Surendranagar District – સુરેન્દ્રનગર જિલ્લામાં જૂના વાહનોની લે-વેચ કરનારે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે
- જૂના વાહનોની લે-વેચ કરનારે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે
ભાંગફોડ સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે જૂની સાયકલો-વાહનોનો ઉપયોગ થતો અટકાવવા સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ-144 અન્વયે મળેલ સત્તાની રૂએ જૂની સાયકલ-વાહનોની લે-વેચ કરનાર વ્યક્તિઓ માટે ખરીદનાર-વેચનારની વિગતો ધરાવતા રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તે જાહેરનામા અનુસાર રજિસ્ટરમાં વેચનારનું નામ-સરનામું અને વાહન વેચવાનું કારણ, ખરીદનારનું પૂરુ નામ-સરનામું અને મોબાઈલ નંબર, ખરીદનારની ઓળખ અને રહેઠાણના પુરાવાની વિગત, જુનુ વાહન ખરીદવા માટેનું કારણ અને તારીખ, તેમજ વાહનના એન્જિન, ચેસીસ નંબર, મોડેલ અને રજિસ્ટ્રેશન નંબરની વિગતો ધરાવતી ઝેરોક્ષ સહિતની વિગતો રાખવી ફરજિયાત છે.
આ ઉપરાંત, વાહન વેચાણકર્તાએ ખરીદનાર પાસેથી ઓળખનો એક પુરાવો મેળવી તેને ફરજિયાત બિલ આપવાનું રહેશે અને સ્થળપ્રત પોતાના કબજામાં રાખવાની રહેશે. બિલમાં ખરીદનારના નામ-સરનામું, સંપર્ક નંબર તેમજ વેચાણ બિલમાં વાહનની વિગત લખવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ હુકમ તારીખ 30/04/2023 સુધીનો રહેશે.