Increase in oil prices – બે જ દિવસમાં સીંગતેલના ભાવ ડબ્બે રૂ.150 વધી ગયા, ફરી 3 હજારને પાર; ચીનમાં મોટાપાયે નિકાસને લીધે ભાવ વધ્યા
- મગફળીનો મણદીઠ ભાવ રૂ.1200થી વધીને રૂ.1500 થઇ જતાં ભાવ પર અસર
સીંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. માત્ર બે દિવસમાં સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.150 વધી જવા સાથે ફરી એકવાર રૂ.3000ને વટાવી ગયો છે. ચીનમાં મોટાપાયે નિકાસથી સીંગતેલના નવા ડબ્બાનો ભાવ રૂ.100-150 વધ્યો છે. ખાદ્યતેલો પરની આયાત ડ્યૂટી વધારવા ઓઇલ મિલોની માંગ છે.
આગામી સમયમાં ડ્યુટીમાં વધારો, માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકમાં ઘટાડો, ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા જેવા પરિબળોને લીધે ભાવ અચાનક ઊંચકાયા છે. અન્ય ખાદ્યતેલોની સરખામણીએ સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.1000 જેટલો વધુ છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના પાકનો અંદાજ 28-29 લાખ ટન મુકવામાં આવ્યો છે જે ગત વર્ષે 32-33 લાખ ટન હતો. ઉત્પાદનમાં ઘટાડો અને સીંગદાણા તથા સીંગતેલની નિકાસના કારણે બજારને સપોર્ટ મળ્યો છે. ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સીંગતેલના મોટાપાયે સોદા થયા હતા. જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે છે.
ઓઇલ મિલરોનું કહેવું છે કે નિકાસ વેપાર અને ખેડૂતોની મગફળીની વેચવા પર બજારનો ટ્રેન્ડ નિર્ભર બનશે. જોકે, અન્ય ખાદ્ય તેલોને ધ્યાનમાં લેતા ભાવ ફરક વધી ગયો હોવાથી હવે ઝડપી તેજી જણાતી નથી છતાં ઉપરમાં 3200-3300નો ભાવ થાય તો નવાઇ નહીં. મગફળીનો ભાવ સિઝનની શરૂમાં મણદીઠ રૂ.1200 આસપાસ રહ્યો હતો જે વધીને અત્યારે રૂ.1500-1600 બોલાવા લાગ્યો છે. મગફળીના ઉંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
કપાસિયા, સોયાબિન, સનફલાવર તેલના ભાવમાં કોઇ વધારો નહીં
ખાદ્યતેલ |
11-2-2022 |
14-2-2022 |
તફાવત |
સીંગતેલ |
2800-2900 |
2950-3050 |
150 |
કપાસિયા |
2000-2080 |
2000-2080 |
– |
સોયાબિન |
2000-2150 |
2000-2150 |
– |
પામતેલ |
1670 |
1680 |
10 |
સનફલાવર |
2000-2100 |
2000-2080 |
– |
(નોંધ – ભાવ 15 કિલો ડબ્બાનો) |
ફરસાણ કંપનીઓની માંગ વધી
મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમજ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઇ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે.
સિઝનની 70 ટકા મગફળીનો પાક બજારમાં આવી ચૂક્યો છે
સીંગતેલની તુલનાએ સાઇડ તેલો ઘણા સસ્તા છ તેમજ 3000ના ભાવે ખરીદીનું માનસ બદલાશે જેથી હાલના ભાવથી ઝડપી તેજીની સંભાવના નથી. ખેડૂતો અત્યારે અન્ય જણસોની વેચવાલી કરતાં હોવાથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક નહિવત છે. સિઝનનો 70 ટકા માલ બજારમાં આવી ચૂક્યો છે. > કિશોર વિરડીયા, પ્રમુખ-સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન
સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં પુલવા હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પી