ઈંધણનું સંકટ ગહેરુ બન્યું: ખેડા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પેટ્રોલ-ડિઝલની અછત વર્તાઈ, અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના બોર્ડ લાગ્યા
- ખેડૂત સહિત નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો
સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઇંધણનું સંકટના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના છેવાડાના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલની અછત વર્તાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ છેવાડાના અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ન હોવાના બોર્ડ લાગ્યા હતા. જેના કારણે ખેડૂત સહિત નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.
પેટ્રોલ-ડીઝલ ન મળતુ હોવાની રાવ
માણસની જરૂરીયાતોમા સૌથી મહત્વ ગણાતું ઇંધણની હાલ અછત હોવાના સમાચારો ઠેકઠેકાણેથી સામે આવી રહ્યા છે. ખેડા જિલ્લાના છેવાડાના વિસ્તારના ગામોમાં આવેલા પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલ મળતું ન હોવાના વાહનચાલકો જણાવી રહ્યા છે. ખેડા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ન હવાના બોર્ડ લાગ્યા છે.
પેટ્રોલ-ડીઝલ ન હોવાના બોર્ડ લાગ્યા
જિલ્લાના છેવાડાના ગામડાઓમાં જોઈએ તો માતર તાલુકાના લીંબાસી માલાવાડા સીંજીવાડા સહિતના છેવાડાના વિસ્તારોમાં આવેલા કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ન હોવાના બોર્ડ લાગ્યા છે. એક બાજુ સરકાર દાવો કરી રહી છે કે પેટ્રોલ-ડીઝલ પૂરતા પ્રમાણમાં છે કોઈને ગભરાવાની જરૂર નથી, તો બીજી બાજુ પેટ્રોલ પંપ પર કોઈ કારણોસર પેટ્રોલ-ડીઝલ આવતું હોવાનું પેટ્રોલ પંપ સંચાલકો જણાવી રહ્યા છે
ખેડૂતનો વાવણીની સીઝનમાં જ ડીઝલ ન મળતા આક્રોશ
આવી સ્થિતિમાં સૂડી વચ્ચે સોપારી વાહનચાલકો બની રહ્યા છે. ખાસ કરીને ખેડૂત અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પટ્રોલપંપ પર પેટ્રોલ નમળતા ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતનો વાવણીની સીઝનમાં જ ડીઝલ ન મળતા આમતેમ ભટકવું પડી રહ્યું છે. લીંબાસીમાં એકજ પટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો આવતા અહીયા લાંબી લાંબી કતારો લાગી છે.
વહેલી તકે નિરાકરણ લાવવા માંગ
ખેડૂત દિલીપ પરમારે જણાવ્યું હતું કેસ હાલ ચોમાસું બેસી ગયું છે, અમારે ડાંગરના ધરૂની વાવણી કરવાનો સમય છે. આવામાં ડીઝલનો જથ્થો ન મળતા અમારે ટ્રેકટર કઈ રીતે ચલાવવુ તે મોટો પ્રશ્ન છે. નજીકમાં જ માલાવાડા સીંજીવાડા લીંબાસી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર પૂરતો ડીઝલનો જથ્થો ન મળતા અમારે અત્યારે ટ્રેક્ટર ચલાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કેટલાક નોકરિયાત વર્ગો પણ અહીંયાથી તારાપુર તથા આણંદ જિલ્લામાં અને આ બાજુ અમદાવાદ સુધી રોજ બરોજ વાહન લઈને અપડાઉન કરે છે. તેઓ લોકો પણ પેટ્રોલ ન હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ક્યાંક અધવચ્ચે વાહન મૂકી નોકરીના સ્થળે જવું પડે છે. સરકાર આ બાબતે ચિંતિત બની આ પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે લાવે તેવી માંગ ઉઠી છે.