યુનિક સ્ટાઇલમાં ખેતર ખેડતો ખેડૂત: ટ્રેક્ટરના આગળના બોનેટના ભાગે બેસી ખેડૂતે ખેતર ખેડ્યું, પાટડી પંથકના વીડિયાએ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી
- વીડીયો જરવલાના ખેડૂત આગેવાનનો હોવાનું સામે આવ્યું
રાજ્યમાં ચોમાસાંની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો વાવણી કામમાં જોતરાઈ ગયા છે. આ વચ્ચે છેલ્લા બે-ચાર દિવસથી પાટડી પંથકમાં ખેડૂતનો ટ્રેક્ટરની સીટ પર બેસવાના બદલે આગળના બોનેટના ભાગે બેસી પોતાનું ખેતર ખેડતો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો પાટડી તાલુકાના જરવલાના ખેડૂત આગેવાન વિપુલ રબારીનો હોવાનું સામે આવ્યું છે.
ખેડૂતે ટ્રેક્ટરના બોનેટના ભાગે બેસીને પણ વ્યવસ્થિત ખેડ કરી
ચોમાસાંની સિઝનમાં રણકાંઠાના ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણીની શરૂઆત કરી દીધી છે. ત્યારે છેલ્લા બે-ચાર દિવસથી પાટડી પંથકમાં ખેડૂતનો ટ્રેક્ટર પર આગળ બેસી ખેતરમાં ખેડ કરી રહ્યાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં યુવાન ખેડૂત ટ્રેક્ટરની સીટના બદલે આગળના બોનેટના ભાગે બેસી પોતાનું ખેતર વ્યવસ્થિત રીતે ખેડતો નજરે પડે છે. ત્યારે દિવ્ય ભાસ્કરની જાત તપાસમાં સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવતો આ વાયરલ વીડિયો પાટડી તાલુકાના જરવલાના ખેડૂત આગેવાન વિપુલ રબારીનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોએ ધરતીપૂત્રોની સાથે લોકોમાં પણ ચર્ચા જગાવી છે.
ખેડૂતોએ આગોતરૂ વાવેતર શરૂ કર્યું
ઝાલાવાડ પંથકમાં પ્રિમોન્સુન અંતર્ગત અનેક તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. જોકે, હજુ પણ કેટલાય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડ્યો નથી, પરંતુ કેટલાક ખેડૂતોએ આગોતરૂ વાવેતર કરીને કૃષિ ક્ષેત્રે જૂગાર પણ ખેલ્યો છે. આમ તો, સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો કપાસ, જુવાર, બાજરી અને જીરાનું જ વાવેતર કરે છે. પણ હવે રણકાંઠાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોંચતા રણકાંઠાના ખેડૂતો હવે બાગાયતી પાક અને અન્ય પાકો તરફ વળ્યાં છે.
આર્થિક સહાય: સુરસાગર ડેરીના 36 મૃતકના વારસદારોને 16.20 લાખની સહાય