Circuit House – સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્ય દંડકનાં અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા, સૌની યોજના અને વાસ્મોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ
- પાણી પુરવઠા, વાસ્મો અને નર્મદા યોજનાના વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાનાં અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા, વાસ્મો, સિંચાઇ, નર્મદા તથા સૌની યોજનાના અધિકારીશ્રીઓ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પાણી પુરવઠા, વાસ્મો અને નર્મદા યોજનાના વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વઢવાણ તાલુકાના ગામોમાં ચાલતા પાણી પુરવઠા અને વાસ્મો વિભાગ હેઠળના વિવિધ કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને જે ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવા ગામોમાં પીવાના પાણીના કામો સત્વરે પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
વધુમાં નાયબ મુખ્ય દંડકશ્રી એ જણાવ્યું હતું કે લોકોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે એવી રીતે પાણી પુરવઠા અને લગતા વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવે અને વિસ્તારના દરેક ગામોમાં નિયમિત અને પૂરતા દબાણથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે.
આ બેઠકમાં વઢવાણ તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ દ્વારા પીવાના પાણીના કામો સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી. નાયબ મુખ્ય દંડકશ્રીએ સંબંધિત અધિકારીઓને વિવિધ યોજના મારફત આ ગામોમાં પાણીને લગતી સુવિધાઓ પૂરી પાડવા તેમજ સંપ, ટાંકી જેવા પાણીના કામોને અગ્રતા આપવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં સુજલામ સુફલામ યોજના, સૌની યોજના અને નર્મદા કેનાલના કામોની સમીક્ષા કરીને નાયબ મુખ્ય દંડકશ્રીએ ખેડૂતોને સિંચાઈ માટે યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી દીપેશ કેડીયા, પાણી પુરવઠા અધિકારીશ્રી એમ.જી.ઠાકુર, વાસ્મોના યુનિટ મેનેજરશ્રી આર.એમ.પટેલ, સિંચાઇ, સૌની યોજના,નર્મદા યોજના તથા પાણી પુરવઠા વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ સહિત વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી