Development Work – સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં વિવિધ યોજના અંતર્ગત રૂ.949 લાખથી વધુના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
- નગરપાલિકા વિસ્તારમાં વિવિધ યોજના અંતર્ગત રૂપિયા 949 લાખથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુજપરાનાં અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાના રૂ.949 લાખથી વધુનાં વિવિધ વિકાસ કાર્યોનો લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરનાં નાગરિકો માટે વિવિધ સુવિધાઓમાં વધારો થાય તે માટે અનેક નવા વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે.
શહેરમાં મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ બનાવવાનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્પોર્ટસ સંકુલનો લાભ શહેરીજનોને મળશે. ભારત સરકાર દ્વારા સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં 7 રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશન તરીકે મંજૂર કરવામાં આવ્યા છે જેનો લાભ જનતાને મળશે તેમજ રૂપિયા 14 લાખના ખર્ચે જવાહર ગ્રાઉન્ડ ખાતે રનિંગ માટે ટર્ફ ટ્રેક બનાવવામાં આવશે જેનો લાભ જિલ્લાના તાલીમાર્થીઓને મળશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓમાં મોટો વધારો થયો છે, જેનાં કારણે શહેરોમાં જીવન વધુ સરળ અને સુવિધાયુક્ત બન્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે શહેરોમાં વાંચનાલય સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ નીવડે તેવી રીડિંગ લાઇબ્રેરીઓનું પણ નિર્માણ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી દિવસોમાં સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ ખાતે મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમજ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવામાં આવશે જેનો લાભ જિલ્લાની જનતાને મળશે. પાટડી દસાડા વિસ્તારમાં રહેતા અગરિયાઓ માટે પણ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા શહેરીજનોનાં લાભાર્થે શહેરોમાં આંતરમાળખાકીય સુવિધાઓમાં સતત વધારો થતો રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શહેરોને વધુ સુવિધાયુક્ત બનાવવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે શહેરો ઝડપથી વિકસિત થઈ રહ્યા છે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત થવાથી જનતાની સુવિધામાં વધારો થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ તકે મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યવસાય વેરા ગ્રાન્ટ અન્વયે અંદાજિત રૂપિયા 155.95 લાખના ખર્ચે મેઘાણીબાગ પાણીની ટાંકી, સ્નાનાગાર, લાઇબ્રેરી, જીમ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અંદાજિત રૂપિયા 563.08 લાખના ખર્ચે સુરેન્દ્રનગરમાં આવેલ મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.
તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટ અન્વયે રૂપિયા 124.62 લાખના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ વિન્ડો કમ્પોસ્ટ મશીનરી શેડ, એન્ડ ફોર પ્લાસ્ટિક રિસાયકલ મશીનરી પ્લાન્ટના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત અમૃત-1 અન્વયે અંદાજિત રૂપિયા 106 લાખના ખર્ચે સહયોગ પાર્ક પત્રકારશ્રી ભાનુભાઇ શુક્લ બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ક્રાંતિવીર સરદારસિંહ રાણા બાગ અને સામાજિક કાર્યકર શ્રી ચંદુલાલ મહેતા પાર્કના રીનોવેશનનું પણ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અગ્રણીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વર્ષાબેન દોશી, મનહરસિંહ રાણા, જયેશભાઈ પટેલ, રાહુલભાઈ શુક્લ, રુદ્રસિંહ ઝાલા સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.