ધ્રાંગધ્રાના કલ્યાણપુર ગામે 9 વર્ષથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
- ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે ગેરકાયદે ડોક્ટરની પ્રેક્ટીસ કરતા શખ્સ અંગે બાતમી મળી
- માત્ર ધો.10 પાસ શખ્સ જે છેલ્લા 9 વર્ષથી લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતો હતો
ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમને ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે ગેરકાયદે ડોક્ટરની પ્રેક્ટીસ કરતા શખ્સ અંગે બાતમી મળી હતી. આથી કોઇપણ જાતનું તબીબી સર્ટી ન ધરાવતા અને માત્ર ધો.10 પાસ શખ્સ જે છેલ્લા 9 વર્ષથી લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતો હતો તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.21,987નો મુદામાલ જપ્ત કરાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લો જાણે રેઢુ પડીયુ હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં જુદા-જુદા રાજ્યો તેમજ ગુજરાતમાંથી આવેલા લોકો કોઇ પણ જાતની ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટીશ કરતા હોય છે. આથી જિલ્લામાં બોગસ ડોક્ટરોનો સર્વે કરવાની કામગીરીની પણ માંગ ઉઠી હતી. પરંતુ આરોગ્ય તંત્ર ફરીયાદ કે બાતમીની રાહમાં રહેતુ હોય છે. જ્યારે હાલ આવો કોઇ સર્વે ચાલુ ન હોવાનુ રટણના સમાચારની શ્યાહી સુકાઇ નથી. ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાએ સુચનાથી એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં એસઓજી ટીમે બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી છે.તે દરમિયાન મળેલી બાતમીના એએસઆઇ યોગેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવિણભાઇ આલ, મહિપાલસિંહ રાણા, બલભદ્રસિંહ રાણાએ કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણ પુર ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર મૂળ ઉતરાખંડના ઉધમસિંગનગર બુસૌરનાના દિનેશપુરના નેતાજી નગરના અને હાલ ધ્રાંગધ્રા કલ્યાણપુરમાં રહેતા પ્રદીપભાઇ પ્રતોષનભાઇ દેવનાથને ઝડપી પાડ્યો હતો.તેની પુછપરછમાં પોતે ધો.10 પાસ હોવાનુ અને છેલ્લા 9 વર્ષથી પ્રેક્ટીશ કરતો હોવાનુ બહાર આવ્યુ હતુ. આથી એલોપેથી દવા સહિત કિંમત રૂ.21,978નો મુદામાલ જપ્ત કરી ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશને તેના વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા ત્રણ માસમાંથી જિલ્લામાંથી 4 બોગસ ડોક્ટરો ઝડપાયા છે.જ્યારે 31 ડોક્ટરો છેલ્લા ત્રણ વર્ષમાં ઝબ્બે કરવામાં આવ્યા છે.તેમની પાસેથી કુલ 9,30,586નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વધુ બિમાર પેશન્ટને તાલુકામાં રીફર કરતો:
કલ્યાણપુરથી ઝડપાયેલો ડોક્ટર ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોની સારવાર કરતો. જેમને મોટી બિમારી ન હોય તેમને દવા આપી, બાટલા ચઢાવવા જેવી પ્રાથમિક ટ્રીટમેન્ટ આપતો હતો.પેશન્ટ વધુ બિમાર જણાય તો તાલુકામાં કે જિલ્લામાં રીફર કરી દેતો જેથી પકડાય નહીં.
સૌથી વધુ ધ્રાંગધ્રામાંથી ઝડપાયા:
જિલ્લામાંથી પકડાયેલા બોગસ ડોક્ટરો પૈકી સૌથી વધુ 11 બોગસ તબીબ ધ્રાંગધ્રા તાલુકામાંથી મળી આવ્યા હતા. દસાડામાંથી 2 ડોક્ટરો ઝડપાયા હતા. ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરોની પ્રથમ પસંદગી હોય તેમ ત્યાંથી સૌથી વધુ પકડાયા છે.
અન્ય રાજ્યોમાંથી અહીં પ્રેક્ટિસ કરતા:
ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરી બોગસ ડોક્ટરો અન્ય રાજ્યોમાંથી આવીને ગેરકાયદે પ્રેક્ટિસ કરતા હોય છે. છેલ્લાં 3 વર્ષમાં પકડાયેલા 30માંથી 14 ડોક્ટર અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. 9 પશ્ચિમ બંગાળના,2 ઉત્તરપ્રદેશ, 1 મધ્યપ્રદેશ, 2 ઉત્તરાખંડનો હતો.
ઈસ્લામ છોડીને હિન્દુ બન્યા વસીમ રિઝવી, યતિ નરસિંહાનંદે કરાવી ઘર વાપસી