Sujalam Sufalam Jal Abhiyan – રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનના 6ઠ્ઠા ચરણનો ગાંધીનગરના ખોરજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે
- સાયલા ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા સુજલામ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ કરાવશે
રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ શુક્રવાર તા.17 ફેબ્રુઆરીથી થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર તા.17 ફેબ્રુઆરીએ સવારે 9 કલાકે ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી આ સુજલામ સુફલામ જળ અભિયાનના 6ઠ્ઠા ચરણનો આરંભ કરાવશે.
આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં આવેલ માનસરોવર તળાવ ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા 17 ફેબ્રુઆરીના રોજ સવારે 9:30 કલાકે સુજલામ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
આ અભિયાન અન્વયે-2023ના વર્ષમાં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડિલીસ્ટીંગના કામો, રિપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવીત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો રાજ્યભરમાં કરવામાં આવશે.
સાયલા ખાતે યોજાનાર કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા અને પી. કે. પરમાર ઉપસ્થિત રહેશે.