Assembly General Elections – સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઇ
- વિધાનસભાના દરેક મતદાર વિભાગ માટે ઉમેદવાર દીઠ રૂપિયા 40 લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ રાજકીય પક્ષો સાથે ચૂંટણી સંબંધિત બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કે.સી.સંપટે રાજકીય પક્ષના પ્રતિનિધિઓને સમગ્ર ચૂંટણી કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપી હતી અને ચૂંટણી આચારસંહિતાની તમામ જોગવાઈઓ પરત્વે ધ્યાન દોરી ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું હતું.
રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓને વિસ્તૃત જાણકારી
વધુમાં કલેકટરશ્રીએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવાની પ્રાથમિક માહિતી, ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે વ્યક્તિ/વાહનની સંખ્યાના નિયંત્રણ, ઉમેદવારે લેવાના સોગંદ, ઉમેદવારોએ ડિપોઝિટની રકમ જમા કરાવવા, ચૂંટણી ખર્ચના હિસાબો માટે અલગ બેંક એકાઉન્ટ રાખવા બાબત, એબી ફોર્મ રજૂ કરવા, ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવાના સોગંદનામાં (ફોર્મ 26), ઉમેદવારી પત્રની દરખાસ્ત કરવા, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર, પ્રતિક ફાળવણી સહિતની વિવિધ બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓને વિસ્તૃત જાણકારી આપી હતી.
ચૂંટણી ખર્ચની મર્યાદા વિશે વાત કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના દરેક મતદાર વિભાગ માટે ઉમેદવાર દીઠ રૂપિયા 40 લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે. આ અંગે ખર્ચના રોજબરોજના હિસાબો લખવા અને તેને લગતા વાઉચર બીલોની અદ્યતન ફાઇલ નિભાવવાની રહેશે. તેમજ ઉમેદવાર એક વિધાનસભા મતદાર વિભાગમાં વધુમાં વધુ ચાર ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે અને જો ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય તો ભારતના ચૂંટણી પંચ દ્વારા આપેલ સૂચનાઓ મુજબ નિયત કરેલા દિવસોમાં ત્રણ વાર ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાત નિયત નમૂનામાં આપવાની રહેશે અને તેને ચૂંટણી ખર્ચમાં ઉધારવાની રહેશે આવી વિવિધ બાબતો વિશે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિશ્વરાજસિંહ જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.કે. મજેતર સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.