Ayush Mela – સુરેન્દ્રનગર ખાતે “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત આયોજિત “આયુષ મેળો”નો 3500થી વધુ લોકોએ લાભ લીધો
- જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રીના વરદ હસ્તે સુરેન્દ્રનગર ખાતે આયુષ મેળાનો શુભારંભ
- “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત આયોજિત “આયુષ મેળો”નો 3500થી વધુ લોકોએ લાભ લીધો
આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગર અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સુરેન્દ્રનગર આયુષ પ્રભાગ દ્વારા રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગરના સહયોગથી “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત આજે સંસ્કાર કોમ્યુનિટી હોલ, સંસ્કાર સોસાયટી, સુરેન્દ્રનગર ખાતે ‘આયુષ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી બબુબેન પાંચાણીના વરદ હસ્તે આ આયુષ મેળાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
આ મેળા અંતર્ગત આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમકે દિનચર્યા, ઋતુચર્યા, રસોડા/આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપતુ પ્રદર્શન, નિષ્ણાંત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પદ્ધતિથી નિદાન તથા સારવાર, આયુર્વેદની વિશિષ્ટતા એવી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ (કમર, ઘુંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની અગ્નિકર્મથી સારવાર), ક્ષારસૂત્ર દ્વારા હરસ મસા ભગંદરની સારવાર, પ્રકૃતિ પરિક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી કરી તે મુજબનાં આહાર વિહારનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા-સુવર્ણ પ્રાશન (0 થી 12 વર્ષના બાળકોને), તંદુરસ્ત માતૃબાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન, સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૃદ્ધજનો માટે તંદુરસ્ત દાદા-દાદી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ આયુષ મેળાનો 3500 થી વધુ શહેરી જનોએ લાભ લીધો હતો.જેમાં આયુર્વેદ નિદાન સારવાર ઓપીડીનો લાભ 398 તેમજ હોમિયોપેથી નિદાન સારવાર ઓપીડીનો લાભ 138 લોકોએ લીધો હતો. પંચકર્મ-92, અગ્નિ કર્મ-87, સુવર્ણ પ્રાશન-208, સંશમની વટી-668 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત મેળા અંતર્ગત 364 ઔષધીય રોપાનું વિતરણ, 608-આર્સેનિક આલ્બમનું વિતરણ તેમજ 1160 લાભાર્થીઓને અમૃત પેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આયુષ મેળા અંતર્ગત સ્વસ્થ વૃત અને રસોડાના ઔષધીઓના ચાર્ટનું પ્રદર્શન 3270 લોકોએ નિહાળ્યું અને 272 લોકોએ પ્રકૃતિ પરીક્ષણ કર્યું હતું. લાઈવ યોગા નિદર્શનમાં 1387 લોકો જોડાયા હતા. તેમજ આયુષ મેળાનું આકર્ષણનું કેન્દ્ર તંદુરસ્ત દાદા દાદી સ્પર્ધા રહ્યું હતું જેમાં ૨૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ આયુષ મેળામાં નગરપાલિકા પ્રમુખ શ્રી વિરેન્દ્ર આચાર્ય, આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રી વસંતબેન મજેઠીયા, અગ્રણી સર્વશ્રી જયેશભાઈ ચાવડા, શ્રી ધનરાજભાઈ કૈલા, શ્રી જય મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રકાશ મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી ગોહિલ સહિત સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા
સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. ખાતે તા.13 ફેબ્રુઆરીના રોજ યોજાશે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો”