Press Information Bureau – પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારો માટે રૂરલ મીડિયા વર્કશોપ – વાર્તાલાપ યોજાયો
-
વર્કશોપમાં વરિષ્ઠ પત્રકારશ્રીઓએ ગ્રામીણ પત્રકારત્વ સહિતનાં વિવિધ વિષયો સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તકના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારો માટે રૂરલ મીડિયા વર્કશોપ – ‘વાર્તાલાપ’ યોજાયો હતો. શિવ ઇન્ટરનેશનલ હોટલ, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ આ વર્કશોપમાં વરિષ્ઠ પત્રકારશ્રીઓએ ગ્રામીણ પત્રકારત્વને લગતા વિવિધ વિષયો સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દર્શના ભગલાણીએ જણાવ્યું હતું કે લોકકલ્યાણનાં કાર્યક્રમો અને યોજનાઓ સફળ બનાવવામાં મીડિયાની ભૂમિકા અત્યંત અગત્યની છે.
આ પ્રકારની માહિતી ગામડાનાં છેવાડાનાં માનવી સુધી પહોંચાડીને તેમજ વિવિધ પ્રશ્નો-સમસ્યાઓ અને મુદ્દાઓ અંગે જાગરૂકતા ઉભી કરીને સર્વાંગી વિકાસ સાધવામાં ગ્રામીણ પત્રકારત્વ મહત્વનું સાબિત થાય છે ત્યારે આ પ્રકારનાં વર્કશોપની મદદથી પત્રકારોને વધુ સજ્જ થવાનો અને નિષ્ણાંતો સાથે ચર્ચા-વિમર્શ કરવાની તક મળે તે પ્રશંસનીય ઉપક્રમ છે. વર્કશોપને સંબોધન કરતા વરિષ્ઠ કટાર લેખક શ્રી મણિભાઈ પટેલે ગ્રામીણ પત્રકારત્વમાં તકો અને પડકારો વિશે વિસ્તૃત વાત કરતા જણાવ્યું હતું કે ભારતની મોટા ભાગની વસ્તી હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે ત્યારે સરકારની વાત પ્રજા સુધી પહોંચાડવામાં અને પ્રજાની વાત સરકાર સુધી પહોંચાડવામાં પત્રકારત્વની મહત્વની ભૂમિકા અતિ અગત્યની બની રહે છે.
સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં પુલવા હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પી
ગ્રામીણ પત્રકારત્વનાં કારણે વિવિધ અંતરિયાળ વિસ્તારમાં આવેલ વિધાયક પરિવર્તનો-અસરો વિશે ઉદાહરણો સાથે વાત કરતા તેમણે ગ્રામ્ય ક્ષેત્રોનાં સંશોધનો, સિધ્ધિઓ, વિશિષ્ટ વ્યક્તિત્વો, સમાચારોનાં બહેતર પ્રસ્તુતિકરણ, ભાષાનાં ઉપયોગ, વિષય સજ્જતા, સંશોધન સહિતની બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. વાચકોનાં વ્યક્તિત્વ વિકાસમાં અને સમાજનાં સર્વગ્રાહી વિકાસમાં ઉપયોગી નિવડી શકે તેવી બાબતો પ્રત્યે વાચકોની રસ-રૂચિ કેળવાય તે રીતે સમાચારો પ્રસ્તુત કરવા વિશે તેમણે ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું.
ગ્રામીણ પત્રકારત્વને ખેતી, પશુપાલન, સહકાર અને પંચાયતી રાજ એમ ચાર વિષયોમાં વિભાજિત કરી આ વિષયોના સમાચારને માધ્યમોમાં સ્થાન આપી ગ્રામીણ પ્રજાની વાતને ઉજાગર કરી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વરિષ્ઠ પત્રકારશ્રી જયવંત પંડ્યાએ સરકારની કલ્યાણકારી યોજનાઓના પ્રચાર પ્રસારમાં મીડિયાની ભૂમિકા વિશે વિસ્તારથી વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતો, સરકારની કલ્યાણકારી યોજનાઓ તેના લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે આવા યોજનાલક્ષી સમાચારોને પત્રકારો દ્વારા પ્રાધાન્ય આપવામાં આવે તો સમાજનો મોટો વર્ગ તેનાંથી લાભાન્વિત થઈ શકે તેમજ દેશ અને સમાજનાં વિકાસને વધુ બળ મળી શકે.
આ પ્રસંગે ફુલછાબના તંત્રીશ્રી જવલંત છાયાએ પત્રકારત્વનાં બદલાતા પરિમાણો વિશે વિગતવાર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પરિમાણો અને માધ્યમો બદલાયા હોવા છતા પત્રકારત્વની ભૂમિકા અને મૂળભૂત સિધ્ધાંતો એ જ રહ્યા છે. આ સિધ્ધાંતોનાં મહત્વ અને તેની જાળવણી અંગે વાત કરતા તેમણે પત્રકારોની ભૂમિકા, ફરજ, મહત્વ અને અસરો વિશે વિગતવાર જણાવ્યું હતું.
અત્યારના સમયમાં ઝડપથી આવતી માહિતી ઝડપથી પ્રસારિત કરવાની હોડ લાગી છે, ત્યારે પત્રકારત્વના સિદ્ધાંતો જળવાઈ રહે તેમ પત્રકારે માહિતીની ચકાસણી કરીને સમાચાર મોકલવા જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માહિતી વિસ્ફોટના આ સમયમાં પત્રકારે બેવડી જવાબદારી નિભાવવાની છે.પત્રકારત્વનો હેતુ અંતે હકારાત્મક ઉકેલો દ્વારા પ્રજાની સમસ્યાઓ નિવારવાનો હોઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પત્રકારોએ પત્રકારત્વના સિદ્ધાંતોને અનુસરીને સાચા સમાચાર જન-જન સુધી પહોંચાડવાના છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નાયબ નિયામકશ્રી યોગેશ પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી વર્કશોપ વિશે ભૂમિકા આપી હતી તેમજ નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંત ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.
આ વર્કશોપમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.