર યુવાનની નોંધણી થઇ છે.
રોજગાર કચેરી દ્વારા જિલ્લાની સાથે અન્ય જિલ્લાઓની કંપનીઓ સાથે ટાઇ-અપ કરીને રોજગાર કેમ્પનું આયોજન કરાય છે.
જેમાં 5 વર્ષમાં યોજાયેલા રોજગાર મેળામાં અત્યાર સુધી 16,652 લોકોને રોજગારી મળી છે. વઢવાણમાં જીઆઇડીસી આવેલી છે
પરંતુ પૂરતો પગાર અને પૂરતી જગ્યાઓ ખાલી ન હોવાથી જિલ્લાના યુવાનો સાણંદ, અમદાવાદ, બહુચરાજી, વાપી, અંકલેશ્વર જેવાં શહેરોમાં નોકરી કરવા જઇ રહ્યા છે.
જે લોકો પરિવાર કે અન્ય કારણોથી બહાર જઇ શકે તેમ નથી તેવા લોકો ભણેલા હોવા છતાં શહેરમાં નાનોમોટો ધંધો કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.
રોજગારવાંચ્છુઓને સ્થાનિક કક્ષાએ રોજગાર માટે રોજગારમેળા યોજાય છે
રોજગારવાંચ્છુ ઉમેદવારો જેમણે રોજગાર કચેરીએ નોંધણી કરાવી છે. તેમને રોજગાર સ્થાનિક કક્ષાએ મળે તે માટે અવારનવાર રોજગાર મેળાનું આયોજન કરાય છે.
જેમાં સ્થાનિક, અન્ય જિલ્લાની કંપનીઓના પ્રતિનિધિ ઇન્ટરવ્યૂ લઇ ઉમેદવારોનિ પસંદગી કરે છે. 5 વર્ષમાં 16652 રોજગારવાંચ્છુઓને રોજગારી મળી છે. -મુકેશ પ્રજાપતિ, જિલ્લા રોજગાર અધિકારી
સુરેન્દ્રનગર ખાતે ઈન્ચાર્જ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ