Dhanvantari Arogya Rath – સુરેન્દ્રનગર ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું
- ચોટીલા તથા લીંબડી તાલુકાના બાંધકામ શ્રમયોગીઓની સારવાર માટે ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યા
ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને વધુ બે નવા ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યા છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, સુરેન્દ્રનગર હસ્તક ચોટીલા તથા લીંબડી તાલુકાના બાંધકામ શ્રમયોગીઓની સારવાર માટે ફાળવવામાં આવેલ આ ધન્વંતરી આરોગ્ય રથને આજરોજ જિલ્લા પંચાયત ખાતે ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રકાશભાઈ મકવાણાએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા ખાતે હાલમાં એક ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત હતો અને બીજા બે નવા રથ કાર્યરત થયા છે . આમ જિલ્લા ખાતે કુલ ત્રણ રથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ રથ દ્વારા આવતીકાલથી ચોટીલા તથા લીંબડી તાલુકામાં સેવા શરૂ કરવામાં આવશે.
વધુમાં આ ધન્વંતરી આરોગ્ય રથ ચોટીલા તથા લીંબડી તાલુકાના બાંધકામ શ્રમિક વસાહત, બાંધકામ સાઈટ અને આસપાસના ગામડાઓમાં ફરીને શ્રમિકોને પ્રાથમિક સારવાર જેમાં તાવ, બી.પી, સુગર તથા લોહીની તપાસ કરવાની સાથે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. બાંધકામ શ્રમિકોના આરોગ્ય તપાસણીની સાથે સાથે બાંધકામ શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ અને ઈ-નિર્માણ કાર્ડ કાઢી આપવામાં આવશે તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી.ગોહિલ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, સુરેન્દ્રનગરના નિરીક્ષકશ્રી કરણસિંહ ચુડાસમા, પ્રોજેકટ મેનેજરશ્રી હરપાલસિંહ પરમાર તથા જિલ્લા કચેરી સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.