Weather Updates Today: અમદાવાદમાં વાદળીયા વાતાવરણથી ગરમી ઘટી, દિલ્હીમાં પડ્યો વરસાદ
Weather Updates And Forecast: ગુજરાતમાં આકરી ગરમીથી આંશિક રાહત મળી છે, અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેતા અને વાતાવરણમાં ભેજ વધતા ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે, બપોરના સમયે ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. આ તરફ દિલ્હીમાં ગરમીથી ત્રાહિમામ લોકોને વરસાદ થતા રાહત મળી છે. ગુજરાતમાં ચાલુ અઠવાડિયામાં વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.
- ગુજરાતમાં કાળઝાળ ગરમીથી શેકાયા બાદ સામાન્ય રાહત મળી
- અમદાવાદ સહિતના શહેરોમાં વાદળીયા વાતાવરણના લીધે ગરમી ઘટી
- દિલ્હી-નોઈડામાં બે દિવસના ઉકળાટ બાદ સોમવારે સવારે વરસાદ થયો
અમદાવાદ, નવી દિલ્હીઃ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું થયું છે, અને ગરમીથી રાહત મળી છે, પાછલા અઠવાડિયાના અંતથી અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે વાતાવરણ વાદળછાયું હોવાથી ગરમીથી થોડી રાહત મળી છે. જોકે, ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો છે. આજે તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આ તરફ દિલ્હી-નોઈડામાં આકરી ગરમી બાદ વરસાદ થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. ગુજરાતમાં પણ આ વર્ષે પાછલા વર્ષોની સરખામણીમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલે પણ આ અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ શુક્રવારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેશે. આ સાથે તેમણે ગરમીમાં ઘટાડો થવાની અને તે પછી ફરી એકવાર પારો ઊંચો જવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવાના વહેરમાં ફરક પડશે કે તે અંગે મોહંતીએ જણાવ્યું હતું, “હાલ કોઈ મોટો ફરક નથી પરંતુ ભેજના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.”