Surendranagar – ઝાલાવાડમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી ધામધુમથી મહોત્સવની પૂર્ણાહુતિ કરાઇ
- વિવિધ સ્થળોએ શોભાયાત્રા નીકળી
- અંતિમ દિવસે મહા પ્રસાદ, ઈનામ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા
સુરેન્દ્રનગર જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં યુવક મંડળો સહિત શેરી, મહોલ્લાઓમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના આખરી દિવસે દુંદાળા દેવની વિસર્જન યાત્રા કાઢીને પાણીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં છેલ્લા 23 વર્ષથી વાદીપરા યુવક મંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવના અંતિમ દિવસે આરતી બાદ ભવ્ય વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિવિધ યાત્રામાં ડી.જે., ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પરંપરાગત રાસ-ગરબા લઈ ગણપતિદાદને અગલે બરસ તું જલ્દી આ ના નારા સાથે ભક્તિભાવપૂર્વક વિદાય આપી હતી.
તેમજ જિલ્લાના મુળી, ધ્રાંગધ્રા, પાટડી, લખતર, થાન, ચોટીલા સહિતના તાલુકાઓમાં પણ ગણેશ મહોત્સવ સંપન્ન થયા બાદ વાજતે ગાજતે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ધ્રાંગધ્રાનાં મોટી શેરી, રોકડિયા હનુમાન, નરશીપરા, એકદંતા યુવક મંડળ, દયાવાન ગ્રૂપ મિત્ર મંડળ, મિડલ પોઈન્ટ ગ્રૂપ સહિત વિવિધ સ્થળોએ પણ ગણપતિની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્થળોએ ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિનાં ભાગરૂપે વિસર્જન, મહાપ્રસાદ તેમજ ઈનામી ડ્રો જેવા આયોજનો કરાયા હતા. કેટલાક ભક્તો અને પર્યાવરણ પ્રેમી દ્વારા ઇકોફ્રેંડલી મૂર્તિનું ચલણ વધારી પર્યાવરણ બચાવવા દરેક લોકો તેનું અનુકરણ કરે તેવી માંગ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું
ગુજરાત સમાચાર