રાહતના એંધાણ: દેશની જનતાને મળી શકે છે મોંઘવારીથી રાહત, ઘટશે તમારા રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવ!
પેટ્રોલ-ડીઝલ બાદ આવનારા દિવસોમાં જનતાને કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારીથી વધુ થોડીક રાહત મળી શકે છે.
- પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકારે ઘટાડી એક્સાઇઝ ડ્યુટી
- સ્ટીલ સિમેન્ટ પણ સસ્તું થશે તેવું અનુમાન
- રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં પણ 10 ટકા ઘટાડો થશે!
વધતી જતી મોંઘવારીને ધ્યાને રાખતા સામાન્ય લોકોથી માંડીને કોર્પોરેટ લોકોને રાહત આપવા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો આવ્યો છે. ત્યારે એવું કહેવાઇ રહ્યું છે કે, આ નિર્ણય બાદ મોંઘવારીથી સામાન્ય જનતાને થોડી રાહત મળશે તેવી આશા સેવાઇ રહી છે.
તમને જણાવી દઇએ કે, દેશમાં મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત આપી છે. પેટ્રોલના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો નોંધાયો છે.
એપ્રિલમાં રેકોર્ડ મોંઘવારી દરના કારણે સરકારે લીધો નિર્ણય
હકીકતમાં, એપ્રિલ મહિનામાં છૂટક મોંઘવારી દર 7.79 ટકાના 8 વર્ષના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર 15.08 ટકાના 9 વર્ષના ઉચ્ચ સ્તરે છે. દર અઠવાડિયે, એફએમસીજી કંપનીઓથી લઇને અન્ય ક્ષેત્રો ખર્ચમાં વધારો દર્શાવીને ભાવમાં વધારો કરતા રહે છે. આવી સ્થિતિમાં ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયના કારણે કંપનીઓના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે. વાસ્તવમાં આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ પણ સરકારને પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવાની સલાહ આપી હતી. તો CIIના પ્રમુખ સંજીવ બજાજે પણ સરકારને ટેક્સ ઘટાડવા માટે કહ્યું હતું.
સ્ટીલ-સિમેન્ટ પણ સસ્તું થશે તેવું અનુમાન
માત્ર એટલું જ નહીં, કેન્દ્ર સરકારે સ્ટીલ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં વપરાતી વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કર્યો છે. તેમજ સિમેન્ટનો પુરવઠો વધારવા માટે પણ પગલાં લેવાયા છે. આ પગલાં મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદ કરશે.
શું મોંઘવારી ઘટશે!
નિષ્ણાંતોનું માનવું છે કે, પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના સરકારના નિર્ણય અને રાજ્ય સરકારો દ્વારા વેટ ઘટાડવાના નિર્ણયને કારણે મોંઘવારી દરમાં 20થી 40 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. છૂટક ફુગાવાના દરથી લઈને જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાના દર, બંનેમાં ઘટાડો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, એવી આશા રાખવામાં આવે છે કે જ્યારે મોંઘવારી ઓછી થશે ત્યારે આરબીઆઈ પર લોન મોંઘી કરવાનું દબાણ પણ ઓછું થશે. જેના લીધે EMI મોંઘી થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે તે મોર્ચા પર રાહત મળી શકે છે.
રોજિંદી ચીજવસ્તુઓ પણ 10 ટકા સસ્તી થશે!
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) માને છે કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાથી માંડી રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં પણ ઓછામાં ઓછો 10% ઘટાડો કરશે તેવું અનુમાન છે. એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો ભાવમાં ઘટાડો લાવી શકે છે કારણ કે તે વસ્તુઓ બનાવવા માટે જરૂરી કાચા માલના પરિવહનનો ખર્ચ પણ ઓછો થશે, જેના કારણે અન્ય વસ્તુઓના ભાવ પણ નીચે આવવા જોઈએ.