Gujarat – ગુજરાતમાં દર વર્ષે ભારેથી અતિભારે વરસાદનું પ્રમાણ કેમ વધી રહ્યું છે, હવામાનમાં શું ફેરફારો થઈ રહ્યા છે?
ચોમાસાની ઋતુ હોવા છતાં અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના અન્ય કેટલાંક શહેરો અને ગામોમાં અઠવાડિયા અગાઉ એવી સ્થિતિ હતી કે ગરમી પડી રહી હતી. 20 ઑગસ્ટે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રીને આંબી ગયું હતું જે 26 ઑગસ્ટે 28 ડિગ્રી પર આવી ગયું હતું અને પછી અચાનક ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આવું જ ચિત્ર હતું કે અચાનક અંધારપટ થયો અને ધોધમાર વરસાદ ખાબક્યો. દસેક વર્ષ અગાઉ આવું નહોતું થતું. હવામાન અંગેના નિષ્ણાતો અનુસાર 2019થી આવું ધ્યાનમાં આવી રહ્યું છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હેડ રામાશ્રય યાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “અગાઉ ચોમાસાના અમુક મહિનાઓમાં રિમઝિમ વરસાદ રહેતો હતો, હવે એવું નથી થતું. અચાનક ધોધમાર વરસાદ પડે છે.”
“એનું કારણ પણ એ છે કે વર્ષા વહન પ્રણાલી – રેન બીયરિંગ સિસ્ટમ ઉત્તરોત્તર વધી રહી છે. આ જ કારણ છે કે આ વખતની વરસાદની આગાહી પણ સામાન્ય કરતાં વધારે વરસાદની જ હતી.”
“વર્ષાનુવર્ષ ઉત્તરોત્તર વરસાદી પૅટર્ન જે બદલાઈ રહી છે એનું કારણ એ છે કે વર્ષા વહન પ્રણાલી નૉર્થ ઈસ્ટ અરબ સાગરમાં વિકસી રહી છે.”
હાલ ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌપ્રથમ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. વડોદરા, જામનગર સહિત અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હજુ આવનારા દિવસોમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર વરસાદ પડવાની આગાહી છે.
અનેક જિલ્લાઓમાં ટૂંકા સમયગાળામાં ખૂબ બધો વરસાદ પડી જવાને કારણે નદીઓ ઓવરફ્લો થઈ છે, શહેરોમાં પાણી ભરાઈ જવાના સમાચાર આવ્યા છે.
1974થી 2013 સુધીના ચાર દાયકામાંના છેલ્લા બે દાયકામાં ભારે વરસાદનું પ્રમાણ ગુજરાતમાં વધ્યું છે.
હવામાન બાબતોના નિષ્ણાતો કમલજીત રાય, કલ્યાણ ચક્રવર્તી તેમજ મનોરમા મોહંતીનો રિપોર્ટ કહે છે કે, “90ના દાયકાથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા પણ વધી છે. 70ના દાયકામાં અમદાવાદમાં ભારે વરસાદ થયો હોય તેવું 18 વખત નોંધાયું હતું જ્યારે કે 2004-2013ના દાયકામાં ભારે વરસાદની ઘટના 30 વખત નોંધાઈ હતી.”
“ત્યારે સુરતમાં અતિભારે વરસાદની ઘટના 1984-93ના ગાળામાં 7 વખત નોંધાઈ હતી તો 2004-2013ના દાયકામાં એની સંખ્યા બમણા કરતાંય વધીને 18 થઈ ગઈ હતી. પોરબંદર અને ભાવનગરમાં એ જ ગાળામાં એ ઘટના અનુક્રમે 1થી વધીને 7 થઈ ગઈ હતી.”
2019થી ગુજરાતમાં સરેરાશ વરસાદ વધી રહ્યો છે.
દેશમાં વરસાદની પૅટર્ન બદલાઈ રહી છે. જેને પગલે ગુજરાતમાં ઉત્તરોત્તર વરસાદ વધી રહ્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગના વડા અને સહ પ્રાધ્યાપક ડૉ. મનોજ એમ. લુણાગરિયા માને છે કે, “ઉત્તરોત્તર વર્ષે વરસાદ વધી રહ્યો છે અને વધુ વરસાદવાળા દિવસોની સંખ્યા પણ વધી રહી છે.”
લુણાગરિયાએ બીબીસીને જણાવ્યુ હતું કે, “ભારતનો જ પશ્ચિમ ભાગ એટલે કે ગુજરાત, રાજસ્થાન વગેરે વિસ્તારોમાં વરસાદ ઉત્તરોતર વધી રહ્યો છે અને હજી પણ વધશે. છેલ્લાં 30 વર્ષની આ પેટર્ન છે કે વરસાદ સતત વધી રહ્યો છે.”
“તમે કચ્છમાં છેલ્લાં 30 વર્ષના વરસાદનો તાળો મેળવો તો ત્યાં હવે દુષ્કાળની સ્થિતિ બિલકુલ નથી. ગુજરાતમાં છેલ્લો દુકાળ 2018માં પડ્યો હતો. એ અગાઉનાં પંદરેક વર્ષ જુઓ તો ગુજરાતમાં સાર્વત્રિક દુષ્કાળ જેવું જોવા મળ્યું નથી.”
“નહીંતર, કાઠિયાવાડ અને કચ્છની તો સ્થિતિ જ એવી હતી કે ત્રણ વર્ષે એક વર્ષ તો દુષ્કાળનું હોય. જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ જેવા જિલ્લામાં તેનો ખૂબ માર પડતો હતો.”
કચ્છમાં ભુજ શહેરની મધ્યમાં આવેલું હમીરસર તળાવ હવે વર્ષનો લાંબો સમય ભરેલું રહે છે.
બન્ની જેવા ઘાસીયા પ્રદેશમાં પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા ઈસાભાઈ મુતવા બીબીસી ગુજરાતીને કહે છે કે, “2001થી 2017 સુધી અમારા વિસ્તારમાં મોસમ દરમિયાન સળંગ વરસાદ થયો હતો. એ પછી 2018નું વર્ષ નબળું રહ્યું હતું, પણ પછી ફરી દર વર્ષે સારો વરસાદ રહ્યો છે.”
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહસંશોધક અધિકારી ધીમંત વઘાસીયાએ બીબીસીને જણાવ્યું હતું કે, “કચ્છ અને કાઠિયાવાડ એ શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં આવતાં હતાં. શુષ્ક વિસ્તારમાં મોસમમાં સરેરાશ દસ ઇંચ વરસાદ પડતો હોય છે. છેલ્લા બે દાયકાથી આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે.”
વધી રહેલી ગરમી અને ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની ઘટનાઓનું વલણ કેવું છે એ વિશે હિરેન દવે, એમ.ઈ.જેમ્સ અને કમલજીત રાયનું એક સંશોધન ઇન્ટરનેશનલ જર્નલ ઑફ એપ્લાય્ડ એન્વાયર્મેન્ટલ સાયન્સીઝમાં પ્રકાશિત થયો હતો.
1970થી 2014 સુધીના સમયગાળા દરમ્યાનનો તેમનો સંશોધન અહેવાલ જણાવે છે કે, છેલ્લા 15 વર્ષમાં ગુજરાતમાં વરસાદ વધ્યો છે. અમરેલી, દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વધ્યો છે. દરેક દાયકામાં જે વિસ્તારોમાં વરસાદ નોંધપાત્ર રીતે સરેરાશ વધ્યો છે એની ટકાવારી જોઈએ તો વેરાવળમાં દર દાયકે સરેરાશ 10.9 ટકા, ભાવનગરમાં 9.1 ટકા, અમરેલીમાં 27.6 ટકાના દરે વરસાદ દર દશકે વધ્યો છે. પોરબંદરમાં 13.6 ટકા, તો દ્વારકા અને ઓખામાં અનુક્રમે 24.5 ટકા અને 16.6 ટકાના દરે દર દશ વર્ષે વરસાદ વધ્યો છે.
Vijay Suvada- લોકગાયક વિજય સુવાળા સામે પોલીસ કેસ નોંધાયો, શું છે મામલો?
‘છેલ્લાં 15 વર્ષથી કચ્છમાં દર વર્ષે સરેરાશ કરતાં બે ગણો વરસાદ‘
ચોમાસાના અમુક મહિનામાં વરસાદ જે ધીમી ધારનો રહેતો એવું હવે નથી. હવે અચાનક વરસાદ ખાબકે છે અને પાણી ભરાઈ જવા અને પૂર જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. રામાશ્રયયાદવ કહે છે કે, “હવે ટૂંકા ગાળામાં ઝાઝો વરસાદ થાય છે એવું અગાઉ નહોતું.
નિષ્ણાતો આના માટે આબોહવા પરિવર્તનને જવાબદાર માને છે.
ડૉ. મનોજ એમ. લુણાગરિયા માને છે કે, “સામાન્ય વરસાદના દિવસો ઘટી રહ્યા છે. વરસાદ નહીંવત્ હોય અથવા ભારે હોય. વરસાદની આ સ્પષ્ટ પેટર્ન છે. જેના માટે આબોહવા પરિવર્તન જવાબદાર છે. ત્રીસ ત્રીસ વર્ષના ગાળામાં વરસાદના મિજાજનો તાગ મળે છે.”
આ વિશે વિગતે જણાવતા તેઓ કહે છે કે, “1960થી 1990ના વર્ષમાં આબોહવા પરીવર્તનના બહુ પ્રભાવ જોવા મળ્યા નથી. 90થી 2020-22ના વર્ષ ને તમે અગાઉનાં ત્રીસ વર્ષ સાથે સરખાવો તો વરસાદનો બદલાયેલો મિજાજ સ્પષ્ટ જોવા મળે છે.”
“કચ્છની જ વાત કરીએ તો ચોમાસાની સુવાંગ મોસમમાં ત્યાં 8થી 16 દિવસો જ વરસાદના રહેતા હતા. જેમાં થોડો ઘણો વરસદ થતો હતો. હવે એવું નથી વરસાદી દિવસો ત્યાં વધતા જાય છે. આ વર્ષની એટલે કે 2024ની જ વાત કરીએ તો કમસેકમ ત્રીસ દિવસ ત્યાં વરસાદ પડ્યો છે. કચ્છમાં 2019 પછીનાં વર્ષો જુઓ તો દર વર્ષે ત્યાંની સરેરાશ કરતાં બે ગણો વરસાદ પડે છે.”
“આ પૅટર્નને લીધે કચ્છ – કાઠિયાવાડના દુકાળના દિવસો નથી રહ્યા કે ઓછા થઈ ગયા છે તે એક સારા સંકેત છે, પણ અતિવૃષ્ટીના દિવસો વધ્યા છે તે ખરાબ સંકેત છે.”
Janmashtami Fair – સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમીના મેળાઓનો બે કરોડનો વિમો લેવાયો
ગુજરાતમાં થતાં વરસાદમાં અરબ સાગર અને બંગાળની ખાડીના પવનો કેવો ભાગ ભજવે છે?
આબોહવા પરિવર્તનને લીધે મુખ્ય ત્રણ બદલાવ વર્તાઈ રહ્યા છે. એક તો તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. બીજું સમુદ્રની સપાટી ઉપર આવી રહી છે. ત્રીજું એ કે વરસાદની સ્થિતિ બદલાઈ રહી છે.
ધીમંત વઘાસીયા કહે છે કે, “ગુજરાતના દરિયામાં વાવઝોડાની સંખ્યા વધી છે એનું કારણ પણ આબોહવા પરિવર્તન છે. અરબ સાગરમાં સક્રિયતા વધી છે.”
શું બંગાળની ખાડીથી આવતા પવનોનો મિજાજ બદલાયો છે જેને લીધે વરસાદનો પણ મિજાજ બદલાયો છે? આ સવાલના જવાબમાં ડૉ. મનોજ લુણાગરિયા કહે છે કે, “હાલ
ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે તે બંગાળની ખાડીને લીધે છે, પણ ગુજરાતમાં જે સામાન્ય રીતે વરસાદ હોય છે તે બંગાળની ખાડી કરતાં અરબ સાગરને આભારી હોય છે.”
તેઓ કહે છે કે, “બંગાળની ખાડીનો જે પ્રવાહ છે તે સામેનો છે, તેથી તેની સાથે સીધી કોઈ લેવાદેવા નથી. ચોમાસામાં પવન નૈઋત્ય દિશામાંથી ભારતમાં આવે એટલે તે બે ભાગમાં ફંટાઈ જાય છે. એક અરબ સાગર તરફ અને બીજા બંગાળની ખાડી તરફ.”
“બંગાળની ખાડી તરફથી તે હિમાલયની અંદર તરફના વિસ્તારો તરફ જાય છે. જે ઉત્તર ભારત તરફ થઈને તે ગુજરાત તરફ આવતા હોય છે. જે મધ્ય ગુજરાતની આસપાસ તેમજ દિલ્હી હરિયાણા તરફ મળે છે.”
“આપણો મોટા ભાગનો વરસાદ અરબ સાગર પરથી આવે છે. જ્યારે એ શાખા નબળી હોય ત્યારે બંગાળની ખાડી તરફની સિસ્ટમ ગુજરાતમાં અંદર સુધી આવે છે. એ કિસ્સામાં બંગાળની ખાડી તરફથી ગુજરાતમાં વરસાદ પ્રભાવિત થતો હોય છે.”
“બંગાળની ખાડીનો રોલ ગુજરાત માટે એટલો બધો ન કહી શકાય. જોકે, હાલ જે થઈ રહ્યું છે તે બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ મર્જ થઈ રહી હોય એને લીધે રાજયમાં અતિવૃષ્ટિનો માહોલ હોય તેવું લાગે છે.”
Jio, Airtel યુઝર્સ એલર્ટ! 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન પેમેન્ટમાં આવશે મુશ્કેલી, જાણો કારણ