હાલાકી: તાલુકા પંચાયતથી જગદીશ આશ્રમ રોડ પર ગટરનો કચરો ઢોળાયો
- લીંબડી પાલિકાએ જીનની ગટર સફાઈથી પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી
લીંબડી ન.પાલિકાએ રાજુભાઈના જીન પાસેની ગટરની સફાઈ કરી પ્રી-મોન્સૂન કામગીરીની શરૂઆત કરી હતી. જો કે જીનની ગટરમાંથી કાઢેલો ગંદો કચરો તા.પંચાયતથી જગદીશ આશ્રમ રોડ પર ઢોળાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસના સભ્યએ આરોપ મૂક્યો હતો કે પ્રી-મોન્સૂન કામગીરીના નામે પાલિકા મોટો ભ્રષ્ટાચાર આચરી રહી છે. જીન પાસેની ગટરમાંથી કાઢેલો કચરો ટ્રેક્ટરમાં ભરી બહાર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તાલુકા પંચાયત કચેરીથી જગદીશ આશ્રમ રોડ ઉપર ગટરનો ગંદો અને દુર્ગંધ મારતો કચરો ઢોળાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
રોડની બાજુની દુકાનો અને રહેણાકના મકાનોમાં ગટરના દુર્ગંધ મારતા કચરાથી મુશ્કેલી વેઠવી પડી હતી. આ અંગે પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા નટુભા ઝાલાએ જણાવ્યું કે સિધ્ધનાથ, પારસનગર, શક્તિ સોસાયટી સહિતના વિસ્તારોમાં જયાં વર્ષોથી વરસાદી પાણી ભરાય છે ત્યાં પ્રી-મોન્સૂન કામગીરી કરાતી નથી. ભયગ્રસ્ત મકાનો ઉતારતા નથી. પ્રી-મોન્સૂન કામગીરીના નામે મોટા બિલ બનાવી લોકોના પૈસાનો વેડફાટ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.