આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ગુજરાતમાં આજે 75 આઈકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી, અમદાવાદમાં રીવરફ્રન્ટ પર હજારો લોકોએ યોગ કર્યા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ રીવરફ્રન્ટ પર યોગ કર્યાં
- ગુજરાત હાઈકોર્ટમાં પણ યોગ દિવસની ઉજવણી કરાઈ
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગ દિવસની ઉજવણીમાં જોડાયાં છે. જ્યાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ઉપરાંત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ કર્યાં
રાજ્યમાં યોગ દિવસની ઉજવણી માટે 75 સ્થળ પસંદ કરાયા છે. તેમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 22 પ્રવાસન સ્થળ, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌંદર્યધામ સામેલ છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો, મહિલાઓ સહિત અંદાજે 1.5 કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે. જ્યાં CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગાસન કર્યા હતાં.

10 હજાર જેટલાં નાગરિકો જોડાયા
આ કાર્યક્રમમાં 10 હજાર જેટલાં નાગરિકો જોડાયા છે. અમદાવાદમાં 44 ગાર્ડનમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના સફેદ રણ ધોરડો ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં છે તો વડોદરામાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં છે. ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં છે તો મહેસાણામાં જિલ્લાના યોગ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં છે. જ્યારે ગાંધીનગર ખાતે યોગ કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યાં.

ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં યોગ દિવસની ઉજવણી
ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર ઉપરાંત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની હાજરીમાં યોગ અભ્યાસ કર્યો હતો.કોર્ટના સ્ટાફ અને એડવોકેટ એસોસિએશનના હોદેદારો,વકીલો પણ હાજર રહ્યા હતાં. કોર્ટ પરિસરમાં સામૂહિક રીતે યોગ અભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે.
આ સ્થળો પર યોગાસન કરવામાં આવ્યા
અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી પણ કરાઈ હતી.
રાજ્યની 45 હજાર પ્રાથમિક શાળાના 84 લાખ 65 હજાર વિદ્યાર્થીઓ તેમજ 3 લાખ 23 હજાર શિક્ષકો, 12 હજાર 500 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 28 લાખ 43 હજાર વિદ્યાર્થીઓ અને 89 હજાર શિક્ષકો, 2600 યુનિવર્સિટી-કોલેજીઝના 16 લાખ 14 હજાર વિદ્યાર્થીઓ અને 60 હજાર અધ્યાપકો, રાજ્યની 287 આઈ.ટી.આઈ.દીઠ 100 વિદ્યાર્થીઓ એમ કુલ 28 હજાર 700 વિદ્યાર્થીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા.