Foundation Laying Program – ધ્રાંગધ્રા ખાતે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે
- શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શીલાપુજન
- રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સહિત અનેક દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરાશે
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે તા.13 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. તા.14 જાન્યુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું શીલાપુજન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
તા.13 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના શિલાન્યાસ કાર્યક્રમ માટે ધ્રાંગધ્રા આવી રહ્યા છે. સંસ્કારધામ ગુરુકુલમાં દર્દીઓને આરોગ્યની ગુણવત્તાયુક્ત સેવા મળી રહે એવા શુભ આશયથી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલના નિર્માણ માટે ગુરુકુળ પાસે 3300 ચો. મીટર જમીન હતી અને ગુરુકુળની બાજુમાં આવેલી 6678 ચો.મીટર સરકારી જમીન સરકારશ્રી તરફથી ફાળવવામાં આવી છે. જેના થકી આ ભવ્ય હોસ્પિટલનું નિર્માણ શક્ય બન્યું છે. રૂ.15 કરોડના ખર્ચે કુલ 44 હજાર ચો.ફૂટના વિશાળ બાંધકામ સાથે આ હોસ્પિટલનું નિર્માણ થશે. 100 બેડની આ હોસ્પિટલમાં જનરલ સર્જરી, જનરલ ઓપીડી, હાડકા અને સાંધા, ગાયનેક, આંખ, દાંત ઇમરજન્સી, કિડની, ફિઝિયોથેરાપી, એક્સ રે, સોનોગ્રાફી, લેબોરેટરી, આયુર્વેદિક, બાળકોનો વિભાગ, I.C.U. વિભાગ, NICU વિભાગ, મેડિકલ સ્ટોર, સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
સંસ્થાનો પરિચય:-
ભગવાન શ્રી સ્વામીનારાયણના મૂળભૂત સિદ્ધાંતોને જીવંત રાખવા પ.પૂ.સદ.શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ ધ્રાંગધ્રાની પથરાળ ભૂમિ પર 11 એકર જેટલી જમીન પર ઈ.સ. 2001ની સાલમાં ‘શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ’ ની સ્થાપના કરી હતી. 147 વિદ્યાર્થીથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે 750 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અંતરિયાળ ગામડાઓનાં શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકોને વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન મળી રહે તેમજ બાળકોની શારીરિક અને માનસિક શક્તિનાં વિકાસ અર્થે વર્ષ 2001થી આ સંકુલમાં પ્રાથમિક શિક્ષણ (ધો.6 થી 8)ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2002 માધ્યમિક શાળા અને વર્ષ 2006થી ઉચ્ચતર માધ્યમિક શાળા(ધો.11-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ)ની શરૂઆત કરવામાં આવી હતી.
ટેકનોલોજીના યુગમાં પ્રત્યેક વિદ્યાર્થી સમય સાથે કદમ મિલાવી શકે તે માટે અભ્યાસની શરૂઆતથી જ કમ્પ્યુટર શિક્ષણ, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રી, ફિઝિક્સ તેમજ બાયોલોજી લેબની વ્યવસ્થા સાથે દરેક વિદ્યાર્થીઓને વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. આ સંકુલમાં 750 થી વધુ વિદ્યાર્થીઓ આરામથી રહી શકે એ માટે સંપૂર્ણ સુવિધા યુક્ત શ્રી હરિનારાયણદાસજી સ્વામી છાત્રાલય આવેલી છે. જેમાં પુરતા હવા ઉજાસવાળા રુમો પીવાના પાણી માટે આર. ઓ. પ્લાન્ટ, ઇન્ડોર-આઉટડોર ગેમ્સ માટે વિશાળ પ્લે ગ્રાઉન્ડ, ડોક્ટર સહીતની આરોગ્ય સુવિધાઓ, વિશાળ પ્રાર્થના મંદિર, ભોજનાલય જેવી તમામ ભૌતિક સુવિધાઓ આ છાત્રાલયમાં આવેલી છે.
જેના થકી બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા રૂપક, નૃત્ય, પ્રવચન, યોગાસન અને સંગીત જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરાવવામાં આવે છે. ઋષિમુનિઓ દ્વારા પ્રારંભાયેલી યજ્ઞોની પરંપરાને જીવંત રાખવા તથા આધી, વ્યાધિ અને ઉપાધિથી પીડિત માનવ સમાજ તથા જીવમાત્રની સુખાકારી અર્થે પૂજ્ય શ્રી ગોપાળાનંદ સ્વામીએ વર્ષ-2011માં શ્રી હરિ યજ્ઞશાળાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં આજે પણ ઘણા બધા લોકો હોમાત્મક મહાપૂજાનો લાભ લઇ શાંતિનો અનુભવ કરે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.25મી જાન્યુઆરીના રોજ તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે