સુરેન્દ્રનગરમાં સાચો કોલ લેટર હોવા છતાં 6 વાગ્યાનો ટાઇમ લખી બોગસ કોલ લેટર બનાવવાનું કૌભાંડ
- શારીરિક કસોટીના નકલી કોલ લેટર બનાવાના કૌભાંડનો પર્દાફાશ
- રાજકોટ અને બોટાદના બે કોન્સ્ટેબલ સહિત પાંચ ઉમેદવારોની પોલીસે ધરપકડ
સુરેન્દ્રનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં જવાહર ગ્રાઉન્ડ ખાતે પી.એસ.આઇ.ની શારીરિક કસોટીના નકલી કોલ લેટર બનાવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોલ લેટર સાથે છેડછાડ કરનાર રાજકોટ અને બોટાદના બે કોન્સ્ટેબલ સહિત પાંચ ઉમેદવારોની પોલીસે ધરપકડ કરી છે. એક ઉમેદવાર ઓરિજનલ કોલ લેટરમાં સહિ સિક્કા કરાવવા જતાં બોગસ કોલ લેટરનું કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે પાંચેય ઉમેદવારો સામે ગુનો નોંધ્યો છે.
ગુજરાતમાં પંદર સ્થળે પોલીસ ભરતી માટેના પ્રથમ તબક્કાની શારીરીક કસોટીની પ્રક્રિયા ચાલી રહીં છે. જેમાં સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પણ આ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરીક કસોટીનું સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. એલ.આર.ડી. અને પી.એસ.આઈની ભરતી માટે આ શારીરિક કસોટી લેવામાં આવે છે જેમા દરરોજ 1500 ઉમેદવારોને બોલાવવામાં આવે છે અને ભીડ ન થાય તે માટે દરેક ઉમેદવારને કોલ લેટરમાં સમય આપવામાં આવ્યો છે તે સમય પ્રમાણે જ દરેક ઉમેદવારે શારીરીક કસોટી માટે હાજર રહેવાનુ હોય છે.
આ પ્રક્રિયામાં મંગળવારના રોજ રાજકોટ જિલ્લાના ચાર અને બોટાદ જિલ્લાનો એક ઉમેદવાર ઓરિજનલ કોલ લેટરમાં ફાળવવામાં આવેલા સમયમાં છેડછાડ કરીને ડુપ્લિકેટ કોલ લેટર સાથે કસોટી આપવા આવતા ઝડપાઈ ગયા હતા. રાજકોટના મહેશ દિનેશભાઈ સેગલીયા, આશિષ પાતુભાઈ ગઢવી, પીપરડી (તા.વીંછીયા)ના જયદીપસિંહ નટુભાઈ ગોહિલ, ફુલઝર (તા.વીંછયા)ના પ્રવીણભાઈ કરમશીભાઈ સાકરીયા અને પાળીયાદ (જી.બોટાદ)ના કિશનભાઈ વજાભાઈ રાઠોડ પી.એસ.આઈની જગ્યા માટે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. આ તમામ ઉમેદવારોના કોલ લેટરમાં મેદાન ઉપર હાજર થવાનો સમય 8 વાગ્યાનો હતો. પણ સવારમાં સુર્યોદય પહેલા વધુ ઝડપથી દોડી શકાય અને વધુ ગુણ મેળવી શકાય તે માટે તેમણે કોલ લેટરમાં છેડછાડ કરીને સમય 6 વાગ્યાનો કરી ડુપ્લીકેટ કોલ લેટર સાથે આવ્યા હતા.
સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે LRD અને PSIની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ
આ ચારેય ઉમેદવારોની દોડની પરીક્ષા લેવાઈ પણ ગઈ હતી. પરંતુ આશિષ પતુભાઈ ગઢવી અસલ કોલ લેટરમાં સહિ સિક્કા કરાવવા જતા પકડાઈ ગયો હતો. તેની પાસેથી બે કોલલેટર મળતા પરીક્ષા લેતા પોલીસ અધિકારી ચોંકયા હતા અને તમામ ઉમેદવારોના કોલ લેટરની તપાસ કરતા અન્ય ચાર ઉમેદવારએ પણ ગેરરીતિ આચરીને સવારમાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયામાં ફરજ બજાવતા પી.એસ.આઈ વી.એન.જાડેજા (બજાણા)એ ફરીયાદી બનીને પાંચેય સામે ગુનો નોંધવા સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસને લેખીત જાણ કરી છે. પોલીસ ભરતી પ્રક્રિયામાં આ ગેરરીતિ ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર ફેલાવા પામેલ છે.
ગેરરીતી કરતા પકડાયેલા બે ઉમેદવારો હાલ પોલીસ કોન્સ્ટેબલઃ ખાતાકીય તપાસ થશે
કેટરીનાએ પોતાના હાથ વડે વિક્કીને લગાવી હલ્દી, કપલે કંઇક આ રીતે માણી લગ્નના જશ્નની મજા
સુરેન્દ્રનગરમાં પી.એસ.આઈ. ની ભરતી માટે શારીરિક કસોટી આપવા આવેલા પાંચ ઉમેદવારો ગેરરીતી કરતા ઝડપાઈ ગયા છે. જોકે, ગેરરીતિ આચરનાર બે ઉમેદવારો હાલ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. રાજકોટના મહેશ દિનેશભાઈ સેગલીયા હાલ રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જ્યારે પાળીયાદના કિશનભાઈ બજાભાઈ રાઠોડ હાલ બોટાદમાં ટ્રાફીક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ બન્ને ઉમેદવારો સામે ખાતાકીય તપાસ થશે.