ખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ યોજનાઓની અરજી માટે
આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
- તમામ ખેડૂત ખાતેદારો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લાના ખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા તમામ ખેડૂત ખાતેદારો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
વધુમાં જણાવાયું છે કે, ખેડૂત ખાતેદારોએ ખેતીવાડી ખાતા દ્વારા મળતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ટ્રેક્ટર, ટ્રેક્ટર સંચાલીત સાધનો, સેલ્ફ સંચાલિત ખેત સાધનો, સિંચાઇના સાધનો, તાડપત્રી, દવા છાટવાના પંપ, કમ્બાઇન હાર્વેસ્ટર, પાક મુલ્યવૃધ્ધિ યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન), માલ વાહક વાહન, સોલાર લાઇટ ટ્રેપ જેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઇન અરજી કરી રજુ કરવાની રહે છે. અરજી સમયે ખેડૂત ખાતેદારનો નંબર, ૮ – અ ની નકલ, આધાર કાર્ડ, જાતિનો દાખલો તથા બેન્કમાં ખોલાવેલ બચત ખાતા નંબર વગેરે કાગળોની જરૂરીયાત રહેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વહેલામાં વહેલી તકે આઈ-ખેડૂત પોર્ટલ- www.ikhedut.gujarat.gov.in માં પોતાની અરજી કરી અરજી કર્યાના સાત દિવસમાં ઉપરોક્ત કાગળો સાથે તાલુકા મથકની ઓફિસે ઇનવર્ડ કરાવવાની રહેશે તેમજ વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.