Vastadi – વસ્તડીના લોકોને ચાલીને નદી પાર કરવી પડી, રિપેરીંગમાં હજુ 3 મહિના લાગી શકે
- 40 વર્ષ જૂના જર્જરિત પુલ પર તંત્રએ માત્ર ભારે વાહનો પસાર ન થવાનું બોર્ડ મૂકીને સંતોષ માની લેતા પુલ તૂટયો
- વસ્તડી અને ચુડાના 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ન જઇ શક્યા : ખેતરો સુધી વાહન ન જઇ શકતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
- પુલ તૂટ્યા બાદ સમસ્યાના સેતુ બંધાયા
વઢવાણ તાલુકાના વસ્તડી ગામની નદી ઉપર 40 વર્ષ પહેલા જૂના પુલ પરથી રેતી ભરેલું ડમ્પર પસાર થતા તુટી પડયો હતો.જેને કારણે વસ્તડી ગામની 10 હજારથી વધુની વસ્તી તેમજ વઢવાણ અને ચુડા તાલુકાના 35થી વધુ ગામના લોકોને જિલ્લાના મથકે આવવા જવા માટેનો રસ્તો બંધ થઇ ગયો છે. તંત્ર દ્વારા જો પુલનું રીપેરીંગ કરાય તો પણ 3 થી 4 મહિના જેટલો સમય લાગી જાય તેમ છે. ત્યારે લોકોને આવવા જવા માટેનો અન્ય કોઇ વિકલ્પ ન હોવાને કારણે જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થઇને સામા કાંઠે જવા માટે મજબુર બન્યા છે.
વસ્તડી પાસે નેશનલ હાઇવે ઉપર સ્વામીનારાયણ સંકુલમાં વસ્તડી અને ચુડાના 100થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાએ આવવા અને જવા માટે આ પુલ મહત્વનો હોઇ આ વિધાર્થીઓ શાળાએ પણ નથી જઇ શકયા.જો પુલ ચાલુ નહી થાય તો બાળકોના શિક્ષણ ઉપર પણ માઠી અસર થશે. તંત્ર દ્વારા વહેલી તકે આ પુલનો રસ્તો ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ત્યારે વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકાવાણા અને જિલ્લા કલેકટર કે.સી.સંપટે પણ પુલની મુલાકાત લીધી હતી. ભારે વાહનો ચલાવનાર સામે કાર્યવાહી કરીશું
આ પુલ નબળો પડતા તેનુ રીપેરીંગ કામ થતું હોઇ તેના ઉપરથી ભારે વાહનો પસાર કરવાની મનાઇ કરાઇ હતી. છતાં જે લોકોએ ભારે વાહનો પસાર કર્યા છે તેની સામે કાર્યવાહી કરાશે. – કે.સી.સંપટ, કલેકટર
વસ્તડીની 50% સીમ પુલના સામે કાંઠે ખેતરે કેમ જવું?
વસ્તડી ગામના લોકોની 50 ટકાથી વધુ સીમ પુલને પેલે પાર છે. અત્યારે કપાસનો ફાલ પણ આવી ગયો છે. જેને વીણવા માટે દાડીયા લઇને જવુ પડે તેમ છે. પરંતુ ખેતર સુધી વાહનો પહોચે તેમ નથી. આથી પુલ તુટતા ખેતરમાં પણ નુકસાન થાય તેવી સ્થીતી છે. – ક્રિપાલસિંહ ગોહિલ, સ્થાનિક
એન્જિનિયર નિરિક્ષણ બાદ રિપોર્ટ તૈયાર કરશે
વસ્તડીના પુલને લઇને માર્ગમકાન વિભાગની ટીમ કામે લાગી છે. લોકોની સમસ્યા વહેલી તકે દૂર થાય તેના માટે એન્જીન્યરની ટીમ વસ્તડી પુલની મુલાકાત લેશે અને પુલનુ નિરીક્ષણ કરશે.ત્યાર બાદ પુલની હાલત જોઇને તેને રીપેર કરવો કે નવો બનાવો તેનો રિપોર્ટ આપશે.ત્યાર બાદ કામગીરી કરવામાં આવશે. – કે.આર.ગોહિલ , માર્ગમકા નના અધિકારી
નાળા મૂકી બેઠો કોઝવે બનાવે તો ચાલવા જેવું તો થાય
આ પુલનું જયારે રીપેરીંગ કામ ચાલતુ હતુ ત્યારે પણ કામ નબળુ થતુ હોવાની અમે રજૂઆત કરી હતી. છતા તંત્રએ કોઇ દરકાર લીધી ન હતી.આ પુલ તો અમારા ગામની સાથે ચુડા તાલુકાના ઘણા ગામ માટે જીવા દોરી સમાન હતો.હાલના સમયે જે જગ્યાએ પુલ તુટી ગયો છે ત્યા નીચે પાઇપ મુકીને બેઠો કોઝવે તાત્કાલીક બનાવે તો અમારો ખોરવાયેલો વાહન વ્યવહાર ચાલુ થાય તેમ છે. – ઘનશ્યામસિંહ ગોહિલ, મહિલા સરપંચના પતિ
તંત્રની બેદરકારી, ભારે વાહનો પસાર થતાં ઘટના ઘટી
વઢવાણ અને ચુડા સહિતના 35થી વધુ ગામ માટે આ પુલ ખુબ મહત્વનો છે. આ પુલ ઉપરથી જ લોકોને પસાર થઇને જવુ પડે છે. ત્યારે 40 વર્ષ પહેલા બનાવેલો પુલ જર્જરીત થઇ ગયો હતો. પુલની બાજુની દિવાલો તુટવા લાગી હતી. અને સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા હતા. ત્યારે તંત્રએ તેને થીગડા મારીને જેવો તેવો રીપેર કરી નાખ્યો. આટલુ જ નહી ભારે વાહનો માટે પ્રતિબંધનુ઼ બોર્ડ મારી અમલ માટે કોઇ જ વ્યવસ્થા ન કરાઇ તે તંત્રની લાપરવાહી ઉડીને આખે વળગે તેવી છે. આ પુલ નબળો છે.ભારે વાહનો ન ચલાવવા માટે તાકીદ પણ કરી છે. છતાં તેનો અમલ કરાવવા માટે તંત્રએ આંખ મીંચામણા કરતાં રેતી ભરેલા ભારે વાહનો બેફામ પસાર થઈ રહ્યા હતા. જેને પગલે પુલ ધરાશાયી થયો હતો.
વસ્તડી-ચુડાને જોડતા પુલનો ભાગ ધરાશાયી, ચાર ધવાયા; સદભાગ્યે જાનહાનિ ટળી