Sujalam Suflam Water Campaign – સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ
- સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત થયેલા કામો થકી જળસંગ્રહ ક્ષમતામાં મોટો વધારો થયો છે -કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા
- સુજલામ સુફલામ અભિયાન દ્વારા ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે -નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા
સુજલામ સુફલામ જળ અભિયાનનાં રાજ્યવ્યાપી પ્રારંભનાં ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાનાં હસ્તે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સાયલાનાં માનસરોવર તળાવને ઊંડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જળસંચય વધારવાના હેતુથી સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન થકી પાણીનો સંગ્રહ મોટા પ્રમાણમાં થવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધામાં વધારો થશે તેમજ પશુ-પંખીઓ માટે પીવાનાં પાણીની પણ એક કાયમી વ્યવસ્થા ઉભી થશે.
છેલ્લા પાંચ વર્ષમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા આ યોજના દ્વારા તળાવ ઊંડું કરવાના કામો, ચેકડેમ અને નદીની સાફ-સફાઈના સહિતના કામો થકી જળ સંગ્રહશક્તિમાં ઘણા મોટા પ્રમાણમાં વધારો થયો છે તેમ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ સાયલા તાલુકાનો કેન્દ્ર સરકાર દ્વારા એસ્પીરેશનલ બ્લોકમાં (આકાંક્ષિત તાલુકામાં) સમાવેશ કરવામાં આવ્યો છે તેમ જણાવી હવે આ તાલુકામાં આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓમાં વધારો થશે તેમ ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ મહિલા સન્માન બચત પત્રો, સુકન્યા સમૃદ્ધિ જેવી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે સુજલામ સુફલામ અભિયાનના છઠ્ઠા ચરણનો મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન દ્વારા જળસંચયના વિવિધ કામો હાથ ધરવામાં આવશે જેથી દર વર્ષે ઉનાળુ ઋતુમાં થતા પાણીના પ્રશ્નો નિવારી શકાશે અને પાણીનો સંગ્રહ વધવાથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે.
યોજનાકિય જાણકારી આપતા નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત 60% સરકાર અને 40% લોક ભાગીદારીથી કામો કરવામાં આવશે. અગાઉના વર્ષોમાં અનેક ધાર્મિક, સામાજિક સંસ્થાઓ આ અભિયાનમાં સહભાગી બની હતી તેમ આ વર્ષે પણ આ સંસ્થાઓ લોકકલ્યાણના આ કામમાં સહભાગી બની જળ અભિયાનને જન અભિયાન બનાવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત થયેલ કામગીરીની વાત કરતા નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ વિભાગો દ્વારા સુજલામ સુફલામ્ અંતર્ગત જિલ્લામાં 1291 જેટલા કામો હાથ ધરવામાં આવ્યા હતા તેમજ 64 લાખ ઘન મીટરના જેટલા કામો થવાથી જિલ્લાના લોકોને આ યોજનાનો સારો લાભ મળ્યો છે.
આ કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના મદદનીશ ઇજનેરશ્રી ધર્મેશભાઈ સોનગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને કાર્યપાલક ઇજનેરશ્રી આકાશ પટેલે આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ મુંજપરા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. એમ. રાયજાદા, પ્રાંત અધિકારીશ્રી યોગરાજસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ અગ્રણી સર્વશ્રી રાજભા ઝાલા, સુરિંગભાઈ ધાંધલ, જીલુભાઇ ખવડ, મુકેશભાઈ કાલિયા, સાયલા સરપંચશ્રી અજયરાજસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.