જો સફળતા માટે નસીબ જરૂરી હોય… તો નસીબ માટે શું જરૂરી હોય?

Photo of author

By SOHAM 24 NEWS

જો સફળતા માટે નસીબ જરૂરી હોય… તો નસીબ માટે શું જરૂરી હોય?

SS White Company પ્રેસિડેન્ટ શ્રી. રાહુલ શુક્લ
SS White Company પ્રેસિડેન્ટ શ્રી. રાહુલ શુક્લ

જો સફળતા માટે નસીબ જરૂરી હોય... તો નસીબ માટે શું જરૂરી હોય?

જો સફળતા માટે નસીબ જરૂરી હોય... તો નસીબ માટે શું જરૂરી હોય?

ફિલ્મ ગાઇડને હિન્દી ફિલ્મોમાંની ઉત્તમ ફિલ્મમાં ગણાય છે ટાઈમ મેગેઝિને છેલ્લા સો વર્ષમાં દુનિયાભરની ઉત્તમ ફિલ્મો બની તેનું લિસ્ટ બનાવ્યું તેમાં ‘ગાઈડ’ ફિલ્મનો બોલિવૂડની ઉત્તમ કલાસિક ફિલ્મોમાંની એક તરીકે સમાવેશ કર્યો હતો.

ફિલ્મનાં ડાયરેક્ટર, સંવાદ લેખક અને એડિટર દેવાનંદના નાના ભાઈ વિજય આનંદ હતા. વિજય આનંદ બહુ જ હોશિયાર અને ફિલોસોફિકલ વ્યક્તિ હતા. ફિલ્મ ગાઇડમાં વહીદા રહેમાન ભજવે છે તે પાત્ર રોઝી તે એક દુઃખી લગ્નમાં ફસાઇ ગયેલ હતી. તે એમ માનતી હતી એનું નસીબ બહુ ખરાબ છે અને એ કારણે એણે જ્યારે આત્મહત્યા કરવાની કોશિશ કરી ત્યારે રાજુ ગાઈડ એને કહે છે કે ‘રોઝી જે લોકો પોતાના નસીબથી અસંતુષ્ટ હોય એમનાથી નસીબ પણ અસંતુષ્ટ રહે છે.’

પછી રાજુ ગાઈડ એના પડછંદ અવાજમાં જે સંવાદ બોલે છે તે ખરેખર તો 1877ની સાલમાં સિયાલકોટમાં જન્મેલ પ્રખ્યાત સ્કોલર અને કવિ અલ્લમા ઇકબાલનો પ્રખ્યાત શેર છે-કે…

‘ખુદ હી કો કર બુલંદ ઇતના,
કી હર તકદીર સે પહલે,
ખુદા બંદે સે ખુદ પૂછે,
બતા તેરી રઝા ક્યા હૈ…’

કેવો દ્રઢ અને વિશ્વાસપૂર્ણ વિચાર, કે ‘તારી જાતને એવી બુલંદ બનાવ, કે વિધિ તારા નસીબમાં જે લખે તે પહેલાં તારી પરવાનગી માંગે.’

ધણાં લોકો એવું માનતા હોય છે કે ‘હું બહુ બદનસીબ છું.’ અને એમનામાં એક ભયંકર નિરાશાવાદ છવાઈ ગયો હોય છે. જૂની હિન્દી ફિલ્મોમાં એવા હતાશાભર્યા ધણાં ગીતો આવતા. ફિલ્મ દો-રાસ્તેમાં હજુ નવાગંતુક ગણાતા રાજેશ ખન્નાએ ફિલ્મના પડદે ગાયું હતું કે ‘ખીઝા કે ફૂલ પે આતી કભી બહાર નહિ, મેરે નસીબ મેં અય દોસ્ત, તેરા પ્યાર નહિ.’ કે મનોજકુમારે દો-બદનમાં શકીલ બદાયુનીની સુંદર ગઝલ ગાઈ હતી-‘નસીબમેં જિસકે જો લિખા થા, વો તેરી મહેફિલમેં કામ આયા, કિસીકે હિસ્સેમેં પ્યાસ આયી, કિસીકે હિસ્સેમેં જામ આયા.’ તો દો-બદનના હીરોને આશા પારેખ ન મળી તો એ પોતાના નસીબને દોષ દે છે તેવી જ રીતે, જિંદગીમાં પણ શું એવું જ હશે કે નોકરીમાં મોટા પ્રમોશન મળે તે નસીબ ઉપર હોય કે બિઝનેસમાં જંગમ કારખાનાઓ ઉભા કરી દો તે સારા નસીબને લીધે હોય?

પણ તો તો પછી કોઈ વસ્તુને પામવા માટે આકરી મહેનત કરવી જ શા માટે? એમ માનવાનું કે જો નસીબમાં લખાયેલું હશે તો થશે, નહીંતર નહિ થાય. પણ જો આપણને માંદગી આવે તો આપણે નસીબ પર આધાર નથી રાખતા, વિજ્ઞાન પર આધાર રાખીએ છીએ. મેલેરિયા હોય તો ક્વિનાઇન લઈએ છીએ, ઇન્ફેકશન હોય તો પેનીસિલીન કે એમોક્ષિલિન લઈએ છીએ. તો શું નસીબ સારું કરવાની વૈજ્ઞાનિક પધ્ધતિ કોઈએ નહિ શોધી કાઢી હોય?

હું પોતે ઉદ્યોગપતિ છું. 1971માં અમેરિકા આવીને માસ્ટર્સની ડીગ્રી લીધી. પછી કારમી બેકારીને કારણે કોઈ એક સાધારણ કારખાનામાં કામદારની નોકરી લીધી. પછી નસીબે કેવું તો જોર કર્યું કે પંદર વર્ષ પછી મેં એ કારખાનું ખરીદી લીધું. આવા સારા નસીબ માટે તો માતા-પિતાના આશીર્વાદ અને પૂર્વજોની સદભાવના જ માનવી રહી. પણ તે પછી મેં નસીબ અંગે બહુ વિચારણા કરી છે, નસીબ અંગે કેટલાય પુસ્તકો વાંચી નાખ્યા.

જો તમને એક કરોડ રૂપિયાની લોટરી લાગે તો એમાં તો નસીબની કરામત કહેવાય, પણ પરીક્ષામાં પહેલાં આવો તેમાં નસીબનો હિસ્સો નાનો હોય છે. નાની ઉંમરે કેન્સરના ભોગ બનીએ તે નસીબ, પણ યુવાન ધીરુભાઈ અંબાણી જેમણે 350 સ્ક્વેર ફૂટની ઓફિસથી ધંધો શરૂ કર્યો હતો અને કરોડોના કરોડો કમાયા તે માત્ર સારા નસીબને કારણે થયું હોય તેમ ન માની શકાય.

જો સફળતા માટે નસીબ જરૂરી હોય... તો નસીબ માટે શું જરૂરી હોય?

તો દુનિયામાં કઈ વસ્તુ માટે નસીબને દોષ દેવો અને કઈ વસ્તુ માટે જાત પર ભરોસો રાખવો તે પણ એક અભ્યાસનો વિષય બની જાય છે.

સવાલ એ છે કે શું નસીબદાર થઈને જન્મવું પડે કે પછી પ્રયાસ કરવાથી નસીબદાર બની શકાય? અગર એવું હોય કે અમુક આદતો કેળવીએ તો નસીબદાર બની શકાય, તો શા માટે ઘણા બધા લોકો એ આદતો કેળવવા પ્રયાસ ન કરે? તો આ લેખમાં મારે વિજ્ઞાને નસીબદાર લોકોની કઈ આદતો ઓળખી બતાવી છે તે લખવું છે. વાંચ્યા પછી વાંચકને લાગશે કે નસીબદાર થવાની ચાવી મળી ગઈ.

ઈંગ્લેંડની જાણીતી યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રખ્યાત પ્રોફેસર ડોક્ટર રિચાર્ડ વાઇઝમેન, એમણે તો ‘નસીબ’ ઉપર ખૂબ સંશોધન કર્યું છે અને એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે લક ફેક્ટર.

તો આવા પુસ્તકો વાંચીએ અને ‘નસીબ’ વિષય પર સંશોધન કરીએ તો એવું લાગે કે જે લોકો નસીબદાર હોય છે એમને પોતાની સામે પડેલી તકોને ઊંડાણથી તપાસવાની ટેવ હોય છે આ પ્રકારના લોકો ધણી બધી વ્યક્તિ સાથે સારા સંબંધો બાંધતા હોય છે એમનું મિત્ર વર્તુળ મોટું હોય છે. એમને ધણાં બધા લોકો સાથે વાતો કરવી ગમતી હોય છે આ પ્રકારના લોકોમાં એક જાતની શાંત ચપળતા હોય છે. અને આ બધાને કારણે આ પ્રકારના લોકો સફળતા માટેની શક્યતાઓ જોઈ શકતા હોય છે. જે લોકો પોતાની જાતને બદનસીબ માનતા હોય એમને એની એ જ તકો એટલી સ્પષ્ટ રીતે દેખાતી હોતી નથી.

પેલા પ્રોફેસરે આ અંગે જાતજાતના પ્રયોગો (ઍક્સ્પેરિમેન્ટ) કરી જોયા અને એના પરિણામો તો બહુ જ રસપ્રદ હતા. એમણે અમુક લોકોને કોઈ સોશિયલ સર્વેમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું અને યુનિવર્સિટીમાં સાયકોલોજીની ઓફિસે બોલાવ્યા. ત્યાં બધા પાસે એક ફોર્મ ભરાવ્યું અને તેમાં એક સવાલ એવો હતો કે ‘તમે તમારી જાતને નસીબદાર ગણો છો કે કમનસીબ?’ અને તે પછી દરેક વ્યક્તિને એક પછી એક, કહ્યું કે તમારે આ ફોર્મ અહીંથી સો ફૂટ દૂર એક લાઈબ્રેરીનું મકાન છે ત્યાં જઈને આપવાના છે. લાઈબ્રેરી જવાનો નાનો ફૂટપાથ જેવો રસ્તો હતો. તે રસ્તે જમીન પર પ્રોફેસરનાં મદદનીશે સો પાઉન્ડની નોટ ફૂટપાથની કિનારી પાસે ઉડી ન જાય તેવી રીતે રાખી હતી. ખરી રિસર્ચ તો એ હતી કે ત્યાંથી પસાર થનાર કેટલા લોકોને એ દેખાશે. જે કોઈ વ્યક્તિને દેખાય અને ખીસામાં મૂકી દે તો દૂર સંતાઈ રહેલા મદદનીશ આવીને પછી આવનાર વ્યકિત માટે બીજી નોટ મૂકી દેતા.

મજાની વાત તો જુઓ જે જે લોકોએ પોતાની જાતને સર્વેમાં નસીબદાર તરીકે લેખાવી હતી તે સૌને રસ્તા ઉપર રાખેલી સો પાઉન્ડની નોટ જડી હતી. અને જે લોકો પોતાની જાતને કમનસીબ ગણાવતા હતા એ લોકો તો સડસડાટ ચાલ્યા ગયા, સામેના મકાનમાં જઈને ફોર્મ આપી દીધું અને એ કમનસીબ લોકોનું રસ્તામાં પડેલી સો પાઉન્ડની નોટ ઉપર ધ્યાન જ ન પડ્યું. આ પ્રકારના પરિણામનું કારણ આમ જુઓ તો સાવ સાદું છે, કેમ કે નસીબદાર લોકોના મનમાં એક પ્રકારની શાંતિ છવાયેલી હોય છે. એમનામાં બીજા લોકો પ્રત્યે અસંતોષ અને ક્રોધ હોતા નથી. દુનિયા આપણા સૌ માટે આવી નાની નાની અનેક તકો ઊભી કરતી હોય છે, તે આ પ્રકારના માણસોને તરત દેખાય છે. જ્યારે જે લોકોને પોતાનાથી અસંતોષ હોય, બીજા લોકોમાં ખોડખાંપણ દેખાતી હોય, પોતાના નસીબ અંગે ઊંડો અસંતોષ હોય તેમને આજુબાજુ શું થઈ રહ્યું છે તે જોવાનો આનંદ કે ઉત્સુકતા હોતી નથી. અને એ જ કારણે એમને જિંદગીના રસ્તાઓ પર નજર સામે અને ઠેર ઠેર પડેલી સો પાઉન્ડની નોટ દેખાતી નથી. તો ગુણ નંબર 1: સારી નિરીક્ષણ શક્તિવાળી વ્યક્તિ વધુ નસીબદાર સાબિત થતી હોય છે.

જો સફળતા માટે નસીબ જરૂરી હોય... તો નસીબ માટે શું જરૂરી હોય?

પ્રોફેસરે એક બીજો અખતરો કર્યો જેમાં બે વોલેન્ટિયરને બોલાવ્યા, એક જે પોતાની જાતને નસીબદાર ગણતો હતો અને બીજો જે પોતાની જાતને કમનસીબ માનતો હતો. પ્રોફેસરે એ બંનેને કહ્યું કે જુદા જુદા સમયે આવીને અમુક રેસ્ટોરન્ટમાં પ્રોફેસરને મળે. પણ તે રેસ્ટોરન્ટ એ તો ખુદ પ્રયોગનો ભાગ હતી, અને એમાં બેઠેલી દરેક વ્યક્તિ તે આ પ્રયોગની ભાગીદાર હતી. રેસ્ટોરન્ટના દરેક ટેબલ લોકોથી ભરી દીધા હતા. માત્ર એક ટેબલ પર ચારમાંથી ત્રણ ખુરશી ખાલી રાખી હતી અને એક ખુરશીમાં એ વિસ્તારની એક ધનાઢ્ય વ્યક્તિને બેસાડી હતી. સૌથી પહેલાં પોતાની જાતને કમનસીબ માનતી વ્યક્તિને બોલાવી. રેસ્ટોરન્ટની અંદર આવવાના બારણાં પાસે પણ દસ પાઉન્ડની નોટ જમીન પર રાખી હતી. પ્રોફેસર જાણીબૂઝીને અડધી કલાક મોડા આવવાના હતા.

પેલા ભાઈને દસ પાઉન્ડની નોટ દેખાઇ નહીં. અંદર આવીને જોયું કે બેસવાની જગ્યા નથી. પેલા ખાલી ખુરશીવાળા ટેબલ પર તે પ્રયોગ-વ્યક્તિ નંબર 1ને જવાનું મન ન થયું. પ્રોફેસર જ્યારે આવ્યા ત્યારે તેમણે તે પ્રયોગ વ્યક્તિને પૂછ્યું કે ‘આજનો દિવસ કેવો જાય છે?’ તો એ વ્યક્તિ કહે, ‘રોજ જેવો શુષ્ક અને કંટાળાજનક. કોઈ એવી સારી કે ખાસ વાત બની નથી.’

બે કલાક પછી પ્રયોગ-વ્યક્તિ નંબર 2ને આવવાનું હતું. આ વ્યક્તિ પોતાની જાતને નસીબદાર ખપાવતો હતો. એણે તો 10 પાઉન્ડની નોટ જોઈ, લઈને ખિસ્સામાં મૂકી. અંદર જઈ પેલી ધનાઢ્ય વ્યક્તિ સામેની ખાલી ખુરશીમાં બેસી ગયો. પેલી ધનાઢ્ય વ્યક્તિને ‘ગુડ આફ્ટરનૂન’ કહીને વાતચીત શરૂ કરી. અડધી કલાક પછી પ્રોફેસર આવ્યા અને આ પ્રયોગ-વ્યક્તિ નંબર 2ને પૂછ્યું કે ‘આજનો દિવસ કેવો જાય છે?’ તો પ્રયોગ-વ્યક્તિ નંબર 2એ કહ્યું, ‘કાયમની જેમ નસીબદાર. અંદર આવતો હતો ત્યારે જમીન પરથી 10 પાઉન્ડની નોટ જડી. ટેબલ પર બેઠો તો કોઈ એક પૈસાદાર માણસ જોડે ઓળખાણ થઈ. જે ઓળખાણ મને આગળ જતાં મારા બિઝનેસમાં ઘણી મદદરૂપ થશે. તો આજનો દિવસ મારા માટે સારા નસીબનો દિવસ નીકળ્યો.

તો આ મુદ્દાનો સારાંશ તો બહુ સાદો છે કે બંને વ્યક્તિ માટે સમાન સંજોગો હતા પણ પોત-પોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે બંને માટે પરિણામ તદ્દન જુદા હતા.

તો ગુણ નંબર 2: નસીબદાર વ્યક્તિનું મિત્ર-વર્તુળ મોટું હોય છે અને આમ કોઈ ફાયદારૂપ વાત કે પરિસ્થિતિની જાણ એમના સુધી સહેલાઇથી પહોંચી જતી હોય છે.

ત્રીજી વાત: નસીબદાર લોકો પોતાની જાતને નસીબદાર ગણતા હોય છે આ પ્રકારના લોકોને ભરોસો હોય છે કે સારી વસ્તુ થવાની છે. અને એ ભરોસાને કારણે જે વસ્તુ પામવા પ્રયાસ કરતા હોય તે પ્રયાસમાં થોડા વધુ પ્રયત્નો કરે છે. કોઈ બીજા સાથેનો વ્યવહાર એ જ અપેક્ષાથી કરતા હોય છે કે સામેનો માણસ તેમને મદદરૂપ થશે. નસીબદાર માણસોમાં એક જાતનો આશાવાદ હોય છે અને એ આશાવાદને કારણે જે કોઈ કામ કરી રહ્યા હોય તે હતાશાથી છોડી નથી દેતા અને નિરાશાવાદી લોકો કરતાં થોડી વધુ વાર પ્રયાસો ચાલુ રાખે છે. આમ જુઓ તો નસીબદાર થવા આ જ વૈજ્ઞાનિક કારણ છે.

ધારો કે તમને તમારી કારની ચાવી ન મળતી હોય. દશ મિનિટ શોધીને કહો, ‘તેલ લેવા ગઈ કારની ચાવી, મિત્રનું ઘર આમ તો દશ મિનિટ જ દૂર છે ને, ચાલી નાખીએ.’

એના બદલે તમારી પત્ની વીસ મિનિટ સુધી શોધે અને ચાવી મળી જાય, તો એમાં તમારી પત્ની કાંઈ વધુ નસીબદાર નથી, પણ જ્યારે તમારી ધીરજ ખૂટી ગઈ ત્યારે એણે એની શોધ ચાલુ રાખી. તો તમને જડવાની હતી તેના કરતાં એને જડવાની સંભાવના સ્ટેટિસ્ટિક્સના નિયમ મુજબ બમણી થઈ જાય. હું એક દાખલો આપું કે મારો દીકરો નાનો હતો અને ન્યુ જર્સીમાં અમે એક બહુ જ વિશાળ ઘરમાં રહેતા હતા. દસ હજાર સ્ક્વેર ફૂટનું બાંધકામ હતું. આઠ બેડરૂમ, બે સ્ટડી રૂમ, વર્કશોપ, હોમ થિયેટર, મોટો લિવિંગ રૂમ, મોટું રસોડું, કબાટ અને ડ્રોઅરની તો સંખ્યા જ ન પૂછશો. આવા ઘરમાં જો કોઈ વસ્તુ આડા હાથે મુકાઇ ગઈ હોય તો શોધતા-શોધતા ગાંડા થઈ જવાય. કોઈકવાર મહેમાન આવ્યા હોય, કહે ‘તમારું આટલું સારું થિયેટર છે તો સાંજે ‘ગોડફાધર’ ફિલ્મ જોઈએ’. મારો દીકરો અમારા એક હજાર ડીવીડીના કલેક્શનમાંથી ગોડ ફાધરની ડીવીડી કાઢવા પ્રયાસ કરે તો ખબર પડે કે કક્કાવારી પ્રમાણે ગોઠવેલા એ કલેક્શનમાં ગોડફાધરની ડીવીડી દેખાતી નથી. મારો દીકરો આખું ઘર શોધી વળે છે. દશ મિનિટ પછી મારી પાસે આવીને કહે ‘ડેડી, ગોડફાધરની ડીવીડી ઘરમાં કયાંય જડતી નથી.’

હું પૂછું કે ‘કોઈ મિત્રને આપ્યાનું યાદ છે?’ એ કહે ‘ના,આમ તો 3 અઠવાડિયા પહેલાં મેં જ લાઈબ્રેરી-રૂમમાં જોઈ હતી. અત્યારે એ રૂમમાં ફરી જોઈ લીધું પણ દેખાતી જ નથી.’

હું કહેતો ‘ઘરમાં છે તેની ખાતરી છે ને?’ એ કહે ‘હા,હજુ દશ દિવસ પહેલાં જ ઘરમાં કયાંક જોઈ હતી. ‘તો હું કહેતો, ‘તો પછી હમણાં તને વીસ મિનિટમાં શોધી દઉં છું.’ મારો દીકરો કહે, ‘ક્યાંય દેખાતી નથી તો તમે કેવી રીતના શોધી દેશો.’

હું કોઈ જ ઉતાવળ વગર એક રૂમને સો ટકા ખંખોળીને પછી બીજા રૂમમાં જાઉં. દસ મિનિટ પછી ગોડફાધરની ડીવીડી મારા દીકરાના હાથમાં મૂકી દઉં. એ કહે ‘આ તમને કેવી રીતના જડી?’

તો હું કહેતો, ‘જ્યારે તું આ ડીવીડી શોધતો હતો ત્યારે તારા મનમાં એક શક હતો કે મળશે કે નહિ. પણ મેં શોધ ચાલુ કરી ત્યારે મેં મારી જાતને કહ્યું કે, ‘આ ઘરમાં જ હોય તો શા માટે ન જડે?’ અને મેં શોધવાની શરૂ કરી ત્યારે મને ખબર હતી કે મને ડીવીડી જડવાની જ છે. અને એ ખાતરીએ મારામાં શોધવાની થોડી વધુ શક્તિ જન્માવી હતી.

તો ગુણ નંબર 3: આશાવાદી વ્યક્તિઓનું નસીબ હંમેશાં જાણે વધુ જોર કરતું હોય તેવું લાગે છે.

તે પછીના ગુણની વાત બહુ મજાની છે. નસીબદાર વ્યક્તિઓને એવિ આવડત હોય છે કે ખરાબ નસીબને પણ સારા નસીબમાં બદલાવીને જુએ. આ પ્રકારના લોકો ખરાબ બનાવમાં પણ કોઈ સારપને જોતા હોય છે. પેલા પ્રોફેસર વાઈઝમેને એક એવો પ્રયોગ કર્યો કે અમુક વોલેન્ટિયર્સને એક સ્ટડી માટે બોલાવ્યા. સહુથી પ્રથમ તો એમણે દરેક વ્યક્તિને કહ્યું કે તમે તમારી જાતને કેટલા નસીબદાર માનો છો તે અંગે ‘રેટિંગ’ આપો. અને એનો સ્કેલ -3 (માયનસ ત્રણ)થી +3 (પ્લસ ત્રણ) સુધીનો. પ્લસ ત્રણ એટલે તમે તમારી જાતને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ ગણો છો અને માયનસ ત્રણ એટલે તમારાથી કમનસીબ તમને બીજું કોઈ નથી લાગતું. તે રેટિંગ કરાવ્યા પછી પ્રોફેસરે સહુ પાસે એક કાલ્પનિક બનાવ વર્ણવ્યો. દરેક સહભાગીને કહ્યું કે ધારો કે તમે અને તમારા પત્ની તમારા નાના બાળકને તેડીને બેન્કમાં પૈસા જમા કરાવવા ગયા છો અને લાઇનમાં ઉભા છો. ત્યાં કોઈ ધાડપાડુ બંદૂક લઈને આવે છે. બેંકના પૈસા લૂંટીને બહાર નીકળતાં હવામાં ગોળીબાર કરવા જાય છે પણ બંદૂકની ગોળી તમને બાવડા પર વાગે છે.

પછી પ્રોફેસરે બધા સહભાગીઓને કહ્યું આ બનાવને માયનસ ત્રણથી પ્લસ ત્રણ વચ્ચેનું તમારા મત મુજબ રેટિંગ કરો.

જો સફળતા માટે નસીબ જરૂરી હોય... તો નસીબ માટે શું જરૂરી હોય?

તો જે લોકોએ અગાઉ પોતાની જાતને કમનસીબ ગણ્યા હતા તેમણે આ બનાવને પણ માયનસ ત્રણ આપ્યા. ‘આવું તે કેવું ખરાબ નસીબ, કે મારો કોઈ વાંક ગુનો નથી, મારી બેંકમાં પૈસા મૂકવા લાઇનમાં ઉભો છું અને બાવડા પર ગોળી વાગે! મારૂ કમનસીબ કાયમ બે ડગલાં આગળ જ હોય છે.

નસીબદાર વર્ગના લોકોએ આ બનાવને પ્લસ 3 આપ્યા. કહે, ‘સારું થયુંને હાથ પર વાગી. છાતીમાં વાગી હોત તો મરી જાત.’ અને કહે, ‘મારી વાઇફને કે દીકરાને તો કંઈ ન થયું ને. આનું નામ તે સદનસીબ!’

તો ઘણીવાર નસીબ એના પર આધાર રાખે છે કે તમે બનાવોનું અર્થઘટન કેવી રીતે કરો છો. અને આમ બનેલો બનાવ તે સારું નસીબ છે કે ખરાબ તે કોઈ કોઈ વાર તો માત્ર તમારા દ્રષ્ટિકોણ પર અને તમારી પોતાની બનાવોને જોવાની રીત પર આધારિત હોતો હોય છે.

અગર આપણે એ યાદ રાખીએ કે કોઈ ખરાબ બનાવ બન્યો તેમાં જેટલું નુકસાન થયું તેના કરતાં ઘણું વધુ નુકસાન થઈ શક્યું હોત અથવા, આપણા સિવાય બીજા ઘણાં છે જેમણે આથી પણ વધુ ખરાબ સંજોગો ભોગવ્યા હશે, તો એ રીતે વિચારીએ તો બનેલા ખરાબ બનાવ પછી પણ આપણને આપણે ખૂબ નસીબદાર લાગીએ.

તો ગુણ નંબર ચાર: નસીબદાર વ્યક્તિઓ ખરાબ બનાવને પણ સારા બનાવ તરીકે જોવા શક્તિમાન હોય છે.

અમુક વખતે કોઈ ભૂલ કરીએ કે કોઈ ખરાબ સંજોગોના ભોગ બની જઈએ, પણ પછી એના અંગે જીવ બાળ્યા કરતાં એ બનાવ પરથી કોઈ બોધપાઠ શીખીએ તો તે ખરાબ બનાવ બન્યો તે કારણે આપણામાં આભારની લાગણી ઉભી થતી હોય છે. અને આમ બનેલો ખરાબ બનાવ સારા બનાવમાં બદલાઈ જતો હોય છે.

જો સફળતા માટે નસીબ જરૂરી હોય... તો નસીબ માટે શું જરૂરી હોય?

2003ની સાલ હતી, મને 55 વર્ષ થયા હતા. તબિયત સારી હતી, વજન ઓકે હતું. કોલેસ્ટરલ અને સુગર કંટ્રોલમાં હતા. ખાવા પીવામાં કોઈ ચરી નહોતી.દિવસની બે સિગરેટ પણ પી લેતો. ‘બેમાં શું નુકસાન?’ હું મન માનવતો. પછી 2002ની એક રાત્રે પથારીમાં સૂતો હતો. સવારના 4 વાગ્યા હશે. હું જાગી ગયો. છાતી સહેજ ભારે લાગતી હતી. પછી જેટલી વાર ઊંડા શ્વાસ લઉં ત્યારે હૃદયમાં સહેજ દુઃખે થયું ‘હમણાં થોડી વારમાં આ અસુખ જતું રહેશે’. વીસ મિનિટ સુધી ઓછું ન થયું. મીનાને ઉઠાડી. એણે તરત પૂછ્યું. ‘ખભા પર દુઃખે છે?’ મેં કહ્યું ‘ના’. પછી મેં કહ્યું, ‘હાર્ટનું નથી લાગતું. પેટમાં ગેસ લાગે છે’. મેં કહ્યું, ચલ ટોઇલેટ જતો આવું, સારું લાગશે. પથારીમાંથી ઉભો થઈ સ્લીપર પહેરી ટોઇલેટ તરફ ચાલવા લાગ્યો. પણ પગ લથડિયા ખાવા લાગ્યા. આંખે સહેજ અંધારા આવતા હોય તેમ લાગ્યું. માંડ ટોઇલેટ સુધી પહોંચ્યો. ટોઇલેટ જાઉં તે પહેલાં અચાનક ઉલટીના ઉબકા શરૂ થઈ ગયા. ઉબકા સાંભળી મીના દોડતી આવી. મને પૂછે, ‘રાહુલ, શું થાય છે?’ પણ છાતીમાં થતાં દુખાવાને લીધે હું બોલી શકતો નહોતો. સામેના સિંક પરના નળને પકડીને માંડ માંડ ઉભો રહી શકું. ઉબકા તો એવા આવે કે જિંદગીમાં નહોતા આવ્યા. શરીર આખું બેવડ વળી જાય. પછી મને ખબર ન પડે તેમ દશ સેકંડ બેભાન થઈ જાઉં, પણ નળ પકડી રાખું. પાછળથી મીના મને પકડી રાખે. એણે ચીસ પાડીને બાજુનાં રૂમમાંથી દીકરા આકાશને બોલાવ્યો. ‘ડેડને પકડી રાખ’. અને મીનાએ તરત 911માં ફોન કર્યો. મને સહેજ જેવી જ ઉલટી થઈ, પછી સહેજ સારું લાગ્યું. પણ જલ્દી ટોઇલેટમાં જવાની જરૂર લાગી. બધાને બાથરૂમમાંથી બહાર કાઢ્યા. આખી આંતરિક સિસ્ટમ દશ સેકન્ડમાં ખાલી થઈ ગઈ. પછી બાથરૂમ બહાર આવ્યો. જાણે ઓકે થઈ ગયો હતો. પણ તે ચાર મિનિટમાં એટલો તો પરસેવો વળેલો કે નાઈટ-સૂટના બંને કપડા નીચોવી શકાય એટલા ભીના થઈ ગયા હતા. છાતીનો દુખાવો જતો રહ્યો હતો. હું પથારીમાં જઈને બેઠો.

જો સફળતા માટે નસીબ જરૂરી હોય... તો નસીબ માટે શું જરૂરી હોય?

પાંચ મિનિટમાં તો પોલીસ આવી ગઈ. બીજી દશ મિનિટમાં એમ્બ્યુલન્સ એના કર્મચારીઓથી સવારે પાંચ વાગ્યે ઘર ભરાઈ ગયું.. પણ હું તો સ્વસ્થ થઈ ગયો હતો. જાણે કોઈ ગંભીર વાવાઝોડું પાંચ મિનિટમાં આવીને જતું રહ્યું હોય. મેં કહ્યું, હું ઓકે છું. પણ એમ્બ્યુલન્સનાં કર્મચારીઓ કહે, હોસ્પિટલમાં આવીને ચેક તો કરવી જ લો.

તે સાંજે હોસ્પિટલમાં ટ્રોપોનીનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. ટ્રોપોનીન એટલે શું, તેની મને ત્યારે ખબર નહોતી. ડોક્ટરે આવીને કહ્યું તમારા લોહીમાં ટ્રોપોનીન નામનું તત્વ છે જે હૃદયના સ્નાયુઓમાં જ હોય. એનો અર્થ એ કે તમને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો.

બીજા દિવસે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા, તો જમણી બાજુની ધોરી નસમાં 100 ટકા બ્લોકેજ હતો. તે દિવસે જ સ્ટેન્ટ નાખીને બ્લોકેજને ખોલી દીધો. દશ દિવસ આરામ કરી ફરી કામે લાગી ગયો. ખબર પડી કે મુખ્ય નસમાં 100 ટકા બ્લોકેજ હતું તો થયું, ‘સારું થયું ઘેર હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો, કામ પર જતાં એકલો કાર ચલાવતો હોત અને આ થયું હોત તો જરૂર ટિકિટ ફાટી ગઈ હોત.’

સિગરેટનું પાકીટ હોસ્પિટલથી ઘેર આવ્યો તે દિવસે જ ફેંકી દીધું. ખાવામાં અગાઉ કોઈ ચરી નહોતો રાખતો એના બદલે સેલડ, બ્રોકરી, ફળ એનું પ્રમાણ ખૂબ વધારી દીધું. તળેલુ ખાવાનું બંધ કરી દીધું, ઘી બંધ, રોજ ટ્રેડ મિલ પર ત્રીસ મિનિટ દોડવાનું શરૂ કર્યું. જીમમાં રોજ વજન ઉપાડવાનાં શરૂ કર્યા.

તે હાર્ટએટેક આવ્યાને 19 વર્ષ થઈ ગયા છે. વજન ત્યારે હતું તેના કરતાં 15 પાઉન્ડ ઓછું છે. 74 વર્ષ, રોજ અર્ધી કલાક દોડી શકું છું. કોલેસ્ટરલ અને ટ્રાય-ગ્લિસરાઈડ 30 વર્ષનો હતો તેના કરતાં ઓછા છે. તો મનમાં આભારની લાગણી થાય કે સારું થયું કે 2003નાં મે મહિનાની એ રાત્રે હાર્ટએટેક આવ્યો. હૃદયને કોઈ કાયમી નુકસાન ન થયું, પણ ભગવાન તરફથી એક જાતની વોર્નિંગ મળી ગઈ અને તે કારણે સલામતીનાં બધા પગલાં લઈ લીધા. તો હવે તો હું ઘણાં લોકોને કહું છું કે મારા કેવા તે સારા નસીબ કે હાર્ટએટેક આવ્યો. નહીંતર ખરાબ આદતો ચાલુ રહી હોત- અને બે વર્ષ પછી મોટો હાર્ટએટેક આવ્યો હોત તો નક્કી કલીન બોલ્ડ થઈ ગયો હોત. તો આ મારી પોતાની જિંદગીનો દાખલો છે તે ચોથા ગુણને સાબિત કરે છે કે તમારા દ્રષ્ટિકોણને કારણે ખરાબ બનાવ પણ સદનસીબમાં પલટાઈ જતો હોય છે.

આપણે ગુજરાતીમાં કહેવત છે કે અકર્મીના પડિયા કાણાં અને ભાગ્યવાનને ભૂત રળે. આ લેખ માટે ઇન્ટરનેટ પર જરા સંશોધન કરતો હતો તો અમુક તો બહુ રમુજી કહેવતો વાંચી. ‘અકર્મીની મા મરે અને સકર્મીની સાસુ મરે’ ગોલ્ફની રમતમાં દૂરથી બોલ ને ‘હોલ’માં પહોંચાડી દઈએ તો કોઈ કહેતું હોય છે કે ‘લકી શોટ’, પણ કોઈ પ્રખ્યાત ગોલ્ફ ખેલાડીએ કહ્યું હતું કે ‘The more I practice, the luckier I get‘. અને આમ, જિંદગીની ‘Once-in-a life time‘ અણમોલ તક તો વર્ષમાં દશ વાર આવીને જતી રહેતી હોય છે. જે લોકોએ નસીબદાર થવાના ગુણ કેળવ્યા હોય તે સામે આવીને તરત જતી રહેનાર તકને ઝપટ મારીને ઝડપી લે છે. જે લોકો પોતાને કમનસીબ સમજતા હોય તે નસીબને દોષ દીધા કરે છે.

SS White Company પ્રેસિડેન્ટ શ્રી. રાહુલ શુક્લ
SS White Company પ્રેસિડેન્ટ શ્રી. રાહુલ શુક્લ

લેખના અંતમાં નસીબદાર બનવા માટે કયા ગુણ કેળવવા તેની ફરીથી નોંધ લઈએ…

1. નિરીક્ષણ: તમારી આજુબાજુ શું થઈ રહ્યું છે તેની રસપૂર્વક નોંધ લેવી.

2. વિસ્તૃત સંબધો: ઘણાં મિત્રો બનાવો, પાડોશીને જમવા બોલાવો, ટ્રેઈનમાં કે પ્લેનમાં બાજુમાં બેઠેલા માણસ જોડે વાતચીત કરવા પ્રયાસ કરો. રેસ્ટોરંટમાં ખાવાનું ભાવે તો વેઈટરનો આભાર માનો. જેમ તમે વધુ
વ્યક્તિઓની કંપની માણી શકતા હશો તેમ તમારું નસીબ વધુ જોર કરશે.

3. વિશ્વાસ, ખંત અને ધૈર્ય: તમે નસીબદાર જ છો તેવો વિશ્વાસ રાખો- તે કારણે જયારે બીજા સૌ હતાશા થઈને પ્રયાસ છોડી દે ત્યારે તમારે તમારા ચાલુ રાખવાના. આથી સફળતાની સંભાવના વધી જશે અને જાણે
નસીબ વધુ જોર કરતું હોય એવું જરૂર લાગશે.

4. આશાવાદી દર્ષ્ટિકોણ: કોઈ નુકસાનકારક બનાવને આશાવાદી દ્રષ્ટિકોણથી જોવાની આવડત કેળવવી.

તો ધંધામાં, કારકિર્દીમાં, પ્રેમમાં કે અભ્યાસમાં- નસીબદાર બનવું હોય તો આ ચાર ટેવ કેળવશો તો નિરાશ નહિ થાવ. અને જ્યારે પણ નિરાશાવાદના વાદળ મન પાસે ઘેરાવા લાગે તો યુ-ટ્યૂબ પર જઈ ‘ગાઈડ‘ ફિલ્મનો ડાયલોગ શોધી કાઢજો- અને દેવાનંદ રોઝીને નહિ પણ તમને જ કહેતો હોય તેમ એનું વાક્ય સાંભળજો કે-

‘ખુદ હી કો કર બુલંદ ઇતના,
કી હર તકદીર સે પહલે,
ખુદા બંદે સે ખુદ પૂછે,
બતા તેરી રઝા ક્યા હૈ…’

વઢવાણ સુરેન્દ્રનગર એસ.એસ. વ્હાઈટ કંપની દ્વારા વઢવાણ પોલીસ સ્ટેશનને

www.feelingsmultimedia.com

વધુ સમાચાર માટે…