Sapti Kendra – સાપ્તી કેન્દ્ર ધ્રાંગધ્રા દ્વારા શિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ
-
સાપ્તીમાં અદ્યતન માળખાકીય સુવિધાઓ સાથે નિઃશુલ્ક અપાય છે રોજગારલક્ષી શૈક્ષણિક તાલીમ
પ્રોજેક્ટ ઓફિસર-પ્લેસમેન્ટ અને પાર્ટનરશીપ ડેવલપમેન્ટ સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ, ધ્રાંગધ્રાની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો 2 વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ
શિલ્પકાર તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સાપ્તી-ધ્રાંગધ્રા ખાતે સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો 2 વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇનમાં 6 મહિના તથા લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇનમાં 3 મહિના એમ બે ટૂંકા ગાળાના કોર્ષ પણ સાપ્તી ખાતે શરુ કરવામાં આવેલ છે. 16 થી 28 વર્ષની વય ધરાવતા અને ઓછામાં ઓછું ધોરણ-10 પાસ હોય તેવા કોઈ પણ યુવાનો આ વ્યવસાયિક તાલીમમાં જોડાઈ શકે છે. જો 18 વર્ષ થયેલ હોય તો ધો-8 પાસ ઉમેદવારોને પણ ત્રણ મહિનાનાં કોર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે.
પ્રશિક્ષિત ઉમેદવારોને સ્વાવલંબી ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન
સાપ્તી ધ્રાંગધ્રા ખાતે મુખ્યત્વે સેન્ડસ્ટોન, માર્બલ, ગ્રેનાઈટ ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે. જેમાં થીયરી, ડ્રોઈંગ, ડિઝાઈનીંગથી લઈને વિધિવત રીતે પથ્થરકળાની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. અહી તાલીમાર્થીઓ પારંપરિક પથ્થર કોતરણી, હાથ વડે સંચાલિત પાવર ટુલ્સ, લેથ ટર્નીંગ વગેરેમાં નિપુણતા પ્રાપ્ત કરે છે.
સ્ટોન ક્રાફ્ટ અને ડીઝાઈનના 2 વર્ષ વાળા કોર્ષમાં CNC કટ મશીનની પણ તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત, તાલીમાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો-કમ્યુનિકેશન સ્કીલ, કોમ્પ્યુટર, વગેરે પણ શીખવવામાં આવે છે. સાપ્તીના વિદ્યાર્થીઓને સ્ટોન આર્ટિઝનશીપ અને ડિઝાઈનમાં વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે અને ઇન્ટર્નશિપના માધ્યમથી પથ્થર ઉદ્યોગનો પૂરતો એક્સપોઝર આપવામાં આવે છે. તેમજ પ્રશિક્ષિત ઉમેદવારોને સ્વાવલંબી ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને સરકાર માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે.
શૈક્ષણિક પ્રવાસો માટે બસની સુવિધા ઉપલબ્ધ
સાપ્તી ખાતે આધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડો, વર્કશોપ્સ, કોતરકામ માટે ખુલ્લી જગ્યા, હોસ્ટેલ, ભોજનાલય-આહારગૃહ, કોન્ફરન્સ રૂમ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, ડિસ્પ્લે ગેલેરી, વગેરે માળખાકીય સુવિધાઓ અદ્યતન માપદંડો અનુસાર ઉભી કરવામાં આવી છે.સાપ્તી ખાતે તાલીમમાં જોડાવવા માટેની કોઈપણ નોંધણી ફી નથી. આ સંપૂર્ણ નિઃશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમ છે. તાલીમાર્થીઓને સાપ્તી કેન્દ્ર ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા, તાલીમ દરમ્યાન જરૂરી સાધનો/ટૂલ્સ, સંપૂર્ણ સલામતી કીટ, સ્ટેશનરી કીટ-શૈક્ષણિક કીટ, યુનિફોર્મ, વિવિધ જરૂરી મટીરીયલ પણ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવે છે.
પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ મેળવી
સાપ્તીમાં સરળ નોંધણી પ્રક્રિયા દ્વારા પ્રવેશ મેળવી શકાય છે. ઉમેદવારો હળવદ બાયપાસ, રેલ્વે ક્રોસિંગ નં.50ની બાજુમાં આવેલ સાપ્તી કેન્દ્ર ધ્રાંગધ્રાની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ મેળવીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. વધુ જાણકારી અને નામ નોંધાવવા માટે શ્રી અશરફ નથવાણી મો.8511189199 નો સંપર્ક કરવાનો રહેશે એમ યાદીમાં જણાવ્યું છે.