Food Of The Hungry – 32 વર્ષથી શહેરમાં ભૂખ્યાનું ભાણુ એટલે રામભોજનાલય, દરરોજ 400 લોકો જમે છે
- અનેક જરૂરિયાતમંદ લોકો આજે પણ રૂ.4માં આ ભોજનનો લાભ લઇ રહ્યો છે
સુરેન્દ્રનગર શહેરના ટ્રાફીક પોલીસ ચોકી સામે રામભોજનાલય આજના સમયે પણ રૂ.4માં અનેક જરૂરિયાતમંદ ભૂખ્યાનું ભાણુ બની રહ્યું છે. છેલ્લા 32 વર્ષથી જમાડવાની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિના કારણે રામના નામ પર આ ભોજનાલય તરી રહ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક સ્થળોએ ભૂખ્યાને ભોજન, ભજન સાથેના અનેક સેવાયજ્ઞ વર્ષોથી પણ કપરી પરિસ્થિતિમાં પણ આજે પણ અડીખમ રહ્યા છે.
ભૂખ્યાનું ભાણુ બનીને શ્રી રામ ભોજનાલય શરૂ થયું હતું.
આપણે વાત કરીએ સુરેન્દ્રનગર શહેરમાં આજથી 32 વર્ષ પહેલા એટલે કે, 15મી ઓગસ્ટ-1992ના દિવસની. કારણ કે આ દિવસથી સ્વામી સંપૂર્ણાનંદજી(મૌની ભિક્ષુ) પ્રેરિત આણંદજી ભાઇ મોતીભાઇ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા અનેક ભૂખ્યાનું ભાણુ બનીને શ્રી રામ ભોજનાલય શરૂ થયું હતું. પરિણામે હાલમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકથી આવતા જરૂરિયાતમંદ લોકો આ ભોજનાલયનો લાભ લઇ રહ્યા છે.
દરરોજ 12થી 1માં 250 લોકો તેમજ સાંજે 6થી 7 કલાક દરમિયાન 150 સહિત કુલ 400 લોકો જમી રહ્યા છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો ટિફિન લઇને આવે તો પણ તેને જમવાનું આપવામાં આવી રહ્યું છે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય કે કોઇપણ પરિસ્થિતિમાં આ સેવાયજ્ઞ ચાલુ રાખવામાં આવતા હાલ રામ ભોજનાલય અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની ગયું છે. તેના માટે ટ્રસ્ટના લોકો સતત કાર્ય કરી રહ્યા છે.
દર્દીઓ માટે 2 હોસ્પિટલમાં રોજ 500 ટિફિનની સેવા
રામ ભોજનાલયમાં રોજ 400થી વધુ લોકો જમી રહ્યા છે. આ ઉપરાંત શહેરની ટીબી હોસ્પિટલમાં પણ જરૂરિયાતમંદ દર્દીઓને બપોરે-80, રાત્રે-80 એમ કુલ 160 તેમજ સવા હોસ્પિટલમાં સવારે-20, રાત્રે-20 એમ 40 સહિત કુલ 200 ટિફિનની સેવા ચાલી રહી છે.
ભોજનની સાથે સાથે
- દરરોજ 100 માણસો માટે અન્નપૂર્ણ રથ.
- દર શનિવારે ગ્રામ્ય વિસ્તારના ઝૂંપડાઓ, શાળાઓના બાળકો માટે બટુકભોજન.
- રાહત દરે અંતિમયાત્રા, આખરી સફર વાહનની વ્યવસ્થા.
- સ્કૂલોમાં ચોપડા અને સ્કૂલબેગનું વિતરણ.
- ભોજનાલયમાં જ રૂ.2ની કેસ ફીથી દાંતનું દવાખાનું કાર્યરત.
- રાહત દરે 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે લોકોને દવાઓ મળી ભોજનાલયમાં જ મેડિકલ સ્ટોર્સની વ્યવસ્થા.
- દશેરાએ ચોળાફળી, ગાંઠિયા, જલેબીનું વિતરણ.
- દિવાળી ઉપર મીઠાઇ, ફૂલવાડી, ગાંઠિયા, સેવા સહિતનું વિતરણ.