Minister’s visit with Agarias – સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રણવિસ્તારમાં રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અગરિયાઓ સાથે મુલાકાત કરી
-
અગરિયાઓનું જીવન સરળ, વધુ સુવિધાયુક્ત બને, સરકારની દરેક કલ્યાણકારી યોજનાઓનાં લાભ તેમને સરળતાથી મળતા થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે -રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
-
અગરિયાઓને પડતી સમસ્યાઓ વિશે વિગતવાર માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને સૂચના-માર્ગદર્શન આપ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ખાતે આજ રોજ સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ રણવિસ્તારમાં મીઠું બનાવતા અગરિયા સમુદાયની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ અગરિયાઓ દ્વારા મીઠું બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખારાઘોડા ગામ નજીકનાં રણવિસ્તારનાં અગરિયાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને પડતી પાણી, રહેણાંક સહિતની સમસ્યાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
સોલાર પેનલ, અગરિયા કાર્ડ, લીઝ લાઇસન્સ, બોર, આયુષ્માન કાર્ડ સહીતની સરકારની યોજનાઓનો લાભ અગરિયાઓને મળે તેમજ અગરિયા વિસ્તાર સંબંધિત સમસ્યાઓનાં નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓ – કર્મચારીઓને સૂચના-માર્ગદર્શન આપ્યા હતા. આ ઉપરાંત અગરિયા વિસ્તારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે કાર્યરત આંગણવાડી તેમજ રણશાળાની સંખ્યામાં વધારો કરવા પણ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
મંત્રીશ્રીએ રણ વિસ્તારમાં મીઠું બનાવવાની સંપૂર્ણ ક્રિયા પ્રત્યક્ષ નિહાળી તેમજ સોલ્ટ ફેક્ટરી – પરફેક્ટ ચેમ્ફ ફૂડ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત પણ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર સમાજનો દરેક વર્ગ વિકાસની પ્રક્રિયામાં સહભાગી બને અને વિકાસનાં સુફળ દરેક વર્ગ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસરત છે. ભોજનમાં અતિ મહત્વનું કહી શકાય તેવા મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓનું જીવન સરળ, વધુ સુવિધાયુક્ત બને, સરકારની દરેક કલ્યાણકારી યોજનાઓનાં લાભ તેમને સરળતાથી મળતા થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વચ્છરાજ બેટ સ્થિત વચ્છરાજ દાદાનાં મંદિરે દર્શન કર્યા હતા તેમજ મંદિર પરિસરમાં સ્થિત ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી. મુલાકાત દરમિયાન પાટડી ધારાસભ્ય શ્રી પી.કે પરમાર, નગરપાલિકા પ્રમુખશ્રી મૌલેશ પરીખ સહિતનાં સ્થાનિક આગેવાનો-અગ્રણીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી ભાવનાબા ઝાલા સહિત સંબંધિત વિભાગનાં અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લીંબડી દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટ હન્ટનું આયોજન કરાયું