Guidance Camp – સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની યોજનાઓ અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ
- સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આ પ્રકારની માર્ગદર્શન શિબિર ખૂબ મદદરૂપ થાય છે -કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા
- મંત્રીશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાયચેકનું વિતરણ કરાયું
સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ તેમજ સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર દ્વારા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિઓના લાભાર્થીઓ માટેની યોજનાઓ અંગે એક માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ અમલી વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી એક જ સ્થળે મળી રહે તે હેતુસર આવી શિબીરોનું આયોજન કરવામાં આવતું હોય છે. સરકાર દ્વારા વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આવી શિબિરો ખૂબ મદદરૂપ થાય છે. આ શિબિરોના માધ્યમથી દરેક લાભાર્થીને સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓ વિશે જાણે અને તેનો લાભ મેળવે તે માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી શિબિરોનું આયોજન કરવું જોઈએ જેથી જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી આ યોજનાઓનાં લાભો પહોંચે.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ પ્રકારની માર્ગદર્શન શિબિર જરૂરતમંદ લોકો માટે વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી મેળવવાનું અને યોજનાનો લાભ મેળવવા માટે ની પ્રક્રિયા વિશે સચોટ માહિતી મેળવવાનું માધ્યમ બને છે.
આ પ્રસંગે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બબુબેન પાંચાણી, ધારાસભ્ય સર્વશ્રી કિરીટસિંહ રાણા, શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પી.કે. પરમાર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મોહનભાઈ ડોરીયા, સામાજિક ન્યાય સમિતિના સભ્યશ્રી રમેશભાઈ સોયા, સુશ્રી નંદુબેન વાઘેલા સહિતનાં પદાધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી. ગોહિલ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી જી.એચ. ધારીયાપરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.