‘Ek Vartakar Aisa Bhi?’ – મલ્ટી મિલેન્યોર બનવા સુધીની રાહુલ શુક્લની રોમાંચક સફર
ફ્લોરિડામાં અનેક ઈન્વેસ્ટમેન્ટ કરનાર રાહુલ શુક્લની કંપનીઓની અંદાજે કિંમત 130 મિલિયન ડોલર ગણાય છે, જે 5 મિલિયન ડોલરના દરિયાકિનારાના ભવ્ય વિલામાં રહે છે અને દુનિયાની મોંઘામાં મોંઘી રોલ્સ રોયસ તેમજ માયબાક કાર ચલાવે છે છતાં તેઓ એમના સંઘર્ષના વર્ષોને જરાયે ભૂલ્યા નથી અને નખશિખમાં નમ્રતા છે.
માનવીનું કદ તેના વિચારો અને કર્મોથી મોટું થતું હોય છે અને આવું જ એક નામ એટલે મૂળ વઢવાણ (સુરેન્દ્રનગર જિલ્લો)ના વતની રાહુલ શુક્લ. દુનિયાના 95 ટકા એરોપ્લેન, કોમર્સીયલ, બિઝનેસ કે લડાયકમાં ઓછામાં ઓછી એક પ્રોડક્ટ જોઈ કોઈ હોય તો એ પ્રોડક્ટ હોય છે ફ્લોરીડાના સ્થિત એસ.એસ. વ્હાઈટની કંપનીની, એસ. એસ. વ્હાઈટ, ફ્લેક્ષિબલ શાફ્ટ માટે દુનિયામાં પ્રથમ કંપની ગણાય છે. જેમના સીઇઓ રાહુલ શુક્લા એ આજે વિશ્વભરમાં મોનોપોલી ઊભી કરી છે. આ ઉપરાંત, તેમણે સ્થાપેલી શુક્લ મેડીકલ જે ઓર્થોપીડીક ઈમ્પ્લાન્ટ બહાર કાઢવા માટે દુનિયાની મોખરાની કંપની ગણાય છે.
રાહુલ શુક્લના પિતા ભાનુભાઈ શુક્લ જેઓ અભ્યાસી માણસ, નીડર પત્રકાર, લેખક હતા અને ‘સમય’ નામનું છાપું ચલાવતા હતા. એટલે કહી શકાય કે પિતાનો સંસ્કાર વારસો રાહુલભાઈને મળ્યો છે. બી.ઈ. મીકેનીક્લમાં ગુજરાત યુનીવર્સીટીમાં પ્રથમ સ્થાન મેળવી તેઓ લોન લઈને અમેરિકા આવ્યા અને પૈસાની ભારે તંગીને કારણે પી.એચ.ડી અધૂરું મૂકી એસ.એસ.વ્હાઈટ નામની કંપની જે દુનિયાની સૌથી જૂની કંપનીઓ પૈકી એક છે, અને જેની પ્રોડક્ટસ આજે પણ અમેરિકાના સ્મિથ્સોનિયન મ્યુઝિયમમાં રાખવામા આવે છે,
તે કંપનીમાં ક્વોલીટી ઈન્સ્પેકટરની મામૂલી જોબ પર લાગ્યા. કારકિર્દી જોરમાં હતી પણ કંપનીનું ભવિષ્ય ડામાડોળ હતું એટલે એસ.એસ.વ્હાઈટ કંપની વેચાવા મુકાઈ. મૂડી રોકાણ ના હોવા છતાં કંપની ખરીદવાના ઇરાદે રાહુલભાઈએ બિઝનેસ પ્લાન તૈયાર કર્યો અને સૌ કોઈ રાહુલભાઈ પર હસતા હતાં તે હસતા રહી ગયા, કેમ કે એક બેન્કે 6 મીલીયન ડોલરની લોન આપી. અને આમ 1971માં ખાલી ખીચ્ચે આવેલ નવ યુવાન 1988માં આ ઐતિકાસિક કંપનીના માલિક અને સીઈઓ બની ગયા.
રાહુલ શુક્લ એક ઉત્તમ વાર્તાકાર તરીકેના તેમના પુસ્તકો “ત્રણ જિંદગીને સલામ” અને પુત્ર આકાશ સાથે લખેલ પુસ્તક ‘Measure of a Man’ ખુબ વખણાય છે. રાહુલભાઈના માતા-પિતાના અવસાન પછી તેમનું પુસ્તક ‘વિયોગ’ ખૂબ પ્રખ્યાત છે. રાહુલ શુક્લને ઘણા અમેરિકન છાપાના લેખોમાં ‘બિઝનેસમેન વિથ હાર્ટ’ તરીકે વર્ણવામાં આવતા હોય છે. પોતાની 76 વર્ષની ઉંમરે અને પત્ની મીના સાથેના 47 વર્ષના લગ્ન જીવન પછી પણ તેઓ કહે છે કે “અમારો રોમાન્સ એવો ને એવો તાજો છે, અમે બંને તો ટિમ છીએ.”
સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત રાજ્યમાં સેવા હેતુ માટે કાર્યરત “રાહુલ ભાનુભાઈ શુક્લ ફાઉન્ડેશન” એ છેલ્લા 5 વર્ષોમાં વિવિધ સંસ્થાઓ અને જરૂરિયાતમંદ લોકોને આશરે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને દર વર્ષે તેઓ લોકોની મદદ માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. જેમાં એમ્બ્યુલન્સ સેવાથી લઈને રાશન કીટ, સ્ત્રી સશક્તિકરણ માટેના પ્રોગ્રામ્સ, વૃક્ષારોપણ, થેલેસિમિયાના દર્દીઓ માટેની સેવા, દર્દીઓ માટે ઘરે બેઠા મેડિકલ સાધનો, ટીબીના દર્દીઓને પોષણ કીટ, શાળાઓમાં વોટર કુલર, દિવ્યાંગો માટે ટ્રસ્ટને સહાય અને સાહિત્ય મેળામાં ડોનેશન સામેલ છે.
“અગર તમે કાચબાને વંડીપર બેઠેલો જુઓ તો તમને ખાત્રી હોય કે એ જાતે નહિ ચડ્યો હોય, કોઈએ એને ઉપાડીને ત્યાં મુક્યો હશે. તો મારું પણ એવું જ છે. કેટલાય સજ્જનોએ મને ઉપાડીને ઉંચે મુક્યો છે.” – રાહુલ શુકલ