એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ: આજની યુવા પેઢીને જીવન સંબંધિત વિષયોમાં ખૂબ રુચિ છે, કૃષ્ણનો દૃષ્ટિકોણ તેમની બધી સમસ્યાઓનો ઉકેલઃ ગૌર ગોપાલદાસજી
- સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકરે આજની યુવા પેઢી સાથે ધર્મ નિરપેક્ષ રહી કનેક્ટ થવા પર સૌથી વધુ ભાર મૂક્યો
- દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું- માતા-પિતા અને ગુરુજી રાધાનાથજીએ જ મારું ઘડતર કર્યું
જાણીતા મોટિવેશનલ સ્પીકર અને યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય વક્તા ગૌર ગોપાલદાસજીએ દિવ્ય ભાસ્કર સાથેના એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુમાં યુવાનો સાથેની તેમની કનેક્ટિવિટી ઉપરાંત સાંપ્રત સમયમાં તેમની સમસ્યાઓના ઉકેલ વિશે ઘણી રોચક વાતો કરી હતી. તેમણે સૌથી વધુ ભાર યુવાનોને તેમના જ વિષયો અને તેમની જ ભાષામાં દૃષ્ટાંતો આપીને સમજાવવા પર મૂક્યો છે. આ ઉપરાંત પોતાનાં માતા-પિતા, મિત્રો અને આધ્યાત્મિક ગુરુ રાધાનાથજી સ્વામી વિશે પણ જણાવ્યું હતું. પ્રસ્તુત છે, ગૌર ગોપાલદાસજી સાથેની ખાસ વાતચીતના અંશો.
– આજના યુથ સાથે તેમની જબરદસ્ત કનેક્ટિવિટીનું રહસ્ય
“મારા મતે આજના લાખો યુવાનો મારા ફોલોઅર્સ નથી, પરંતુ મારા મિત્રો છે. ફોલોઅર્સ તો સોશિયલ મીડિયાનો ટર્મ છે. મારા મતે આજની યુવા પેઢીને જીવન સંબંધિત વિષયોમાં ખૂબ રુચિ છે. આને કારણે તેમને તેમના વિષયો તેમની ભાષામાં જ સમજાવવા જરૂરી છે. યુથ આપણી સાથે કનેક્ટ થાય એ માટે તેમની સાથેના સંવાદને પ્રાસંગિક અને અર્વાચીન રાખવો ખૂબ જરૂરી છે. આનાં ઉદાહરણો પણ એ મુજબના વ્યવહારુ હોવા જરૂરી છે. બધું ધર્મ નિરપેક્ષ રાખવું જોઈએ. હું તો કદી કોઈ રિલિજિયનની વાત નથી કરતો, કારણ કે જીવન જ ધર્મ નિરપેક્ષ છે. હું ગીતાજીનો ખૂબ ઉપાસક છું અને ગીતાજી એ જીવનશૈલી છે, માટે આ બાબતોને ધર્મ નિરપેક્ષ રાખવું જોઈએ. કદાચ આવું જ કાંઈક હશે, જેને કારણે યુવાનોને મજા આવી હશે.”
સાળંગપુર હનુમાન મંદિરમાં ભોજનાલય બનાવવા “શ્રી રામ” લખાયેલી 12 લાખ ઇંટો ભેટ અપાશે
– પૂર્વાશ્રમમાં પુત્ર, વિદ્યાર્થી, એન્જિનિયર અને આધ્યાત્મિક સફર
“મારી આખી સફર પ્રેરણાની સફર રહી હતી. મારા માતા-પિતા ખૂબ સમજદાર હતા અને તેઓ બાળકોની જરુરિયાતોને સમજતા હતા. સારો પુત્ર બનવાનો પ્રયાસ કરવાનું મારા માટે મુશ્કેલ નહોતું. હું એ જમાનામાં હતો જ્યારે સોશિયલ મીડિયા નહોતું, સ્માર્ટ ફોન નહોતો, સ્માર્ટ સિટી નહોતા. હું એ જમાનાનો હતો જ્યાં લોકો સ્માર્ટ હતા, સામ-સામે બેસીને વાતો કરતા હતા. તે સમયમાં સંબંધો પણ પર્સનલ હતા. જો કે, આજે આ બધું જરુરી છે. પરંતુ તે સમયે હું સમર્પિત અને કેન્દ્રિત સ્ટુડન્ટ બની શક્યો કારણ કે મારો ધ્યાનભંગ કરવા કશું નહોતું. એન્જિનિયર રહ્યો, હેવલેટ પેકાર્ડમાં હતો ત્યારે પણ મેં સમર્પણના ભાવ સાથે કામ કર્યું. પરંતુ મને ખબર પડી ગઈ કે હું આ માટે નથી બન્યો અને હું જૂઠ્ઠાણાનું જીવન ના જીવી શકું.”
– બાળપણનાં શહેર અને મિત્રો વિશે
“મારા બાળપણમાં મિત્રો-સ્કૂલ-રમતનું મેદાન બધું હતું. સ્માર્ટફોન નહોતા તો કાગળની નાવડી, દોડવાનું–નાસવાનું–રમવા જવાનું હતું. એકબીજાના ઘરે જમવા જતા હતા. બધા સંબંધો અને વ્યવહારો અંગત હતા. આનાથી તમારો ખૂબ સાર્વત્રિક વિકાસ થાય અને તેનાથી E.Q. ખૂબ મજબૂત થાય છે. નાનપણમાં ગામના લોકોનો અને આશ્રમમાં આવ્યો તો મારા ગુરુઓ અને સાથીઓનો ખૂબ પ્રેમ મળ્યો. આના કારણે મને લાગે છે કે E.Q.ને નેગ્લેક્ટ ન કરવો જોઈએ.”
બગોદરા-વટામણ હાઇવે પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નડ્યો અકસ્માત, 3 લોકોનાં મોત, 10 ઈજાગ્રસ્ત
– અત્યારે બાળકોનું બાળપણ ખોવાઈ જવા વિશે
અત્યારની શૈક્ષણિક પદ્ધતિમાં એ સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે કે બાળકોનું બાળપણ ખોવાય નહીં. માતા-પિતાની પણ ખૂબ મોટી જવાબદારી છે. ચાણક્યએ તો કહ્યું હતું કે બાળકને મોટા કરવામાં આખું ગામ લાગે છે. ગામ એટલે માતા-પિતા, ભાઈ-ભાંડુ, આડોશી-પાડોશી, દુકાનવાળા, સ્કૂલના શિક્ષકો વગેરે.. બધા આવી ગયા. બાળકોને મોટા કરવા એ ખૂબ મહત્ત્વની જવાબદારી છે.
– આધ્યાત્મિક સફરમાં ગુરુ રાધાનાથજીની ભૂમિકા
“મેં રાધાનાથ મહારાજજીને પહેલીવાર જોયા તો હું જોતો જ રહી ગયો. તે જન્મે અમેરિકન છે અને આધ્યાત્મની ખોજમાં તેઓ અહીં આવ્યા. મેં પહેલીવાર તેમને સાંભળ્યા તો તેઓ અમેરિકન લઢણમાં ગીતાજી પર પ્રવચન આપી રહ્યા હતા. હું તો તેમનાથી ખૂબ જ પ્રેરિત થયો હતો. તેમણે ખૂબ સ્થિરતા સાથે ગીતાજીની સમજ આપી હતી. મેં તો તે વખતે જ નક્કી કરી લીધું કે હું તેમના માર્ગદર્શનમાં જ જીવન વ્યતિત કરવા માગું છું અને હવે 25 વર્ષ થઈ ગયા. મેં આજદિન સુધી તેમના સ્તરનો માણસ જોયો નથી. તેમની વાતમાં પરિપક્વતા હોય છે. રાધાનાથજીએ જ મને દીક્ષા આપી.”
– આજના યુથ માટે કૃષ્ણ કેવી રીતે સંદર્ભિત થઈ શકે
“મારા મતે કૃષ્ણમાંથી ધર્મ કાઢી લઈએ તો તેઓ બધાના થઈ જાય છે. ધર્મ જોડવાથી માત્ર એક સંપ્રદાય કે સમુદાયના થઈ જાય છે. મહાભારતમાં જુઓ તો કૃષ્ણથી વધુ વ્યવહારુ, વાસ્તવવાદી, સ્થિતપ્રજ્ઞ મેં કોઈને જોયા નથી. તેમના મહાભારતના સિદ્ધાંતોને શીખી શકીએ તો ગમે તેવી નાની-મોટી સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ. આપણી યુવા પેઢીએ તે દૃષ્ટિકોણથી મહાભારતના પ્રસંગોને જોવા જોઈએ. તકલીફ પડે તો આપણા ધર્મગુરુઓની ફરજ બને છે કે તેઓ યુવા પેઢીને ધર્મસંકટો કે બીજા સંકટોમાંથી યોગ્ય પસંદગીનો માર્ગ શીખવે.”
નરાધમને અંતિમ શ્વાસ સુધી કેદ: સુરત હજીરામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આવ્યો ચુકાદો