જળસંકટ: ચોમાસા પહેલાં રાજ્યના જળાશયોમાં વાપરવા લાયક પાણીનો માંડ 30 ટકા જથ્થો બચ્યો, ઉત્તર ગુજરાતમાં વિકટ સ્થિતિ
- આઠ જિલ્લાના ગામોમાં ટેન્કરથી પાણી આપવા 200 ફેરા મારવા પડ્યા
- જો વરસાદ ખેંચાશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સ્થિતિ વધુ કફોડી બની શકે
ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આગામી ચાર દિવસમાં મેઘમહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. તે ઉપરાંત રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાની શરૂઆતમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. આ વિસ્તારોના જળાશયોમાં વાપરવા લાયક પાણીનો માંડ 30 ટકા જથ્થો બચ્યો છે. આ વર્ષે જો વરસાદ ખેંચાશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સ્થિતિ વધુ કફોડી થવાની શક્યતાઓ છે.હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જળાશયોના તળિયા દેખાયા છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં માંડ 5.85 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે.
8 જિલ્લાના ગામોમાં ટેન્કરના 200 ફેરા મારવા પડ્યા
નર્મદા અને કલ્પસર વિભાગના સુત્રોના કહેવા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં 2.59 ટકા, અરવલ્લીમાં 3.38 ટકા, બનાસકાંઠામાં 4.92 ટકા, મહેસાણામાં 8.24 ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. કચ્છની વાત કરીએ તો હાલમાં 14.82 ટકા, સૌરાષ્ટ્રમાં 19.90 ટકા જથ્થો બચ્યો છે. બોટાદમાં માંડ 1.64 ટકા, દેવભૂમિ દ્વારકામાં 1.25 ટકા, જામનગરમાં 11.30 ટકા, જૂનાગઢ, 13.12 ટકા, સુરેન્દ્રનગર 14.43 ટકા, પોરબંદર 17.08 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. નર્મદા ડેમમાં 10.04 ટકા, એકંદરે રાજ્યમાં 23.61 ટકા જેટલો પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ગુજરાતના 204 ડેમમાં 70 ટકા જેટલું પાણી છે. પરંતુ 90 ટકા જેટલું પાણી હોય એવો એકેય ડેમ નથી. જ્યારે 70થી 80 ટકા પાણી હોય તેવા માત્ર બે ડેમ છે. ગત સપ્તાહમાં પાણીની તંગીના કારણે રાજ્યના 8 જેટલા જિલ્લાઓના ગામોમાં ટેન્કરના 200થી વધુ ફેરા મારવા પડ્યા હતાં.
રાજ્યભરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. ગઈકાલે ગુજરાતમાં થયેલા વરસાદની વાત કરીએ તો, શનિવારે 11 જિલ્લાના 18 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 1.41 ઈંચ વરસાદ પડ્યો હતો.
અમરેલીમાં સતત 11મા દિવસે પણ વરસાદ
અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છેલ્લા 11 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. જ્યારે આજે પણ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે મનમૂકીને મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જ્યારે બીજી તરફ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હજું પણ વરસાદ ન આવતા ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.
27 જૂને બેન્ક હડતાળ: બેન્કો 3 દિવસ બંધ રહેશે; 25 જૂને ચોથો શનિવાર, 26મીએ રવિવાર